Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

'નયારા' એનર્જી ફલાવર-શો એ જગાવ્યું રંગબેરંગી આકર્ષણ

બે એકર જમીનમાં ૬૦થી વધુ રંગબેરંગી ફૂલોની વિવિધ જાતનું પ્રદર્શન : લોકોએ પ્રકૃતિના નજારાને માણ્યો

જામનગર, તા.૧૫ : 'પ્રકૃતિ' એ માનવજીવનને આનંદમયી અને આરોગ્યમયી બનાવવામાં મહત્વનું સ્થાન ધરાવે છે, આ આશયને સાર્થક કરવા નયારા એનર્જીએ તેમની બેડ ગામ નજીક આવેલી ટાઉનશીપમાં 'નયારા એનર્જી ફલાવર શો–ર૦ર૦'નું સુંદર મજાનું આયોજન કર્યું છે. જેમાં બે એકર જમીનમાં ૬૦થી વધુ રંગબેરંગી ફૂલોની વિવિધ જાતનું પ્રદર્શન કરાયું છે. આ ફલાવર શોની મુલાકાત આશરે ૧૬૦૦૦થી વધુ લોકો લઈ ચૂકયા છે અને હજૂ તા. ૧૬ સુધી દરેક લોકો મુલાકાત કરી શકેે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

પ્રકૃતિમાં ખાસ કરીને ફૂલો લોકોને આંનદિત કરે છે, મનને શાંત કરે છે અને પીડામાં રાહત આપવાનું કાર્ય પણ કરે છે૧ ત્યારે પ્રકૃતિનું માઘ્યમ બનવા નયારા એનર્જી શિયાળાની ઋતુમાં દર વર્ષે ફલાવર શોનું આયોજન કરતી આવી છે. આ વર્ષે નંદ નિકેતન ટાઉનશીપના બે એકર વિસ્તારમાં 'નયારા એનર્જી ફલાવર શો–ર૦ર૦'નું આયોજન કરાયું છે. 

વિશાળ જગ્યામાં વિવિધ પ્રકારે ફૂલોનું આકર્ષણ ખીલી ઉઠે એ રીતે ૬૦થી વધુ પ્રકારના ફૂલોને ગોઠવવામાં આવ્યા છે. રંગબેરંગી ફૂલોની જીવંતતા ફલાવર શોના દરેક ખૂણે અનુભવી શકાય છે. ફલાવર શોથી ફૂલોને સુશોભિત કરવાની અવનવી રીતોનું પ્રદર્શન પણ કરાયું છે જેમાં બિનઉપયોગી વસ્તુઓનો ખુબીપૂર્વક ઉપયોગ કરાયો છે. જેમકે લાકડાની નાની મોટી છડીઓ, સિરામિક બોલ, પ્લાસ્ટિકની બોટલ અને જૂના ભંગારને એક નવા રૂપ સાથે ફૂલોને મહેકાવવામાં આવ્યા છે. એમાં પણ પેરાગોલ્સ, નેચરલ બ્રિજ, ફલાવર કલોક, ફલોટીંગ ફલાવર્સ, ટ્રી હાઉસ, બર્ડસ એન્ડ એનિમલ્સ, મેડિસીનલ પ્લાન્ટસ, કિડસ ફાર્મિંગ, એગ્રિકલ્ચર ઝોન, રંગોલી, મીનીએચર ગાર્ડન, સ્વિંગ્સ,ગાર્ડન આર્ટિકલ્સ, પ્લે ઝોન એક અલગ પ્રકારની અનુભૂતિ કરાવે છે. કૃષિ ક્ષેત્ર સાથે સંકડાયેલા લોકોને ફૂલોની વિવિધ ખેતીની જાણકારી માટે આ ફલાવર શો એક મહત્વની તક પુરી પાડે છે. નયારા એનર્જીની રિફાઈનરી અને ટાઉનશીપની આજુબાજુના ગામોના લોકોએ ફલાવર શોની મુલાકાત કરી હતી. ઉપરાંત નંદ નિકેતન ટાઉનશીપના રહેવાશીઓ, વિવિધ શાળાના વિદ્યાર્થીઓ, જામનગરના લોકો વગેરેએ ફલાવર શોની મુલાકાત કરી પ્રકૃતિનો રોમાંચ અનુભવ્યો હતો. ગત તા. ૭ના ઉદઘાટિત કરાયેલા 'નયારા એનર્જી ફલાવર શો–ર૦ર૦'ની મુલાકાત દરેક લોકો કરી શકે એ માટે તા.૧૬ સુધી સવારના ૧૦ વાગ્યાથી લઈને રાત્રે ૯ વાગ્યા સુધી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

(12:53 pm IST)