Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

કચ્છમાં કોરોનાના કેસનો રાફડો ફાટ્યો વધુ ૧૫ કેસ, પણ ચોપડે ૭ કેસ દર્શાવાતા તર્કવિતર્ક- સરકારની સંવેદના જડ બની? પહેલા બે મહિનામાં માંડ ફિફટી થઈ પણ અત્યારે એક અઠવાડિયામાં ફિફટી ફટકારી કોરોના ગંભીર બન્યો પણ તંત્ર નહીં?, આજુબાજુના કેસો ચોપડે ન ચડતાં લોકોમાં તંત્ર પ્રત્યે શંકા, તો મીડીયા ગ્રુપમાં કેસ સંદર્ભે ઉચ્ચ અધિકારીઓનું અજગરી મૌન..

(ભુજ) કોરોનાની મહામારીએ કચ્છમાં લીધેલા અજગરી ભરડા વચ્ચે તંત્રની કામગીરીએ કચ્છના લોકોમાં ચર્ચા સાથે તર્ક વિતર્કો સર્જ્યા છે. ખાસ કરીને પોતાની આસપાસમાં કોરોનાના દર્દીઓ અંગેની માહિતી તંત્રની યાદીમાં ન જોતાં લોકો આશ્ચર્ય સાથે સવાલ પૂછી રહ્યા છે કે શું સંવેદનશીલ સરકારની સંવેદના જડ બની ગઈ છે? જોકે, કચ્છના મીડીયા ગ્રુપમાં પણ કોરોનાના નવા કેસ સંદર્ભે મળતી માહિતી નો સમાવેશ ન જોઈને મીડીયા કર્મીઓ દ્વારા આ અંગે સવાલો પુછાયા બાદ પણ તંત્ર દ્વારા કોઈ ખુલાસો ન કરાતાં સરકારના દાવાઓ સામે કચ્છમાં કોરોનાની કામગીરી અંગે સવાલો થઈ રહ્યા છે. કોરોના અને લોકોની સલામતી કરતા કચ્છમાં અધિકારીઓનો આપસી ટકરાવ, ઈગો અને ઇન્ટરનલ વોર કોરોના ઉપર હાવી થઈ ગયા છે. ગઈકાલે ભુજમાં બે કેસ સંદર્ભે, ભુજની ભાગોળે ભુજોડીમાં આવેલા પાંચ કેસ સંદર્ભે, માધાપરમાં મહિલા દર્દીને પુરુષ દર્શાવવા સંદર્ભે અને ગાંધીધામના મૃતક વૃદ્ધને પહેલી યાદીમાં જીવીત હોય તેમ પોઝિટિવ દર્શાવી બાદમાં તેમના મોતની માહિતી (છ કલાક બાદ) દર્શાવવના મુદ્દે કચ્છમાં તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. ગઈકાલે સતાવાર યાદીમાં તંત્રએ ૭ કેસ સંદર્ભે માહિતી આપી હતી. જેમાં રાપરના બે પુરુષ, ભુજના એક પુરુષ, માધાપરના મહિલા, મુન્દ્રાના સમાઘોઘા ગામના એક મહિલા, નલિયાના એક મહિલા, સાંધીપુરમના એક મહિલાનો સમાવેશ થાય છે. કચ્છના ગઈકાલના સરકારી દફ્તરની વિગત પ્રમાણે કુલ દર્દીઓ ૨૬૩, હોસ્પિટલમાં દાખલ ૮૦, સાજા થયેલા ૧૭૧ અને મૃત્યુ પામનારા ૧૨ છે.

અમરેલી જાફરાબાદના ૫ જણ સહિત ગાંધીધામ, ભુજના ૩ મળીને ૮ પોઝિટિવ દર્દીઓ ચર્ચામાં

કચ્છમાં સરકારી ચોપડે ૭ દર્દીઓ બતાવાયા બાદ લોકોએ મીડીયાને આપેલી માહિતીમાં તંત્ર સામે ગંભીર સવાલો ખડા કરી તેમના વિસ્તારમાં રહેલા અલગ અલગ કોરોનાના દર્દીઓ અંગે જાણકારી અને તે સંદર્ભે તંત્રએ કરેલી કામગીરીની માહિતી આપી હતી. જે અનુસાર ભુજમાં વોકળા ફળિયામાં એક દર્દી, ભુજના ભુજોડી ગામે વર્ધમાનનગરમાં અમરેલી જાફરબાદથી આવેલા પાંચ દર્દી અને ગાંધીધામના બે દર્દી એમ ૮ પોઝિટિવ દર્દીઓની માહિતી આપી હતી. આ સંદર્ભે મીડીયા ગ્રુપમાં પૂછાયેલા પ્રશ્નો સંદર્ભે તંત્રના ઉચ્ચ અધિકારીઓએ જવાબ આપવાનું ટાળ્યું હતું. જોકે, છેલ્લે છેલ્લે ડીડીઓએ ટૂંકમાં એટલી જ સ્પષ્ટતા કરી હતી કે, ખાનગી લેબના રિપોર્ટ હોઈ ગઇકાલની યાદી બાદ આવ્યા હોય હવે ચોપડે ચડશે. મૂળ મુદ્દો અત્યારે કોરોનાનું લોકલ ટ્રાન્સમિશન વધી રહ્યું છે ત્યારે, કોરોનાના કેસ સંદર્ભે લોકો સુધી સમયસર માહિતી પહોંચાડવાનો છે. કચ્છની જ વાત કરીએ તો પહેલા ૫૦ કેસ નોંધાતા બે મહિના થયા હતા જ્યારે અત્યારે છેલ્લા ૭ દિવસમાં જ કોરોનાએ ફિફટી ફટકારી છે. જે દર્શાવે છે કે, કોરોનાની સ્થિતિ ગંભીર છે.

(9:45 am IST)