Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

ધૂળની ડમરીએ રમેશ ઠાકોરનો લીધો 'ભોગ': મિત્ર કેતન દેવીપુજક ગંભીર

ધ્રાંગધ્રાના રાજગઢના પાટીયા પાસે ચાલકને રસ્તો નહિ દેખાતા મોટર સાયકલ સ્લીપ

વઢવાણ, તા., ૧૫: ધ્રાંગધ્રા પંથકના રાજગઢના પાટીયા પાસે ભારે પવનને કારણે ઉડેલી ધૂળની ડમરીથી આંખો નહિ ખુલતા મોટર સાયકલ સ્લીપ થઇ જવાથી સર્જાયેલા અકસ્માતે ઠાકોર યુવાનનો ભોગ લીધો છે. જયારે મિત્ર દેવીપુજક યુવાનને ગંભીર ઇજા પહોંચી છે.

વિગત મુજબ ધ્રાંગધ્રાથી રમેશ ઠાકોર અને કેતન દેવીપુજક ડબલ સવારીમાં બાઇક લઇને વિરમગામના કોલીયાણા જઇ રહયા હતા. ત્યારે અમદાવાદ-ફોરલેન હાઇવે ઉપર રાજગઢના પાટીયા પાસે ધુળની ડમરી ઉડતા ચાલકને રસ્તો ન દેખાતા એકાએક બાઇક સ્લીપ થઇ ગયું હતું.

જેમાં ગંભીર ઇજાથી રમેશનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજયું હતું. જયારે કેતનને ગંભીર હાલતમાં ૧૦૮ના પાઇલોટ વિરેન્દ્રસિંહ પરમાર અને ઇએનટી રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ ધ્રાંગધ્રાના સરકારી દવાખાને ખસેડતા પ્રાથમીક સારવાર આપ્યા બાદ વધુ સારવારાર્થે સુરેન્દ્રનગર ખસેડવો પડયો હતો.

અકસ્માતને પગલે ટ્રાફીક જામ થતા એલએમટીના વાહીદભાઇ કુરેશી અને સ્ટાફ દોડી જઇ પોલીસને જાણ કરી બાઇકને રોડની સાઇડમાં ખસેડી ટ્રાફીક જામ કલીયર કરાવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબ્જો લઇ પીએમ માટે સરકારી દવાખાનામાં મોકલી જરૂરી કાગળો કરી એએસઆઇ મગનલાલે કાર્યવાહી કરી હતી. (૪.૧૧)

(1:11 pm IST)