Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

સાળંગપુરમાં પૂ. મહંત સ્વામીની અધ્યક્ષતામાં ફુલડોલ ઉત્સવ ઉજવાશે

ભાવનગર તા. ૧૫ : આગામી ૨૧ માર્ચના રોજ તીર્થભૂમિ સારંગપુરમાં આ વર્ષે પણ ફૂલદોલ ઉત્સવ ભવ્યતાપૂર્વક ઉજવાશે. આ પ્રસંગે દેશ-પરદેશથી હજારો ભકતો ફૂલોકી હોલીથી રંગાવા માટે પધારશે, એવી ધારણા છે.

તીર્થભૂમિ સારંગપુરમાં ભગવાન સ્વામિનારાયણના સમયથી આ ઉત્સવ ખૂબ જ ભવ્યતા અને દિવ્યતા સાથે ઉજવાતો આવ્યો છે. તેમણે અનેક વાર ફૂલદોલ ઉત્સવ કરી સારંગપુર ગામને તીર્થત્વ આપ્યું છે. તે સમયે પણ ગામોગામથી હરિભકતો આ ઉત્સવમાં લાભ લેવા પધારતા. શ્રીહરિ પોતે સંતો-ભકતો સાથે રંગે રમીને બધાને અલૌકિક સુખ આપતા.

આ જ પ્રાસાદિક ભૂમિમાં આજે પણ ભગવાન સ્વામિનારાયણીય એ ઉત્સવ પરંપરાને તેમના જ આધ્યાત્મિક અનુગામી મહંતસ્વામી મહારાજે જીવંત રાખી છે. હરિભકતોને પણ આ અવસરે રંગાવાનો અનેરો ઉત્સાહ હોય છે. એટલા માટે વિશ્વના દરેક ખંડથી હરિભકતો સારંગપુરમાં ઉત્સવનો લાભ લેવા પધારે છે. સાથે સાથે ભારતના અનેક પ્રદેશોથી પણ ભકતસમુદાય અહીં પધારે છે. તેમાંથી કેટલાક પદયાત્રા, સાયકલ યાત્રા કે બાઈક યાત્રા કરીને આ ઉત્સવમાં સામેલ થાય છે. બાળકો અને યુવાનો પણ ખૂબ જ મોટી સંખ્યામાં પધારે છે. આ ઉત્સવ તેઓના જીવનનું એક અમૂલ્ય નજરાણું બની રહે છે.

પ.પૂ.મહંતસ્વામી મહારાજની આજ્ઞાથી પરંપરાગત રીતે પાણીથી ઉજવાતો આ ઉત્સવ આ વખતે ફુલો-દ્વારા ઉજવવામાં આવશે. સ્વામીશ્રી ફુલોકી હોલી દ્વારા ભકતોને દિવ્ય સુખની લ્હાણી કરાવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે બોટાદ અને ધંધુકા ક્ષેત્રમાંથી છેલ્લા એક મહિનાથી સ્વયંસેવકો અને સ્વયંસેવિકાઓ રોજ પોતાની સેવા આપી રહ્યા છે. વળી સંતો ભકતો તપવ્રત કરતાં કરતાં આ સેવાઓ કરી રહ્યા છે.

આટલી મોટી સંખ્યામાં આવનાર હરિભકતોની વ્યવસ્થા પૂરી પાડવા અત્યારે સારંગપુરમાં મોટા પાયે તૈયારીઓ ચાલી રહી છે. વ્યવસ્થાને સુચારુ બનાવવા માટે ૩૦ જેટલા સેવા વિભાગોની રચના કરવામાં આવી છે. વિવિધ ક્ષેત્રોના નિષ્ણાત અને અનુભવી સેવકો આ વિભાગોમાં સેવા આપી રહ્યા છે. ૧૦ લાખ ચોરસફૂટના વિશાળ મેદાનને સ્વચ્છ અને સમતળ કરી સભામંડપ તરીકે ઉપયોગમાં લેવાયું છે. ટ્રાફિકના પ્રશ્નને પહોંચી વળવા સુંદર પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. સારંગપુર ગામની બન્ને દિશાઓમાં વિશાળ પાર્કિંગ પ્લોટની રચના કરવામાં આવી છે.

