Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

જામનગરમાં જી. જી. હોસ્પિટલ સામેની ખાણી પીણી અને ચા-પાનની દુકાનોમાં ટોળા ભેગા થતા તમામ ૩૮ દુકાનોને સીલ કરતું પોલીસ તંત્ર

જામનગર : જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે મહાનગરમાં વધતા જતા કોરોના સંક્રમણને પગલે તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે જી. જી હોસ્પિટલ સામે આવેલી 38 ખાણીપીણી તેમજ પાનના ગલ્લા સહિતની દુકાનોમાં સોશિયલ ડિસ્ટન્સ અને કોરોના જાહેરનામાનું પાલન ન થવાને કારણે તે તમામ દુકાનોને સીલ કરવામાં આવી છે.

આ તકે પોલીસ વિભાગ અને વહીવટી તંત્ર તેમજ મનપાના અધિકારીઓ દ્વારા સયુંકત કાર્યવાહી હાથ ધરી તમામ દુકાનો સીલ કરવામાં આવી હતી. જે આગામી 30 એપ્રિલ સુધી તમામ દુકાનોને બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે, મેડિકલ સ્ટોર્સ અને ઝેરોક્ષની દુકાનો ખુલ્લી રાખી શકાશે.

જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. જેના પગલે જામનગર મહાનગરપાલિકા દ્વારા દુકાનો સીલ કરવાની આકરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

(6:03 pm IST)