Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

જસદણના મગફળી કૌભાંડમાં તંત્ર દ્વારા કાર્યવાહીઃ કૌભાંડીયાઓ દ્વારા ઢાંકપીછોડો કરવા ધમપછાડા

જસદણ તા. ૧૫ : જસદણમાં યાર્ડની ખાનગી પેઢી દ્વારા યાર્ડમાંથી જ મગફળીની ખરીદી કરી ટેકાના ભાવે મગફળી આપવાના છેલ્લા એક મહિનાથી ચાલતા કૌભાંડનો પર્દાફાશ થયા બાદ રાજકીય અને અમુક આગેવાનોની ભલામણથી હજુ સુધી આ કૌભાંડીયાઓ સામે રજા હોવાનું બહાનું આગળ ધરી કોઇ જ કાર્યવાહિ હાથ ન ધરાતા આ બનાવે ભારે ચર્ચા જગાવી છે. જોકે જાણકારોના જણાવ્યા મુજબ બે દિવસની રજામાં આ કૌભાંડકારોએ બધુ જ ગોઠવી લીધું છે અને આ પ્રકરણ ગોઠવણી મુજબ જ રાબેતા મુજબ સંકેલાઇ જશે !

છેલ્લા એકાદ મહિનાથી તંત્રની મીલી-ભગતથી ચાલતા આ કૌભાંડનો પર્દાફાશ થયો હતો. જેમાં યાર્ડના જ વેપારીઓ દ્વારા પોતાના સગા-વ્હાલા કે બીજા ખેડૂતોના નામે ટેકાના ભાવે મગફળીની મંજુરી લઇ જ્યારે આ ખેડૂતોનો ટેકાના ભાવે મગફળી નાંખવાનો વારો આવે ત્યારે વેપારીઓ જ જસદણ યાર્ડમાંથી હલકી ગુણવત્તાવાળી અને સસ્તા ભાવની મગફળી લઇ ડાયરેકટ ગોડાઉનમાં નાંખી ૨૦ કિલોએ ૩૦૦ રૂ.ની મલાઇ તારવી લેતા હતા.

છેલ્લા ઘણા વખતથી ચાલતા આ કૌભાંડમાં કૌભાંડીયાઓ દ્વારા રોજ ૧૦થી ૧૫ ટ્રેકટર મગફળી નાંખી રોજ ૫થી ૧૦ લાખ રૂપિયા સરકારના કટકટાવી જાય છે.

બે દિવસ પહેલા બહાર આવેલા આ કૌભાંડમાં સંડોવાયેલ યાર્ડની ખાનગી પેઢીનો માલિક ઇલે.મીડીયા સમક્ષ કબુલ પણ કરે છે કે મેં આ કૌભાંડ અગાઉ કયારેય નથી કર્યું. પહેલીવાર કર્યું હોય કંઇ ન કરવા કરગરે છે પરંતુ ઇલે.મીડીયાના પત્રકારોએ કોઇ મચર આપી નહોતી.

જો કે અધિકારીઓએ પણ આ કૌભાંડમાં તાત્કાલિક પગલા લેવાને બદલે જોગાનુજોગ જાહેર રજા આવતી હોય કૌભાંડીયાઓને બધુ સમુસુતર કરવા મોકળુ મેદાન આપ્યું હતું.  આજે આ કૌભાંડીયાઓના પ્રાંત અધિકારી દ્વારા નિવેદન લેવાની કાર્યવાહી થશે. જેમાં અગાઉથી તૈયાર થયેલ બ્લુ પ્રિન્ટ મુજબ કાર્યવાહિ કરી આ પ્રકરણ ઉપર ઢાંકપીછોડો કરી દેવામાં આવશે તેવું પણ ચર્ચાઇ રહ્યું છે.

છેલ્લા બે દિવસથી જસદણમાં અનેક ઉપનામથી જાણીતો અને પોતાના સ્વાર્થ ખાતર કયારેક કોંગ્રેસમાં તો કયારેક ભાજપના ખોળે બેસી પોતાના રાજકિય રોટલા શેકતો અને પાલિકાનો પૂર્વ હોદ્દેદારે આ પ્રકરણ બંધ બેસાડવા જહેમત ઉઠાવી હતી અને હાલ એવું ચર્ચાઇ રહ્યું છે કે આ પ્રકરણ ઉપર પડદો પડી જશે.

આ પ્રકરણની બ્લુ પ્રિન્ટ તૈયાર કરવા જસદણની એક શૈક્ષણિક સંસ્થા ખાતે રાજકિય આગેવાનોની એક મીટીંગ પણ મળી હતી. તેમાં મામલતદાર, પ્રાંત ઓફિસર અને પોલિસ ખાતાના અધિકારીઓ સાથે બધુ સમુ-સુતર પાર પાડવા મીટીંગો મળી હતી ત્યારે આ પ્રકરણમાં આગળ શું થશે તેની ભારે ચર્ચા જસદણમાં ચાલે છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ સૌરાષ્ટ્રમાં મગફળીના કરોડોના કૌભાંડો થયા છે. તેમાં પણ હજુ તપાસ પુરી નથી થઇ ત્યારે જો આ કૌભાંડમાં પણ તંત્ર કોઇની શેહ શરમમાં આવ્યા વગર કાર્યવાહી કરશે તો અનેક મોટા વેપારીઓ સામે તવાઇ ઉતરશે તેવું જાણકારો દ્વારા કહેવામાં આવી રહ્યું છે.

સરકારી બાબુઓ આંખમીચામણા  કરતા હોય પત્રકારોએ ફોડયો ભાંડો

જસદણ તા. ૧૫ : જસદણનું મગફળી કૌભાંડ તંત્રની મીઠી નજર હેઠળ ચાલી રહ્યું હતું ત્યારે અધિકારીઓને બદલે આ કૌભાંડ પત્રકારોએ બહાર પાડતા ચકચાર મચી જવા પામી છે.

છેલ્લા એકાદ મહિનાથી જસદણમાં આ કૌભાંડ વ્યવસ્થિત રીતે ચાલી રહ્યું હતું. જેમાં યાર્ડમાંથી જ મગફળી ખરીદી ડાયરેકટ એ વાહન ગોડાઉન ખાતે પહોંચી જતું હતું. જ્યાં ખેડૂતોના નામે મગફળી ગોડાઉનમાં ઉતારી દેવામાં આવતી હતી.

આ કૌભાંડમાં જસદણ માર્કેટ યાર્ડ ખાતે આવેલ એક પેઢી દ્વારા યાર્ડમાંથી જ મગફળીની ખરીદી કરી સીધા જ નાફેડ દ્વારા રાખવામાં આવેલ ગોડાઉન ખાતે પહોંચાડવામાં આવી હતી. જેના પુરાવા સ્થાનિક પત્રકારોએ આપતા વેપારીના હોંશ ઉડી ગયા હતા અને હવે આવું નહી કરૂ તેમ કહેવા છતાં પત્રકારોએ આ કૌભાંડને ખુલ્લુ પાડયું હતું. જ્યારે અધિકારીઓ હવે આ પ્રકરણે કડક કાર્યવાહી કરે છે કે પછી..?(૨૧.૧૪)

(11:39 am IST)