Gujarati News

Gujarati News

News of Monday, 14th November 2022

ધોળકાના કોઠ ગામના બે વ્‍યકિતના મોત

રાજકોટથી લસણ ભરીને બાવળા જતા'તાઃ ટેન્‍કર ચાલક ટક્કર મારીને નાસી ગયો

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૧૪ : ધોળકા તાલુકાના કોઠ ગામની ૨ વ્‍યકિત બોલેરો ગાડીમાં રાજકોટથી લસણની બોરીઓ ભરીને બાવળા જઇ રહ્યા હતા ત્‍યારે ભમાસરા ગામ પાસે ગાડીના દોરડાના બંધ ચેક કરતાં હતા ત્‍યારે કોઇ અજાણ્‍યા ટેન્‍કર ચાલકે પુરઝડપે ચલાવીને ગાડીને અને બંને વ્‍યકિતને પાછળથી ટક્કર મારીને નાસી છૂટયો હતો. એક્‍સીડેન્‍ટમાં બંને વ્‍યક્‍તિને શરીરે ઇજા થતાં બંન્નેનાં સ્‍થળ ઉપર જ મોત થવા પામ્‍યા હતા. બગોદરા પોલીસે અકસ્‍માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

ધોળકા તાલુકાના કોઠ ગામમાં આવેલા પશુ દવાખાના પાસે રહેતાં નરેન્‍દ્રભાઇ મોબતસંગ પરમારે બગોદરા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે  બાજુમાં રહેતાં અનિલભાઈ અરવિંદભાઇ બેલદાર તેમની મહિન્‍દ્રા બોલેરો પીકઅપ લોડીંગ ગાડી લઇને વોડાફોનનો સામાન ભરવા જતાં હોવાથી અને મારા પિતા મોબતસંગ ધુધાભાઇ પરમાર કંપનીમાં રજા હોવાથી મારા પિતા તેઓની સાથે વહેલી સવારે ૫ વાગ્‍યે બોલેરોમાં બેસીને ગયા હતા.

વહેલી સવારના અનિલભાઇ બેલદારનાં મમ્‍મી અમારા ઘરે આવીને કહ્યું કે મારા મોબાઇલ ફોનમાં કોઇ ભાઇનો ફોન આવ્‍યો હતો કે ફોનમાં મારો દિકરો અનિલે કહ્યું કે હું તથા મોબતસંગ બંને જણા મારી બોલેરો લઇને વોડાફોનનો સામાનભરીને પોરબંદર ગયેલા અને પાછા આવતી વખતે રાજકોટથી લસણની બોરીઓ ભરીને બાવળા ખાલી કરવાનું હોવાથી બાવળા જતા હતા તે વખતે ભામસરા ગામનો બ્રીજ વટાવી થોડે આગળ બોલેરોમાં ભરેલી લસણની બોરીઓને બાંધેલા દોરડાના બંધ ચેક કરવા માટે બોલેરો રોડની સાઇડમાં ઉભી રાખીને બંન્ને જણા નીચે ઉતરી દોરડાના બંધ ચેક કરતાં હતા.

તે વખતે વહેલી સવારે સાડા ૪ વાગ્‍યે બગોદરા તરફથી ૧ ટેન્‍કર સ્‍પીડમાં આવીને અમારી બોલેરોને ટક્કર મારી અમને અડફેટમાં લઈ એકસીડન્‍ટ કરીને ટેન્‍કરનો ડ્રાઇવર ટેન્‍કર લઇ બાવળા તરફ જતો રહ્યો હતો. અકસ્‍માતમાં બંનેને માથામાં અને શરીરે ગંભીર ઈજા થવા પામી હતી. મોબતસંગ બેભાન થઈ ગયા હતા. જેથી અમે ઇકો ગાડી લઇને ઘટના સ્‍થળે ગયા હતા ત્‍યારે કોઈએ ૧૦૮ની ઇમરજન્‍સી સેવાને ફોન કરતાં ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ આવી ગઈ હતી.

૧૦૮ ના ફરજ ઉપરનાં ડોકટરે બંનેને મરણ થયુંનું જણાવ્‍યું હતું. જેથી બંનેની લાશોને બગોદરા સામુહીક આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે લઈ જઈને બગોદરા પોલીસમાં અજાણ્‍યા ટેન્‍કરનાં ચાલક વિરૂદ્ધ અકસ્‍માતની ફરીયાદ નોંધાવતાં બગોદરા પોલીસે ટેન્‍કર ચાલક વિરૂદ્ધ અકસ્‍માતનો ગુનો નોંધી લાશોનું પી.એમ કરાવીને નાશી છૂટેલા ટેન્‍કર ચાલકને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.

(11:45 am IST)