Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

ઉપલેટામાં કોરોનાની એન્‍ટ્રી : મુંબઇથી આવેલા યુવકને પોઝિટિવ

પરિવારના ૨ સભ્‍યોને નેગેટીવ : પ્રથમ કેસ નોંધાતા તંત્રમાં દોડધામ અને લોકોમાં ભય

ઉપલેટા તા. ૧૫ : ઉપલેટા શહેરમાં કોરોનાનો હાલ એક પણ પોઝિટિવ કેસ ન હતો પરંતુ બે દિવસ પહેલા તારીખ ૧૨ મેના રોજ રાત્રે ૮ વાગ્‍યે મુંબઈથી ઉપલેટા આવેલ અજય રમેશભાઈ દેત્રોજા ઉ.વ. ૩૮ નામના યુવક તથા તેની સાથે આવેલ બે સભ્‍યોને મુંબઈમાં અતિ સંક્રમિત જગ્‍યામાંથી આવેલ હોવાના કારણે તુરંત હોમ કોરોન્‍ટાઈન કરવામાં આવ્‍યા હતા.

અજય રમેશભાઈ દેત્રોજા તથા તેમની સાથે આવેલ પરિવારજનોના રૂટીન ચેકઅપ માટે ગયા ત્‍યારે અજય રમેશભાઈ દેત્રોજાની તબિયત શંકાસ્‍પદ જણાતા ઉપલેટા ઈન્‍ચાર્જ તાલુકા હેલ્‍થ ઓફિસર ડો.હેપ્‍પી પટેલ દ્વારા તુરંત આ શંકાસ્‍પદ જણાતા વ્‍યક્‍તિ તેમજ તેમની સાથે આવેલ પરિવારજનોને ધોરાજી ખાતે શરૂ કરવામાં આવેલ કોરોના ટેસ્‍ટ વિભાગ ખાતે લઈ જવાયેલ હતા. જેમા શંકાસ્‍પદ દર્દી અજય રમેશભાઈ દેત્રોજાનો રિપોર્ટ પોઝિટિવ આવતા રાજકોટ હેલ્‍થ વિભાગ દ્વારા ઉપલેટામાં પોઝિટિવ કેસ આવેલ અંગેની જાણ તંત્રને કરાતા રાતોરાત તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. મોડી રાત્રે રીપોર્ટ આવતા રાજકોટ થી સી.ડી.એચ.ઓ. ડો. મિતેષ ભંડેરી, ધોરાજી ડેપ્‍યુટી કલેકટર ગૌતમ મીયાણી, જેતપુર એ.એસ.પી. સાગર બાગમાર, ઉપલેટા મામલતદાર જી.એમ. મહાવદિયા, ઉપલેટા ઈન્‍ચાર્જ પી.આઈ. વી.એમ. લગારીયા, ઈન્‍ચાર્જ તાલુકા હેલ્‍થ ઓફિસર ડો.હેપ્‍પી પટેલ તેમજ ઉપલેટાનો મેડિકલ સ્‍ટાફ રાતોરાત દોડી આવ્‍યા હતા. રાજકોટથી આવેલ ઓફિસર દ્વારા આ પોઝિટિવ આવેલ વ્‍યક્‍તિને તુરંત રાજકોટ સિવિલ હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવ્‍યો હતો. પોઝિટિવ દર્દીઓની સાથે આવેલ બે વ્‍યક્‍તિઓ તેમજ તેમના પરિવારના અન્‍ય પાંચ વ્‍યક્‍તિઓ એમ કુલ આઠ વ્‍યક્‍તિઓને રાજકોટ સિવિલ હોસ્‍પિટલ ખાતે રાતોરાત ખસેડવામાં આવ્‍યા હતા.

 વધુમાં સુત્રોમાંથી મળતી માહિતી મુજબ અજયભાઈ રમેશભાઈ દેત્રોજા મુળ સોળવદર તાલુકો જામ કંડોરણાના વતની હોય અને છેલ્લા ૧૫ વર્ષથી સાન્‍તાક્રુઝ મુંબઈ ખાતે પોતાના પરિવાર સાથે રહે છે.ઉપલેટા ખાતે રહેતા પોતાના મામા મનસુખભાઈ ગોરધનભાઈ ગોધાસરાના ઘરે આવેલ હતા. તેમના મામા ઉપલેટાના કોલકી રોડ પર આવેલ મનદીપ ઓઇલ મીલની સામે શાંતિવન પાર્ક ઝાલાવાડીયા પરિવારના સુરાપુરાના મંદિર સામે બ્‍લોક નંબર ૬ માં રહેતા પોતાના મામા મનસુખભાઈ ગોરધનભાઈ ગોધાસરા ને ત્‍યાં આવેલ જેમાં તેમની સાથે ચાંદનીબેન અજયભાઈ દેત્રોજા પત્‍ની, ચિરાગભાઈ તેમના મામાના દીકરા એમ કુલ ત્રણ લોકો મુંબઈ થી ઉપલેટા આવ્‍યા હતા. સહિતના કુલ ૮ લોકોને રાજકોટ સિવિલ હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવ્‍યા હતા.

અજય દેત્રોજાનો રીપોર્ટ પોઝીટીવ આવેલ અને તેમના પત્‍ની ચાંદની તથા ફઇનો દિકરો ચિરાગ ગોધાસરાનો રીપોર્ટ નેગેટીવ આવેલ છે. આ બાબતે હેલ્‍થ ડીપાર્ટમેન્‍ટે કોરોનાગ્રસ્‍ત અજય દેત્રોજાને રાજકોટ સારવાર માટે મોકલી આપેલ છે.

ઉપરોક્‍ત બાબતે નગરપાલિકાના પ્રમુખ દાનભાઇ ચંદ્રવાડીયાએ લોકોને વધુમાં વધુ ઘરમાં જ રહેવા કામ વગર બહાર ન જવા વારંવાર હાથ ધોવા અને સ્‍વચ્‍છતા જાળવવાની તથા સોશ્‍યલ ડીસ્‍ટન્‍સ પણ જાળવવાની અપીલ કરેલ છે.

(11:10 am IST)