Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

ગુજરાતમાં સરેરાશ બે દાયકા જુના ૩૨ (ક) સ્ટેમ્પ ડ્યુટીના કેસોનો નિવેડો લાવવા માંગ

જુનાગઢ ભાજપ અગ્રણી ભરત ગાજીપરાની મુખ્યમંત્રી સહિતનાને રજુઆત

જુનાગઢ,તા.૧૪ : ગુજરાત સરકારનાં સ્ટેમ્પ ડયુટી મૂલ્યાંકન તંત્ર દ્વારા તા.૧-૪-૨૦૦૦ બાદ સરકારના હુકમથી કોઈ પણ મિલકત ફેરબદલ થાય તો સરકારે નિયત કરેલ સ્ટેમ્પ ડયુટીની રકમથી ઓછી રકમનાં સ્ટેમ્પવાળા દસ્તાવેજ નોંધાતા નથી. સરકારનું આ આવકારદાયક પગલું છે પરંતુ ૧૯૪૭ થી આજ સુધીમાં અપૂરતી સ્ટેમ્પ ડયુટી અંગેના અનેક વિવાદ તુમારમાં પેન્ડીંગ છે. ભૂતકાળમાં સરકારે ૫૦ ચો.મી.ના બાંધકામ સહિતનાં તેમજ ૧૦૦ ચો.મી.નાં બાંધકામ સહિતના દસ્તાવેજો, તા.૩-૭-૧૯૯૮ થી બે વર્ષ માટે મુકિત આપેલ. આ સમયગાળામાં પણ વહીવટી તંત્ર દ્વારા નાની-મોટી ટેકનીકાલીટી ઉભી કરી, અનેક દસ્તાવેજો પેન્ડીંગ રાખેલ છે. ત્યારબાદ ૧૯૯૮ થી ૨૦૦૩ સધીમાં સરકાર દ્વારા વિવિધ સ્ટેમ્પ ડયુટીના કેસનાં તુમારમાં નિકાલ માટે ખૂટતી સ્ટેમ્પ ડયુટીનાં ૫૦% માફી, ૩૦% માફી, જેવી યોજનાઓ ૨૦૦૩ સુધી લાવેલ. આ યોજનામાં માત્ર ૨૦% કેસોનો નિકાલ થયેલ. કારણ કે આ યોજનાથી બહોળી પ્રસિધ્ધિ થયેલ નહીં.

ભાજપ અગ્રણી અને બાર કાઉન્સીલ ઓફ ગજરાતનાં પૂર્વ ચેરમેન ભરત ગાજીપરા એ મુખ્યમંત્રી, નાણામંત્રી, અને મહેસુલ મંત્રીને રજૂઆત કરી. આ તુમારમાં નિકાલ કરવા સરકાર કોઈ પણ પ્રકારની એમ્નેસ્ટી સ્કીમ ભૂતકાળની માફક ખૂટતી સ્ટેમ્પ ડયુટીની ર૫% રકમ અને વ્યાજ માફ જેવી જાહેરાત કરે, તેમજ ભૂતકાળમાં ૫૦ મીટર અને ૧૦૦ મીટરનાં બાંધકામ સહીતનાં મકાનોનાં સેકડો અટકેલ દસ્તાવેજોમાં કોઈ ટેકનાલીટી જોયા વિના રૂ. ૫૦૦ કે ૧૦૦૦ વસુલ લઈ આ દસ્તાવેજો મુકત કરવા જોઈએ તેવી માંગણી અને રજૂઆત ભરત ગાજીપરા એ કરેલ છે. સરકાર આ સંદર્ભે નકકર યોજના કરશે તો હાલના બે દશકા જૂના ૯૦% થી વધુ કેસો પૂર્ણ થાય તેમ છે અને સરકારશ્રીને સારી એવી આવક પણ થશે. સરકારશ્રી જે યોજના જાહેર કરે તેની વ્યાપક પ્રસિધ્ધિ અથવા ઈફેકટેડ પક્ષકારોને જાણ કરવી જરૂરી છે.

બે દશકા જુના સ્ટેમ્પ ડયુટીના તુમારમાં કાયદાકીય વિચિત્રતા એ છે કે, જેણે મિલકત વેંચી નાંખી છે તેવા ૮૦% થી વધુ લોકોના કેસ એક તરફી ચાલે છે અને જે હુકમ થાય તે રકમ, જેની  સામે કેસ ચાલેલ છે તેને ભરવાની થતી નથી અને પ્રમાણિકતાથી પુરતી સ્ટેમ્પ ડયુટી ભરેલ મિલકત ધારકનાં ખાતામાં આવી રકમો બાકી લેણાં તરીકે ઉધારવામાં આવે છે. તે ન્યાયી અને વ્યાજબી નથી. તેમજ અનેક કિસ્સા એવા છે કે ત્રણથી પાંચ વખત પૂરતી સ્ટેમ્પ ડયુટી ભરેલી મિલકતોની ફેરબદલ થયેલ છે, તેવા કિસ્સામાં પણ બે દશકા પછી જુના કેસ ચલાવી મૃત વ્યકિતના બાકી લેણાંઓ પણ હાલના મિલકત ધારક ઉપર નાખવામાં આવે છે. સરકાર ચોકકસ યોજના બનાવી આવા કેસોની લોક અદાલત પણ કરી શકે, સરકાર આ તુમારનો નિકાલ લાવી શકે તેમ છે અને જરૂરીયાત છે. આ તુમારમાં નિકાલ થાય તો પ્રત્યેક જિલ્લાનો ૩૨(ક) સ્ટેમ્પ ડયુટીનો સ્ટાફ મુકત થાય તેમ છે અને સરકાર તેનો બીજે ઉપયોગ કરી શકે તેમ છે.

(11:33 am IST)