Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

કાયમી કરવાની માંગણી સાથે ખારાઘોડામાં કંપની સામે હડતાલ ઉપર ઉતરેલા ૨ મજુરો

વઢવાણ, તા. ૧૫ :. ખારાઘોડા હિન્દુસ્તાન સોલ્ટ લિ.માં છેલ્લા ૨૫ - ૩૦ વર્ષથી કામ કરતા ૯૦ જેટલા કામદારો પ્રમોશન આપવાની સાથે કાયમી કરવાના મુદ્દે કંપની સામે છેલ્લા ત્રણ દિવસથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે. જેના ત્રીજા દિવસે હડતાલ પર ઉતરેલા કેસાભાઈ મગનભાઈ બારીયા અને ધનજીભાઈ સોમાભાઈ લોભાણીની હાલત બગડતા ડોકટરોની ટીમને હડતાલના સ્થળે બોલાવી દવા અને ઈન્જેકશનની સારવાર આપવામાં આવી હતી.

જેમા કેસાભાઈ મગનભાઈ બારીયાની તબીયત વધારે બગડતા એમને તાકીદે વધુ સારવાર અર્થે રીફર કરવામાં આવ્યા હતા. બીજી બાજુ કંપનીએ આ ૯૦ના સ્ટાફમાંથી આગામી બે મહિનામાં જ રીટાયર થનારા માત્ર ૧૭ વ્યકિતને કાયમી કરવા કોણીએ ગોળ લગાવાતા કંપની અને હડતાલ પર ઉતરેલા કંપનીના મજુરો અને કામદારોની મડાગાંઠ પડી હતી. કંપની દ્વારા આગામી બે દિવસમાં સુખદ સમાધાન નહી કરવામાં આવે તો હડતાલ પર બેઠેલા મજુરોએ ભુખ હડતાલ સહિતની ચીમકી આપી છે.

(1:07 pm IST)