Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

કિરીટ જોષીની હત્યા કરનાર બંને શખ્સોને જામનગર લવાશે

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પાસેથી જામનગર પોલીસ કબ્જો લેશે

જામનગર તા. ૧૫ : જામનગરના જાણીતા એડવોકેટ કિરીટ જોષીની હત્યા કરનાર બંને શખ્સોનો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પાસેથી કબ્જો લેવા જામનગર પોલીસ રવાના થઇ છે. જામનગર લાવીને જામનગર પોલીસ દ્વારા આ હત્યા પ્રકરણમાં આરોપીઓને સાથે રાખીને તપાસનો ધમધમાટ શરૂ કરાશે.

અહીં નવાગામ ઘેડ માસ્તર સોસાયટી શેરાવાળાની વાડી સામે રહેતા અને વકીલાત કરતા અશોક હરીશંકરભાઈ જોષી ઉ.વ. ૪૦ એ સીટી બી ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી કે, તા. ર૮ ના રોજ રાત્રીના નવ કલાકે ટાઉન હોલ પાસે આવેલ જયોત ટાવરની સામે રોડ પર આ કામેના આરોપી જયેશ મુળજીભાઈ રાણપરીયાના જમીન કૌભાંડના કેસોમાં ફરીયાદી પક્ષે વકીલ તરીકે આ કામેના ફરીયાદીના ભાઈ કિરીટભાઈ જોષી રોકાયેલ જેમાં આરોપી જયેશ મુળજીભાઈ રાણપરિયાને જામનગર સેસન્સ કોર્ટ, હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટમાં આગોતરા જામીન તથા રેગ્યુલર જામીન મેળવવામાં નિષ્ફળ ગયેલ અને લાંબો સમય જેલમાં રહેવું પડેલ હતું.

તેને મોટુ આર્થિક નુકશાન થયેલ જેનો રાગદ્વેષ રાખી આરોપીઓએ પૂર્વઆયોજીત કાવત્રુ રચી જયેશ પટેલના કહેવાથી બે ઈસમોએ ફરીયાદીના ભાઈ કિરીટભાઈ જોષી ઉ.વ. ૪૬ ને શરીરે આડેધડ છરી વડે છાતીના ભાગે, પેટના ભાગે, પડખાના ભાગે ઘા મારી મોત નિપજાવી મોટર સાયકલ ઉપર નાશી જઈ ગુન્હો કર્યાની ફરીયાદના આધારે પોલીસ છેલ્લા ૧૬ દિવસથી આ કેસની છણાવટ કરતી હતી. આ હત્યા કાંડ બાદ શહેરના બ્રહમસમાજ, વકીલ મંડળ વગેરે સંસ્થાઓએ વિવિધ કાર્યક્રમો યોજી હત્યારાઓને કડકમાં કડક સજા આપવા પોલીસ તંત્ર અને કલેકટરને આવેદનો પાઠવવામાં આવ્યા હતા અને ઝડપી કાર્યવાહી કરવા માટે દબાણ કરવામાં આવેલ હતું.

ગઈકાલે સવારે પોલીસને આખરે સફળતા સાંપડી હતી અને અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમે બે આરોપીઓની મુંબઈથી ધરપકડ કરી હતી અમદાવાદ ખાતે ક્રાઈમ બ્રાંચના જેસીપી જે.કે.ભટ્ટના જણાવ્યા મુજબ જામનગર પોલીસની મદદથી બે આરોપી સાયમન લુઈસ દેવીનંદન અને અજય મોહન મહેતાની મુંબઈથી ધરપકડ કરી હતી તે સિવાય બે શંકાસ્પદ શખ્સોને પણ પુછપરછ માટે તાબામાં લેવામાં આવ્યા છે. સાયમન મુંબઈના વસઈ સ્થિત સનાઈન એપાર્ટમેન્ટનો રહેવાસી છે જયારે અજય અંધેરી (પશ્ચિમ)નો રહેવાસી છે.

વધુમાં શ્રી ભટ્ટે જણાવ્યું હતું કે, જામનગરના બિલ્ડર જયેશ પટેલ ઉર્ફે રાણપરીયાએ એડવોકેટ કિરીટ જોષીની હત્યા માટે આરોપીઓને પ૦ લાખની સોપારી આપી હતી જેમાં આરોપીઓને એડવાન્સ પેટે રૂ. ૮૦ હજાર ચૂકવવામાં આવ્યા હતા. જયારે બાકીની રકમ કામ પુરૂ થયા બાદ આપવાનું નકકી થયું હતું. જો કે હત્યાના દસ દિવસ પહેલા જ એટલે કે ર૦ એપ્રિલના રોજ જયેશ રાણપરીયા દુબઈ ભાગી ગયો હતો.

આ કેસમાં તપાસ જામનગરના એસ.પી. પ્રદિપ સેજુલ ચલાવી રહયાં હતાં તે તપાસ ગૃહવિભાગે અમદાવાદ ક્રાઈમ બ્રાંચને સોંપેલ હતી પરંતુ તે જ દિવસે ફરી તે તપાસ જામનગર એસ.પી.ને સોંપી દેતા અમદાવાદ ક્રાઈમ બ્રાંચ અને જામનગર એસ.પી.ની ટીમ સતત ૧૬ દિવસથી રાતદિવસ એક કરી આ ભેદ સુલજાવવા પ્રયત્ન કરેલ હતો અને અંતે ગઈકાલે સફળતા મળેલ હતી. ગઈકાલે પ્રેસ કોન્ફોરન્સમાં પણ તેની ઉપસ્થિતિ હતી. આમ જામનગરની સ્વ. કિરીટ જોષીની મર્ડર મિસ્ટ્રી અંતે ઉકેલ આવ્યો અને આજ રોજ જામનગરથી આરોપીઓનો કબ્જો સંભાળવા ટીમ રવાના થઈ હોવાનું જામનગર એલ.સી.બી.એ જણાવ્યું હતું. આ અંગે જામનગર એસ.પી. પ્રદિપ સેજુલને તેમના મોબાઈલ નંબર ૯૯૭૮૪ ૦પ૬૩૯ ઉપર સંપર્ક સાધતા તેનો ફોન નો રીપ્લાય મળ્યો હતો.

(11:51 am IST)