Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

વિરપુર અન્નક્ષેત્ર સદાવ્રતના ર૦૦ વર્ષઃ સૌરાષ્ટ્ર ગૌરવ દિવસ જાહેર કરો

પૂ.જલારામબાપાના ધ્યેયને ચરિતાર્થ કરતી યોજના જાહેર કરવા વિજયભાઇ રૂપાણીને જામનગરના રમેશ દતાણીએ પત્ર પાઠવ્યો

રાજકોટ તા. ૧પ :.. વિરપુરમાં પૂ. જલારામબાપા દ્વારા શરૂ કરવામાં આવેલા અન્નક્ષેત્રને ર૦૦ વર્ષ પુર્ણ થતા આ દિવસને સૌરાષ્ટ્ર - ગૌરવ  દિવસ તરીકે જાહેર કરવા  રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી એ જામનગરનાં શ્રી જલારામ સેવા ટ્રસ્ટ - શ્રી પ્રભુદાસ ખીમજી કોટેચા અન્નક્ષેત્ર હોલ  શ્રી જલારામબાપા મંદિર હાપા જામનગરનાં રમેશભાઇ વી. દત્તાણીએ પત્ર પાઠવીને રજૂઆત કરી છે.

પત્રમાં વધુમાં જણાવ્યુ છે કે, સૌરાષ્ટ્રનું વીરપુર ગામ સંત શિરોમણી શ્રી જલારામબાપાના નામથી વિશ્વભરમાં વિખ્યાત બન્યું છે. ખાસ કરીને અન્નદાનનો પ્રચાર-પ્રસાર વીરપુર ગામે આવેલા શ્રી જલારામ મંદિરે ચાલતા અન્નક્ષેત્રથી વધુ થયો છે.

સંત શ્રી જલારામબાપાએ ર૦૦ વર્ષ અગાઉ તા. ૧૭-૧-૧૮ર૦ ના રોજ વીરપુર ખાતે અન્નક્ષેત્ર સદાવ્રતનો પ્રારંભ કરાવ્યો હતો. આ ઐતિહાસીક ઘટનાને ર૦૦ વર્ષ પુરા થઇ રહયા છે તેથી આ પાવન દિવસે એક જલારામ ભકત તરીકે રાજયના સંવેદનશીલ સરકાર ૧૭ મી જાન્યુઆરીએ આ દિવસને 'સૌરાષ્ટ્ર ગૌરવ દિવસ' જાહેર કરી દર વર્ષે સંત શ્રી જલારામ બાપાના ધ્યેયને ચરિતાર્થ કરતી યોજના જાહેર કરી જલારામ બાપાના આશિર્વાદ મેળવે તેવી માંગણી વિજયભાઇ રૂપાણીને પત્ર પાઠવીને  રમેશભાઇ દતાણીએ કરી છે.

(11:14 am IST)