Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

કચ્છમાં વિવિધ સેવાકીય પ્રવૃતિઓથી કરૂણાની જ્યોતઃ કોરોના સંકટમાં ૭૦૫૧ પરિવારોને દાતાઓ તરફથી રાશનકીટ અર્પણ

ભુજ,તા.૧૫: કચ્છના ભુજ વિસ્તારમાં બપોરે ૧૨ થી ૩ વચ્ચે સાત વાહનો દ્વારા વિવિધ વિસ્તારમાં ફરી દૈનિક ૨૬૦૦ જેટલા લોકોને ઘેર બેઠાં ભોજન પહોંચાડી રહયા છે. કુલ ૩૫ ગામની બહેનો, દાતા, મંડળો વગેરેની મદદથી કોરોના કહેર વચ્ચે કચ્છમાં જયોતથી જયોત પ્રગટી સેવાની પ્રવૃતિ ધમધમી રહી છે માનવ જયોત સંસ્થા!!

ભુજ નજીક પાલારા મધ્યે આવેલા શ્રી રામદેવ સેવાશ્રમ માનસિક દિવ્યાંગો માટે આશરાધામ છે જેને માનવજયોત સંસ્થાએ ઉભુ કર્યુ છે. વિવિધ સેવાકીય પ્રવૃતિ સાથે સંકળાયેલી માનવજયોત સંસ્થાએ કોરોના ફાઈટર તરીકે પણ પોતાની પ્રવૃતિઓ આરંભ કરી છે.

લોકડાઉનમાં માનવજયોત સંસ્થાએ સામાજિક અંતર જાળવી રાજય સરકારની કોરોના કોવીડ ગાઈડલાઇન મુજબ મળતા ભોજનને ઘેર બેઠા પહોંચાડવાનું બીડું ઝડપ્યું છે. જે પૈકી ગઇકાલ સુધી કુલ (૧ લાખ ૯ હજાર ૨૨૬) ૧૦૯૨૨૨૬ લોકોને ભોજન આપવામાં આવ્યું છે.

પરપ્રાંતિયો, શ્રમિકો, જરૂરતમંદો વગેરેને ઘેર બેઠા ભોજન પહોંચાડવાની પ્રવૃતિમાં કુલ ૩૫ ગામો, સંસ્થા મંડળ સંકળાયેલા છે. માનવ જયોત દ્વારા દૈનિક પાંચ ગામોને કહેવામાં આવે છે કે, આજની રસોઇ તમારા નામેથી લેવાશે જેમાં ઘરઘરારુ મહિલાઓ પણ દસથી પંદર રોટલી કે અન્ય ભોજન પણ આપતી હોય છે. નાની સંસ્થા કે મંડળ અને દાતાઓ પણ એમાં સહયોગ કરે છે. સંસ્થામાં કુલ ૨૧ જણાં એવાં છે જે રસોઇકામ સાથે સંકળાયેલા છે. લોકડાઉનના પગલે રોજ સાત જણાની સેવા લેવામાં આવે છે.

દાતાઓના સહયોગથી માનવ જયોતે ૭૦૫૧ પરિવારોને દસ વસ્તુવાળી રાશનકીટ ઘેર પહોંચાડી છે. માનવજયોત પેટ્રોલ અને ડ્રાઇવરોને પગાર ચૂકવે છે. જયારે અન્ય સંસ્થા દાતા અને મંડળોના સહયોગથી લોકોની સેવા કરી રહયા છે.

જે પૈકી કચ્છ જિલ્લા પંચાયત આયુર્વેદ શાખાના માર્ગદર્શન હેઠળ ભુજની હોસ્પિટલો બહાર અને જુદા જુદા ૪૦ વિસ્તારોમાં જઇ ૨૦૬૭૮ લોકોને રોગપ્રતિકારક ગરમ ઉકાળો તૈયાર કરી પીવડાવ્યો છે.

