Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

જેતપુર બોરડી સમઢીયાળાનો કલ્પેશ ઉર્ફ ભોડી પટેલ રાજકોટમાં પિસ્તોલ-કાર્ટીસ સાથે ઝડપાયો

એસઓજીના આર. કે. જાડેજા, ચેતનસિંહ ગોહિલની બાતમી પરથી પીડીએમ કોલેજ બસ સ્ટોપ પાસેથી પકડી લેવાયોઃ જેતપુર સીટી-તાલુકાના મારામારીના અનેક ગુનામાં સંડોવણી : માથાકુટ ચાલતી હોવાથી તાલાલાના સિદી બાદશાહ શખ્સ પાસેથી હથિયાર લીધાનું રટણઃ રિમાન્ડની તજવીજ

રાજકોટ તા. ૧૪: એસઓજીએ જેતપુરના બોરડી સમઢીયાળાના પટેલ શખ્સને રાજકોટમાં પિસ્તોલ તથા કાર્ટીસ સાથે પકડી લીધો છે.

એસઓજીના હેડકોન્સ. આર. કે. જાડેજા, કોન્સ. ચેતનસિંહ ગોહિલ અને ક્રિપાલસિંહને મોડી રાત્રે ચોક્કસ બાતમી મળી હતી કે જેતપુર તાલુકા અને સીટી પોલીસ મથકમાં જેના વિરૂધ્ધ મારામારીના ગુનાઓ નોંધાયા છે એ શખ્સ ગોંડલ રોડ પર પીડીએમ કોલેજના બસ સ્ટોપ પાસે ઉભો છે અને તેની પાસે ગેરકાયદે હથીયાર છે. આ માહિતીને આધારે ટૂકડીએ ત્યાં પહોંચી વર્ણનને આધારે બાતમી મુજબના શખ્સને સકંજામાં લઇ તલાશી લેતાં રૂ. ૧૦ હજારની દેશી બનાવટની પિસ્તોલ તથા એક જીવતો કાર્ટીસ મળતાં કબ્જે કરી આ શખ્સની ધરપકડ કરી હતી.

કોન્સ. નરેન્દ્રભાઇ અર્જુનદેવ ગઢવીની ફરિયાદ પરથી આર્મ્સ એકટ ૨૫ (૧) બી મુજબ ગુનો નોંધી કલ્પેશ ઉર્ફ ભોડી વજુભાઇ વોરા (પટેલ) (ઉ.૨૮-રહે. બોરડી સમઢીયાળા, તા. જેતપુર)ની ધરપકડ કરી હતી. આ શખ્સ હાલ ખેતી કરી ગુજરાન ચલાવે છે. તેના વિરૂધ્ધ જેતપુર સીટી અને તાલુકામાં મારામારીના અનેક ગુના નોંધાયા છે. પ્રાથમિક પુછતાછમાં તેણે એવું રટણ કર્યુ છે કે પોતાને માથાકુટો ચાલતી હોવાથી તાલાલા પંથકના એક સીદી બાદશાહ પાસેથી આ હથીયાર લાવીને સાથે રાખ્યું હતું. વિશેષ પુછતાછ માટે રિમાન્ડ મેળવવા તજવીજ થઇ રહી છે.

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયા અને એસઓજી પી.આઇ. એસ. એન. ગડ્ડુની રાહબરીમાં પીએસઆઇ ઓ. પી. સિસોદીયા, પીએસઆઇ એચ. એમ. રાણા, હેડકોન્સ. આર. કે. જાડેજા, ધર્મેન્દ્રસિંહ રાણા, મનરૂપગીરી ગોસ્વામી, કોન્સ. ચેતનસિંહ ગોહિલ, ક્રિપાલસિંહ ચુડાસમા, નરેન્દ્રભાઇ ગઢવી, બ્રિજરાજસિંહ ઝાલા, યુવરાજસિંહ જાડેજ, અનિલસિંહ ગોહિલ, ધર્મેન્દ્રસિંહ પરમાર સહિતની ટીમે આ કામગીરી કરી હતી.

(2:00 pm IST)