Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

ઓલ ઇન્ડિયા માસ્ટર એથ્લેટીકસ ચેમ્પીયનશીપમાં જુનાગઢના ૭૫ વર્ષના ભાનુમતીબેન પટેલને સુવર્ણ - બ્રોન્ઝ મેડલ

જૂનાગઢ તા. ૧૫ :૩૯મી ઓલ ઈન્ડીયા માસ્ટર એથ્લેટીકસ ચેમ્પીયનશીપ તા. ૨૧ થી ૨૫ ફેબ્રુઆરી-૧૮ ના રોજ ક્રાંતીવીર સ્ટેડીયમ બેંગલોર ખાતે યોજોલ જેમાં ભારતભરમાંથી ૩૦ રાજયોના ૪ હજાર ૯૦૦ જેટલા ખેલાડીઓએ ભાગ લેવા ઉપસ્થિતી નોંધાવી હતી. તેમાં ગુજરાત રાજયમાંથી કુલ ૨૨૪ ખેલાડીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં વર્લ્ડ માસ્ટર એથ્લેટીકસના પ્રમુખશ્રી પરીકીન્સ ખાસ અતીથી પદે ઉપસ્થિત રહ્યા હતા. જયારે IAAF નાં પ્રતિનીધી વીનસન્ટ થોમસે પણ હાજરી આપી હતી. તેમજ ભારતનાં શ્રેષ્ઠ એથ્લેટ્સ અને ૧૯૯૪મા એશીયન ગેમ્સમાં ૮૦૦ મીટર દોડમાં સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કરનાર શ્રીરામકુમાર પણ રમતવીરોને પ્રોત્સાહીત કરવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ રાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધામાં ભાગ લેનાર દેશભરનાં રમતવીરોની સામે સ્પર્ધા કરીને ગુજરાતનાં ખેલાડીઓએ ૩ સુવર્ણ ચંદ્રક, ૫ રજત ચંદ્રક અને ૯ કાસ્ય ચંદ્રક મેળવીને કુલ ૧૭ મેડલ મેળવી ગુજરાતનું નામ રોશન કરેલ છે. આ સ્પર્ધામાં જૂનાગઢના ૭૫ પ્લસ ઉમર ધરાવતા ભાનુમતીબેન કે પટેલે ૫૦૦૦ મીટરની દોડમાં સુવર્ણ અને ૫ કીલોમીટરની ઝડપી ચાલમાં બ્રોન્ઝ મેડલ તથા વનીતાબેન ગોંડલીયાએ વાંસકુદમાં બ્રોન્ઝ તથા જીજ્ઞાસાબેને ૧૦૦ મીટરની વિઘ્ન દોડમાં બ્રોન્ઝ, લીનાબેને ૨૦૦૦ મીટર સ્ટીપલ ચેસમાં બ્રોન્જ મેડલ મેળવીને જૂનાગઢ સાથે રાજયનું  નામ રોશન કર્યુ છે.

ગુજરાત રાજયમાં એકમાત્ર માન્ય મંડળ માસ્ટર એથ્લેટીકસ એસોશીયેશન ઓફ ગુજરાત મારફત જ આ તમામ વિજેતા ખેલાડીઓ આગામી સપ્ટેમ્બર માસમાં યોજાનાર ઓફીશીયલ વર્લ્ડ માસ્ટર એથ્લેટીકસ ચેમપીયનશીપની સ્પેન ખાતે યોજનાર સ્પર્ધા માટે પસંદગી પામ્યા છે. આગામી રાષ્ટ્રકક્ષાની સ્પૃધા મનીપુર રાજયે આમંત્રીત કરતા આવનાર નેશનલ મનીપુર ખાતે યોજાનાર છે. આ વિજેતા તમામ ખેલાડીઓને સિનિયર સિટીઝન્સ મ;ડળ જૂનાગઢના પ્રમુખ જે.બી.માકડ, ઉપપ્રમુખ આઇ.યુ.સીડા, સેક્રેટરી જે.એમ.ઝાલાવડીયા તથા  વી.એન.પાઠક, દીલુભા વાળા વગેરેએ અભિનંદન પાઠવી આવનાર વિશ્વ માસ્ટરર્સ એથ્લેટીકસ ચેમ્પીયનશીપ સ્પર્ધામાં સ્પેન ખાતે વિજેતા થવા શુભકામના પાઠવી હતી.તેમ માસ્ટર એથ્લેટીકસ એશોસીયેશન ઓફ ગુજરાતનાં જનરલ સેક્રેટરી વી.એન. પાઠકની યાદીમાં જણાવાયુ છે.

(9:52 am IST)