જનતા કરફયુના દિવસે ૩૦૦ જેટલાને બપોરે ફૂડ પેકેટસનું વિતરણ કર્યુ હતું. ત્યારથી આજદિન સુધી દૈનિક ૨૬૦૦ જેટલા પરિવારોમાં ભોજન પહોંચી રહયું છે. ૭૦ વર્ષની વય વટાવેલા એકલા રહેતા ૭૮ વયોવૃધ્ધને પણ ઘેર બેઠાં ભોજન અપાય છે. જુદી જુદી હોસ્પિટલોમાં સગાવ્હાલા માટે સવાર સાંજ ભોજન પહોંચાડવામાં આવે છે. લોકડાઉનમાં રસ્તે રજળતા કે અટવાયેલા ૪૭ માનસિક દિવ્યાંગોને શ્રીરામદેવ સેવાશ્રમ પાલારા ખાતે રાખવામાં આવ્યા છે. માનવ જયોતની સીટી એમ્બ્યુલન્સ બસ દર્દીઓને ઘરેથી હોસ્પિટલ અને હોસ્પિટલથી ઘરે પહોંચાડવાની કામગીરી પણ કરી રહી છે. જુદા જુદા દાતાઓના સહયોગથી ભુજ વિસ્તારના ઝુપડાંઓ અને ભૂંગાઓમાં રાશનકીટ પહોંચાડવામાં આવે છે. ૯ હજારથી વધુ વિનામૂલ્યે માસ્ક વિતરણ કર્યુ છે તેમજ શાકભાજીનું પણ નિઃશુલ્ક વિતરણ કર્યુ છે. લોકડાઉનમાં ફસાયેલ ૩ યુવતિઓને ૧૮૧ અભયમ હેલ્પલાઇનની મદદ અપાવી હતી. કોરોના સંકટ વચ્ચે ૯ બિનવારસી લાશોને અગ્નિસંસ્કારવિધિ પણ માનવજયોત સંસ્થાએ કરી છે.

જરૂરતમંદ લોકોને પરપ્રાંતિય, શ્રમિકો, સ્થાનિકોને કપડાં તેમજ મહિલાઓને પણ સાડી વિતરણ કરાઇ હતી. પશુપક્ષીઓ માટે ચણને ઘાસચારો નીરવામાં આવે છે. તેમજ ઉનાળામાં હાલ ઠેર ઠેર ચાડી (કુંડા) મૂકી રહયા છે. જેમાં લોકો એંઠવાડ કે પાણી ભરી અબોલ જીવોની તરસ અને ભુખ મટાડી રહયા છે.

વિવિધ મંડળો, દાતાઓ, સેવાભાવીઓ, કચ્છ વહીવટી તંત્ર, પોલીસ તંત્ર અને જિલ્લા કાનૂની સેવા સત્ત્।ામંડળની મદદ લઇ હાલ માનવજયોત કચ્છમાં કોરોના વોરયર્સ બની પોતાની સેવાની સુવાસ ફેલાવી રહી છે. ઉનાળામાં તેઓ શ્રમિકોને બરફ-જીરા નમકવળી છાશ અપાય છે. તેમજ ગરીબ અને જરૂરતમંદોને પગરખાં પણ અપાય છે. જરૂરતમંદ દર્દીઓને ફાર્માસીસ્ટની મદદથી વિનામૂલ્યે દવા પણ પુરી પાડવામાં આવે છે. જેમણે સતત બે માસથી રાત દિવસ જોયા વગર કોરોના વચ્ચે કામગીરી કરી છે એવા ડ્રાઇવરો રાજુ જોગી, ઈરફાન લાખા, નરેશ તાજપરિયા, નરશીં જોગી, રસીક જોગી, ઈર્શાદ મોતા, વસુભા સોઢા, સલીમ લોટા, મુસ્તાક ખલીફા, સકીલ બાવા, શંભુભાઇ જોશી, કનૈયાલાલ અબોટી, આનંદ રાયસોની, રફીક બાવા, પ્રવીણ ભદ્રા, ગુલાબ મોતા વગેરે.

આ સિવાય સંસ્થાના અન્ય ૨૧ વ્યકિતઓ વહીવટી અને મદદગારીમાં જોડાયેલ છે.

૧૯૮૦માં માનવજયોત સંસ્થાના મંત્રી સુરેશભાઇ માહેશ્વરીના માતૃશ્રીએ ભુજના દરબારગઢ ચોકથી એકલા, અટુલા, નિરાધાર અને દિવ્યાંગોને સ્વહસ્તે ભોજન કરાવવાનું ચાલુ કર્યુ હતું. માનવતાનો એ ફણગો આજે વિશાળ સેવાવૃક્ષ બની પોતાની જયોત પ્રસરાવી રહયું છે. હાલ ભુજ માનવજયોત સંસ્થાના પ્રમુખના માર્ગદર્શન હેઠળ વિવિધ દાતાઓ અને સંસ્થા દ્વારા માનવસેવા અને જીવદયાની ૪૬ પ્રવૃતિઓ ચાલે છે.

(10:13 am IST)