Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

વહેલી સવારે ધુપ-છાંવ બાદ ધોમધખતો તાપ

મહતમ તાપમાનનો પારો ૪૧ ડીગ્રી નજીક પહોંચતા આકરા ઉનાળાનો અનુભવ

તસ્વીરમાં ગોંડલમાં છવાયેલા વાદળા  નજરે પડે છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

રાજકોટ, તા., ૧૫: રાજકોટ સહીત સૌરાષ્ટ્ર-કચ્છમાં અસહય ઉકળાટ સાથે આજે સવારે બે કલાક ધુપ-છાંવવાળુ વાતાવરણ છવાયું હતું ત્યાર બાદ ગરમીમાં વધારો નોંધાયો હતો.

રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્ર હાલ બળબળતા તાપનો અનુભવ કરી રહયું છે. સૌરાષ્ટ્રનું સરેરાશ તાપમાન હાલની સ્થિતિએ ૪૧ ડીગ્રી આસપાસ સ્થિર થયું છે. ભરબપોરે કાળો તડકો અને ફુંકાતી લુમાં જીવસૃષ્ટિ અકળાઇ રહી છે. આ બળતામાં ઘી ઉમેરાય  તેમ આગામી તારીખ ૧૮ મી સોમવારથી સૌરાષ્ટ્રના તાપમાનમાં ૩ ડીગ્રી સુધી વધારો થાય તેવી સંભાવના હવામાન વિભાગના અભ્યાસુ સુત્રોએ વ્યકત કરી છે.

હવામાન શાસ્ત્રી જણાવે છે કે છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં તાપમાનનો પારો ૪૧ થી ૪૪ ડીગ્રી વચ્ચે કેન્દ્રીત થયો છે. અમરેલી-સુરેન્દ્રનગરમાં ૪ર, રાજકોટમાં ૪૧ ડીગ્રી આસપાસ તાપમાન રહયું હતું. જયારે ભાવનગરમાં ૪૦ અને અમદાવાદમાં ગરમીનો પારો ૪ર ડીગ્રી રહયો હતો. હજુ બે-ત્રણ દિવસ ગરમીની માત્રા આ પ્રમાણે  જળવાઇ રહેશે. જયારે સોમવારથી તાપ વધવા લાગશે જે ૪૪ ડીગ્રી સુધી પહોંચે તેવી સંભાવના છે. આ દરમિયાન બપોર પછી પવનની ગતીમાં પણ વધારો થશે.

દરમિયાન જુનના મધ્યાન્હથી ભારતમાં ચોમાસાનું આગમન થશે પરંતુ તે પહેલા બંગાળની ખાડીમાં વાવાઝોડુ ઉત્પન્ન થાય તેવી ગતીવિધિ ચાલી રહી છે. આ વાવાઝોડુ ગુજરાતમાં નહી ફુંકાય તેવી સંભાવના પણ વ્યકત કરવામાં આવી છે.

(11:47 am IST)