Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

હવે મુન્દ્રામાં શ્રમિકો રસ્તા ઉપર : કચ્છમાંથી સેંકડો પરપ્રાંતીયો ઘર તરફ

પોલીસે માંડ માંડ મનાવ્યા : ઉદ્યોગોની કામગીરીને અસર : સાંધીપુરમ, ભીમાસર, ગાંધીધામ, અંજાર અને હવે મુન્દ્રામાં શ્રમિકોની વતન જવા જીદ

ભુજ તા. ૧૫ :  કચ્છમાં કામ કરતા હજારો પરપ્રાંતીય શ્રમિકો હવે ઘેર જવાની ફિરાકમાં છે. તંત્ર એમને સમજાવવામાં નિષ્ફળ રહ્યું છે.

કચ્છમાં અબડાસાના સાંધીપુરમથી શરૂ થયેલો શ્રમિકોનો રોષ ભીમાસર, ગાંધીધામ, અંજાર અને હવે મુન્દ્રા પહોંચ્યો છે, વતન જવા માટે હવે મુન્દ્રામાં શ્રમિકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. જોકે, પોલીસે તેમને જેમતેમ સમજાવ્યા હતા. દરમ્યાન કચ્છમાં અત્યાર સુધીમાં ભુજ, ગાંધીધામ અને હવે અંજાર એમ ત્રણ સ્થળેથી લગભગ ૬ જેટલી શ્રમિક ટ્રેન ઉપડી ચુકી છે. તો, ભીમાસર (અંજાર), રાપર અને અન્ય સ્થળોથી અંદાજીત ૧૫ જેટલી બસો પણ ઉપડી ચુકી છે.

આમ કચ્છ જિલ્લાના વિવિધ તાલુકાઓ માંથી ટ્રેન અને બસ દ્વારા સેંકડો પરપ્રાંતીય શ્રમિકો પોતાને વતન પહોંચ્યા છે. જોકે, તેની સીધી અસર ઉદ્યોગો ઉપર પડી છે. પોતાના અન્ય સાથીદારો વતનમાં જતાં અહીં રોકાઈ ગયેલા અનેક શ્રમિકો પણ વતન જવાની અવઢવમાં અટવાયા છે. જો, તેઓ પણ નીકળી જશે તો કચ્છમાં શ્રમિકોની મોટી ખોટ વરતાશે.

(10:38 am IST)