Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

સાયલાના માનસરોવરમાં ભેદી સંજોગોમાં એક ડઝન કુંજપક્ષીઓના મોત: અરેરાટી :પાંચની હાલત ગંભીર

કુંજપક્ષીઓ અચાનક તળાવમાં પડતા દેખાયા :તંત્રમાં દોડધામ : ખોરાકી ઝેરની અસરથી આફરાને લીધે મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

સાયલાના ઐતિહાસિક માનસરોવરમાં આજે બપોરે ભેદી સંજોગોમાં એકાદ ડઝન કુંજપક્ષીઓના મોત થતા અરેરાટી ફેલાઈ છે પાંચની હાલત ગંભીર હોવાનું જણાવાઈ રહયું છે અચાનક કુંજ પક્ષીઓ ટપોટપ પડી રહ્યાની જાણ થતા જીવદયા પ્રેમીઓ,ફોરેસ્ટ અધિકારીઓ,પશુ ડોક્ટરો સહિતના દોડી ગયા હતા કુંજ પક્ષીઓના અચાનક મોતથી તંત્રમાં દોડધામ મચી જવા પામી છે

  આ અંગે જાણવા મળતી વિગત મુજબ માનસરોવરમાં પશુ ચરાવતા એક માલધારીને કુંજ પક્ષીઓ તળાવમાં પડતા દેખાતા તેણે તુરંત લોકોને જાણ કરી જીવદયા પ્રેમીઓઓનો સંપર્ક કર્યો હતો. જીવદયા પ્રેમીઓએ ફોરેસ્ટ વિભાગને જાણ કરતાં તંત્ર દ્વારા એક પશુ ડોક્ટર સહિતની ટીમ મોકલી ઘાયલ કુંજ પક્ષીઓને બચાવવાનું શરુ કર્યું હતું. જેમાં હાજર પશુ ડોક્ટર દ્વારા તુરંત ગંભીર અવસ્થામાં રહેલા કુંજ પક્ષીઓને મેલોક્ઝીકેમના ટીપા તથા ડેકઝોનના વેકસીન આપવામાં આવી હતી.

   આ બાબતની જાણ થતાં સુરેન્દ્રનગર સબ ડી.એફ.ઓ. વી.એમ. દેસાઈ, સાયલા આર.એફ.ઓ. એસ.કે. અસવાર, નોર્મલ રેન્જના આર.સી. કટારા સહિતના વન વિભાગના અધિકારીઓએ દોડી આવી આખા તળાવનું સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં બાર જેટલા કુંજ પક્ષીઓને ખાસ સારવાર આપી લીંબડી નર્સરી ખાતે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સાયલા પશુ દવાખાનાના ડો. રાહુલ સામતીયા, મહાજન પાંજરાપોળના એલ.આઈ. મેહુલભાઈ સહિતનાઓએ જીવીત કુંજ પક્ષીઓને તુરંત પ્રાથમિક સારવાર આપતા પાંચ જેટલા કુંજ પક્ષીઓને તુરંત પ્રાથમિક સારવાર આપતાં પાંચ જેટલા કુંજપક્ષી બચી જવા પામ્યા હતા પરંતુ તેમની હાલત પણ હાલ ગંભીર જ છે. ફોરેસ્ટ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ખોરાકી ઝેરની અસરથી આવું બનવા પામ્યુ હોઈ શકે તેવું જણાવ્યું હતું.

અચાનક આટલી મોટી સંખ્યામાં કુંજ પક્ષીના મૃત્યુ તથા ઝેરી અસર થવાથી વનવિભાગમાં દોડધામ મચી જવા પામી હતી. સાયલા માનસરોવરમાં દર વર્ષે શિયાળામાં સેંકડો વિદેશી પક્ષીઓ આવે છે જેમાં આ વર્ષે સાઇબેરીયન પક્ષી કુંજ (કોમનફેન) આ વર્ષે એક હજારથી વધુની સંખ્યામાં આવેલી છે અને માનસરોવરમાં હાલ વસવાટ કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ કુંજ પક્ષી ખોરાકની શોધ માટે મોટી સંખ્યામાં જ વિહરતી હોવાથી આ આંકડો વધવાની પુરી શક્યતા છે.

આ બાબતે સાયલા રેન્જ ફોરેસ્ટ ઓફિસર એલ.કે.અસવાર સાથે વાત કરતા તેમણે જણાવેલ કે ઘઉંના દાણા ખાઈ તુરંત પાણી પીતીથી કુંજ પક્ષીનું પેટ ફુલાઈ જતા ખોરાકી ઝેરની અસરથી આફરાને લીધે મૃત્યુ થયાનું અમારું પ્રાથમિક અનુમાન છે.

કુંજપક્ષીઓના મૃત્યુ બાબતે સબ ડી.એફ.ઓ. સુરેન્દ્રનગર વી.એમ. દેસાઈએ જણાવ્યું હતું કે આ બાબતની ગંભીરતાથી તપાસ કરી મૃતક પક્ષીઓનું પી.એમ. કરી સુરેન્દ્રનગર એ.ડી. આઈ.ઓ સેન્ટર ખાતે લેબોરેટરી કરવામાં આવશે. તેમજ જીવીત પક્ષીઓને પૂરતી સારવાર માટે હાલ લીંબડી નર્સરીમાં અને જરૃર પડયે બજાણા ફોરેસ્ટમાં મોકલવામાં આવશે. તેમજ મને અમારા ડીએફઓ પી.પુરુષોત્તમાં તરફથી માનસરોવરના પાણીની પણ લેબોરેટરી જાંચ કરવાની સૂચના આપવામાં આવી છે.

સાયલા માનસરોવરમાં અચાનક બાર જેટલા કુંજ પક્ષીઓના કરુણ મૃત્યુ થતા જીવદયા પ્રેમીઓમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. તંત્રની થોડી સર્તકતાથી પાંચ કુંજ બચી જવા પામ્યા છે પરંતુ કુંજ પક્ષીઓના એડી સાથેના ભેદી સંજોગોમાં મોત સેના કારણે થયા ઝેરી પદાર્થ ખાવાથી, ખોરાકી ઝેરની અસરથી કે પાણીમાં ભળેલા કોઈ ઝેરી તત્ત્વથી તેનો જવાબ હાલ મળી શક્યો ન હતો. હજુ પણ વધુ મોટી સંખ્યામાં કુંજ પક્ષીઓ કદાચ આવી પરિસ્થિતિનો ભોગ બન્યા હોઈ તે માટે વનવિભાગ દ્વારા ઠેર ઠેર શોધખોળ કરવામાં આવી રહી છે

(8:48 pm IST)