આટલી મોટી સંખ્યામાં જયારે ભાવિકો સારંગપુરમાં પધારી રહ્યા છે ત્યારે ભકતોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી તબીબી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. અહીં મેડિકલ વિભાગના નિષ્ણાત તબીબો અને મેડિકલ વાન પણ ચોવિસ કલાક સેવામાં રહેશે. તે સિવાય સભાવ્યવસ્થા, પાકશાળા, પૂછપરછ વગેરે વિભાગોના સંતો-સ્વયંસેવકો ઉત્સાહપૂર્વક રાત-દિવસ ખડે પગે રહી સેવા કરી રહ્યા છે. પુરુષોની સાથે મહિલા હરિભકતો પણ અનેરા ઉત્સાહ સાથે શ્રમ અને સેવાયજ્ઞમાં જોડાયાં છે. સમગ્ર મંદિર પરિસરમાં ઉત્સાહ, આનંદ અને ભકિતભાવનાં તરંગો ઝિલાઈ રહ્યાં છે. સર્વત્ર ઉત્સવનો માહોલ જામ્યો છે. પ.પૂ.મહંતસ્વામી મહારાજ રોજ સવારે ૫ૅં૩૦ વાગ્યે પ્રાતઃપૂજા દર્શનનો લાભ આપશે.

પ્રમુખસ્વામી મહારાજ વિદ્યામંદિરની બાજુના વિશાળ મેદાનમાં આ ઉત્સવની મુખ્ય સભા થશે. ઉત્સવસભા તા. ૨૧મીએ સાંજે ૪ વાગે શરૂ થશે. ત્યાં સદ્ગુરૂ સંતોના પ્રેરક પ્રવચનો,ગુરૂહરિના આશીર્વચન અને પુષ્પદોલોત્સવનો લાભ પ્રાપ્ત થશે.

(11:53 am IST)
  • ઓલ ઇન્ડિયા બાર એક્ઝામીનેશન XIII ( AIBE XIII )નું પરિણામ થયું જાહેર : પરિક્ષાર્થીઓ પોતાના પેપરની પુનઃ ચકાસણી માટે 15 થી 31 માર્ચ સુધીમાં રૂ. 200 ભરીને અરજી કરી શકશે : પરિણામ http://aibe13.allindiabarexamination.com/result.aspx વેબસાઈટ પર જોઈ શકાય છે access_time 9:50 pm IST

  • ગીતા પટેલને ધાંગ્રધા બેઠક ઉપરથી લડાવોઃ હાર્દિકની કોંગ્રેસ સમક્ષ માંગ : ગીતા પટેલ છે હાર્દિકના સાથી : હાર્દિક પટેલે ગીતા પટેલ માટે કરી ટીકીટની માંગણીઃ ગીતા પટેલ માટે ધાંગ્રધા બેઠક પરથી ટિકીટની માગ access_time 3:57 pm IST

  • સુપ્રિમ કોર્ટનો ચુકાદો શ્રીસંત પર BCCIનો પ્રતિબંધ રહેશે યથાવતઃ ક્રિકેટર શ્રીસંતની અરજી મુદ્દે સુપ્રિમનો ચુકાદો : શ્રીસંતને ક્રિકેટ રમવા પરનો આજીવન પ્રતિબંધ સુપ્રિમે હટાવ્યો : બીસીસીઆઈને શ્રીસંતનો પક્ષ સાંભળવા સુપ્રિમનો આદેશઃ શ્રીસંત પર બીસીસીઆઈનો પ્રતિબંધ રહેશે યથાવત access_time 11:28 am IST