Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

વાંકાનેર નજીક અકસ્માતમાં કચ્છ પંથકની બે મહિલા પદયાત્રીઓના મોતથી અરેરાટી

જોધપુર ગામ પાસે હિટ એન્ડ રનની ઘટના બાદ ટ્રક ચાલક છૂઃ ચોટીલા દર્શને જતા'તા ને અંતરીયાળ મોત મળતા આહિર સમાજમાં શોકનું મોજુ : ઈજાગ્રસ્ત મેઘીબેન ડાંગરને રાજકોટ ખસેડાયાઃ રોડ ક્રોસ કરતા અન્ય પાંચનો ચમત્કારીક બચાવ

વાંકાનેર, તા. ૧૫ :. વાંકાનેર પાસેના જોધપર ગામ નજીક ગતરાત્રીના અજાણ્યા ટ્રક ચાલકે ચોટીલા દર્શને જતા પદયાત્રીઓને હડફેટે લઈ અકસ્માત સર્જતા બે મહિલાના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા. જ્યારે એક મહિલાને ગંભીર ઈજા સાથે પ્રથમ વાંકાનેર અને ત્યાંથી રાજકોટ ખસેડવામાં આવેલ છે.

પ્રાપ્ત વિગતો મુજબ ભૂજ (કચ્છ)ના જવાહરનગર ગામના આયર જ્ઞાતિના આઠ પદયાત્રીનો સંઘ ચોટીલા દર્શનાર્થે નીકળ્યા હતા ત્યારે વાંકાનેર તાલુકાના જોધપુર ગામ પાસે ખારી તરીકે ઓળખાતા વિસ્તારમાં આવેલ શ્રી કમલેશ્વર મહાદેવ મંદિર રોડ ઉપર નજરે પડતા આ પદયાત્રીઓ વિસામો લઈ ફ્રેશ થવા માટે હાઈવે ક્રોસ કરી મંદિર તરફ જતા હતા ત્યારે વાંકાનેરથી બાઉન્ડ્રી તરફ જતા અજાણ્યા ટ્રક ચાલકે રોડ ક્રોસ કરતા આ પદયાત્રીઓને હડફેટે લેતા (૧) રાજીબેન ભીમાભાઈ આયર (ઉ.વ.૪૫) તથા (૨) રાજીબેન શામજીભાઈ આયર (ઉ.વ. ૬૦) આ બન્ને મહિલાના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા હતા. જ્યારે મેઘીબેન ભગુભાઈ ડાંગર (આહીર) (ઉ.વ. ૪૫)વાળા બહેનને ગંભીર ઈજા થતા સારવાર અર્થે પ્રથમ વાંકાનેર અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવેલ છે.

હીટ એન્ડ રનથી રાત્રીના હાઈવે મરણચીસથી ગુંજી ઉઠતા જોધપર ગામના ગામ લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત એક મહિલાને ૧૦૮ મારફત હોસ્પીટલે ખસેડેલ. ૪ પુરૂષ અને ૧ મહિલા રોડ ક્રોસ કરી ચુકતા તેઓ બચી ગયા હતા.

બનાવની જાણ થતા વાંકાનેર તાલુકા પોલીસમાં જાણ થતા પી.એસ.આઈ. એમ.એમ. ગોસાઈ, પી.એસ.આઈ. બી.ડી. પરમાર, રાઈટર જેમલભાઈ લાલજીભાઈ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને બન્ને મહિલાના મૃતદેહનો કબ્જો સંભાળી પી.એમ. માટે વાંકાનેર હોસ્પીટલે ખસેડેલ.

વાંકાનેર આહીર સમાજના યુવાનો રાજુભાઈ મકવાણા, યાદવ વાળા, જીતુભાઈનો પુત્ર સહિતના લોકો હોસ્પીટલે દોડી ગયા હતા અને ભૂજ તરફના આ પદયાત્રીઓના દુઃખમાં સહભાગી બન્યા હતા.

વાંકાનેર તાલુકા પોલીસે ભગુભાઈ વેલાભાઈ ચાળ (આયર) રે. જવાહરનગર - ભૂજવાળાની ફરીયાદ લઈ નાસી છૂટેલા અજાણ્યા ટ્રક ચાલક સામે ગુન્હો નોંધી તેને પકડી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.

(11:19 am IST)