Gujarati News

Gujarati News

News of Friday, 14th December 2018

ભાવનગરના મહુવામાં સિંહે એકને ફાડી ખાતાં સનસનાટી

સિંહે કયા સંજોગોમાં હુમલો કર્યો તે તપાસનો વિષય : સિંહ દ્વારા માછીમાર પર હુમલો કરી ફાડી ખાવાની ઘટના સામાન્ય રીતે સિંહ માણસ પર હુમલા નથી કરતા : તપાસ

અમદાવાદ, તા.૧૩ : થોડા સમય પહેલાં જ સાસણ ગીરના દેવળીયા સફારી પાર્કમાં બે સિંહો દ્વારા હુમલો કરતાં એક કર્મચારીનું મોત થયું હતું અને ગીરમાં એક સિંહણને પામવાની હોડમાં ક્રોધિત સિંહે ખેડૂતોનો ત્રણ કિમી પીછો કર્યો હતો ત્યાં આજે સિંહ દ્વારા માનવ પર હુમલાની વધુ એક ઘટના સામે આવી છે. ભાવનગરના મહુવા ખાતે પિંગલેશ્વર નજીક એક સિંહે સ્થાનિક માછીમાર પર હુમલો કરી ફાડી ખાતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. સિંહના હુમલા અને માછીમારને ફાડી ખાવાની ઘટના બાદ સ્થાનિક ગ્રામજનો અને રહીશોમાં ભારે ફફડાટની લાગણી પણ ફેલાઇ ગઇ હતી. આ બનાવને લઇ વનવિભાગના અધિકારીઓએ પણ તપાસ હાથ ધરી હતી. ખાસ કરીને સિંહે કયા સંજોગોમાં માછીમારને હુમલાનો શિકાર બનાવ્યો તે મામલે તપાસ શરૂ કરી છે. કારણ કે, સામાન્ય સંજોગોમાં સિંહ માણસનો શિકાર કરતા નથી. જો તેને છંછેડાય અથવા તો બહુ હેરાન કરાય તો હુમલો કરતો હોય છે. વળી, મોટાભાગના કિસ્સામાં સિંહ હુમલો કરી માણસને બહુ બહુ તો ઘાયલ કરી નાસી જતો હોય છે બહુ ઓછા કિસ્સામાં તે માણસને ખાઇ જાય છે. તેથી પ્રસ્તુત કેસમાં કયા સંજોગોમાં માછીમાર પર સિંહે હુમલો કર્યો તેની તપાસ વનવિભાગના અધિકારીઓ ચલાવી રહ્યા છે. આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, ભાવનગરના મહુવા ખાતે પિંગલેશ્વર નજીક એક સિંહે સ્થાનિક માછીમાર ૩૭ વર્ષીય રામભાઈ ચૂડાસમા માછીમારી કરવા જઇ રહ્યા હતા ત્યારે અચાનક એક સિંહે તેમની પર હુમલો કર્યો હતો અને ગંભીર રીતે ઘાયલ કર્યા હતા. આજે સવારે તેમનો મૃતદેહ મળી આવતાં સ્થાનિકોએ વનવિભાગના અધિકારીઓ અને પોલીસને જાણ કરી હતી. જેને પગલે તંત્રના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને જરૂરી તપાસ હાથ ધરી હતી. આ ઘટના રાત્રે બે વાગ્યાની આસપાસ બની હોવાનું મનાઇ રહ્યું છે. પોલીસ અને વનવિભાગના અધિકારીઓએ હવે સ્થાનિકોના નિવેદન અને પૂછપરછ કરી સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. જો કે, આ બનાવને પગલે હાલ તો સ્થાનિકોમાં સિંહના હુમલાની દહેશત અને ફફડાટની લાગણી ફેલાઇ ગઇ છે.

(7:39 pm IST)