Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

જામનગરના આર.ડી.એકસ પ્રકરણના બે આરોપીની ડીસ્ચાર્જ અરજી રદ્દ

બાબી ધ્વંશ પછી ભારતમાં કોમી રમખાણો કરવા દુબઇ સ્થિત દાઉદ ગેંગ દ્વારા ભારતમાં હથિયારો, સ્ફોટક પદાર્થ દરિયાઇ માર્ગે મોકલવામાં આવેલઃ આરોપી જુસબમીયા અને મમુમીયાએ ''ટાડા''ના આરોપમાંથી મુકત કરવા ડીસ્ચાર્જ અરજી કરેલઃ જામનગર સ્પે.ટાડા કોર્ટનો ચુકાદો

રાજકોટ તા.૧૫: જામનગરના ચકચારી આર.ડી.એકસ. લેન્ડીંગ પ્રકરણ અંગે ટાડા એકટ, ૩-૪-૫-૬ હેઠળ નોંધાયેલા દાઉદની ગેંગની સંડોવણીવાળા ચકચારી કેસમાં પકડાયેલા આરોપીઓ પૈકીના બે આરોપીઓ જુસબમીયા ઉર્ફે દાદલીમીયા સન ઓફ ઇસ્માઇલમીયા ઉર્ફે પંજુમીયા સૈયદ બુખારી અને ઉંમરમીયા ઉર્ફે મમુમીયા ઇસ્માઇલીયા ઉર્ફે પંજુમીયા સૈયદ બુખારીઓ સદરહું કેસમાંથી ડીસ્ચાર્જ કરવા કરેલ. અરજીને જામનગરના સેશન્સ જજશ્રી રાવલે ફગાવી દીધી હતી.

આ અંગેની વિતગ એવી છે કે, ૧૯૯૨માં બાબરી ધ્વંશ પછી દેશમાં થયેલા કોમી રમખાણોમાં અને ભારતમાં આતંક મચાવવા અંગે દુબઇ સ્થિત દાઉદની ગેંગ દ્વારા ભારતમાં ગેરકાયદે હથિયારો અને સ્ફોટક પદાર્થ ઘુસાડીને અરાજકતા ફેલાવવા જામનગરના બેડીના તેમજ કચ્છના સલાયા બંદરનો ઉપયોગ કરીને ડી.ગેંગ દ્વારા દરિયાઇ માર્ગે હથિયારો અને સ્ફોટક પદાર્થોનો જથ્થો હારૂન આદમ સીંઘાડ અને ઓસમાણ ઉંમર કારેજા અને મામદ અલીમામદ અને મમદુ નામના ઇસમો મારફત ભારતમાં ઘુસાડયાનું બહાર આવેલ હતું. આ વિસ્ફોટક પદાર્થો સાથે હેન્ડગ્રેનેડ બોમ્બ પણ મળી આવ્યા હતાં.

આ બનાવ અંગે કુલ ૪૬ આરોપીઓને પકડવામાં આવ્યાં હતા. અને દાઉદ ઇબ્રાહિમ શેખ, મહમદ આમદ ઉંમર ડોસા, અનિશ મહમદ ઉર્ફે અનિશ લંબુ હાજી ઐહમદ રહેમાન સહિતનાં ૧૫ આરોપીઓ હજુ પણ નાસતા ફરે છે. જેઓને કોર્ટે ભાગેડુ જાહેર કરેલ છે.

ઉપરોકત આરોપીઓ પૈકીના અને મમુમીયા પંજુમીયા બુખારીએ  ટાડાના આરોપીમાંથી ડીસ્ચાર્જ કરવાની માંગણી કરી હતી.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, આ કેસની ગંભીરતા અને સંવેદનશીલતાને ધ્યાને લઇને ગુજરાત સરકાર દ્વારા પોરબંદરના એમ.એ. મહેતા અને રાજકોટના એડવોકેટ તુષાર ગોકાણીની સ્પે. પી.પી. તરીકે નિમણૂંક કરવામાં આવી હતી.

જામનગરના સ્પે જજ રી પી.સી.રાવલ (ટાડા કોર્ટ) સમક્ષ ઉપરોકત બંને સ્પે. પી.પી. દ્વારા રજુઆત કરવામાં આવેલ કે, આરોપીઓ દ્વારા ભારત દેશમાં આર.ડી.એકસનો સ્ફોટક પદાર્થ, ઘાતક હથિયારો દરિયાઇ માર્ગે નામચીન દાઉદ ઇબ્રાહિમની ગેંગ દ્વારા ભારતમાં મોકલવામાં આવેલ છે. આ બનાવમાં ૪૬ જેટલાં આરોપીઓ પકડાયેલા છે અને દાઉદ ઇબ્રાહિમ શેખ સહિતના ૧૫ આરોપીઓ હજુ પણ ભાગેડુ જાહેર થયેલા છે. આરોપીઓ ટાડા (આતંકવાદ) જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલા હોય અને ટાડા એકટના તત્વો ગુનામાં સાબિત થતાં હોય ઉપરોકત બંને આરોપીઓની ડીસ્ચાર્જની અરજી રદ કરવી જોઇએ.

ઉપરોકત રજુઆત અને ગુનાની ગંભીરતાને ધ્યાને લઇને બંને આરોપીઓની ટાડાના આરોપમાંથી મુકત કરવા કરેલ ડીસ્ચાર્જ અરજીને ટાડા કોર્ટના જજ રી પી.સી. રાવલ જામનગર દ્વારા રદ્દ કરવામાં આવી હતી.

આ કેસમાં ગુજરાત સરકાર વતી એ.પી.પી. તરીકે પોરબંદરના એમ.એ. મહેતા અને રાજકોટના તુષારભાઇ ગોકાણી રોકાયા હતાં.

(3:33 pm IST)