Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

રાતે ૧૨ વાગ્યે હકાએ અગાસીએ ગીત ગાયું...ના પાડતાં શાંતાબેન પર પથ્થરમારો

માલિયાસણનો બનાવઃ વણકર વૃધ્ધાને હાથમાં ગંભીર ઇજા

રાજકોટ તા. ૧૫: લોકડાઉન વચ્ચે અમુક લોકો નવરા બેઠા ન કરવાનું કરતાં રહે છે અને એ કારણે માથાકુટ થાય છે. કુવાડવાના માલિયાસણમાં રહેતાં એક શખ્સે રાત્રે બારેક વાગ્યે અગાસીએ બેસી મોટા અવાજે ગીત ગાવાનું ચાલુ કરતાં બાજુની અગાસીમાં સુતેલા વૃધ્ધાએ તેને ગીત ગાવાની ના પાડી સમજાવતાં તેણે પોતાના ભાઇ સાથે મળી પથ્થરમારો કરતાં વૃધ્ધાને હાથમાં ગંભીર ઇજા થઇ હતી.

માલિયાસણ રહેતાં શાંતાબેન બાવનજીભાઇ પરમાર (વણકર) (ઉ.વ.૬૦)ને રાત્રીના અગાસી પર સુતા હતાં ત્યારે બાજુના ઘરમાં રહેતો હકો ચાવડા અગાસીએ આવ્યો હતો અને અચાનક મોટે મોટેથી ગીત ગાવા માંડ્યો હતો. આથી શાંતાબેન તથા તેનો પોૈત્ર મનોજ પરમાર જાગી ગયા હતાં અને મનોજે તેને અત્યારે  રાતે બાર વાગ્યા છે, આ રીતે ગીત ન ગવાય...તેમ કહી સમજાવતાં તે ઉશ્કેરાયો હતો અને ઝઘડો કર્યો હતો. બાદમાં હકાએ પોતાના ભાઇ ગીડા સાથે મળી ગાળાગાળી કરી પથ્થરમારો કર્યો હતો અને બોટલોના ઘા કર્યા હતાં. જેમાં શાંતાબેનને હાથમાં ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં ચોકીના સ્ટાફે કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી.

(1:18 pm IST)