Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

પાટડીમાં બ્યૂટી પાર્લરનો ઓર્ડર આપવાનું કહી ઘરમાં આવેલી મહિલાઓ દોઢ લાખની મત્તા સેરવી ફરાર

ઘરના પુરૂષોને જાણ કરશો તો સાંજ સુધીમાં એમના મોતના સમાચાર આવશે તેવી ધમકી પણ આપી... : પુરૂષો સહિત તમામ સભ્યો હાજર હોવા છતાં બંને બિન્દાસ નિકળી : ગામમાં રૂ. ૧૦ લાખના ખર્ચે લગાવેલા CCTV કેમેરા શોભાના ગાંઠિયા સમાન

સુરેન્દ્રનગર તા. ૧૪ : પાટડી મેઇન બજારમાં જ રહેતા રમેશભાઇ ઠાકોરના ઘેર સવારે દશેક વાગ્યાના સુમારે સાડી પહેરીને દુપટ્ટો ઓઢેલી ૩૦ થી ૩૫ વર્ષની બે અજાણી મહિલાઓ બ્યુટી પાર્લરનો ઓર્ડર આપવા ઘરમાં આવીને ઘરના ઉપલા માળે ગઇ હતી. ઘરમાં નીચે રમેશભાઇ ઠાકોર અને એમના પિતા અને પુત્ર ત્રણેય હતા. ત્યારે આ મહિલાઓએ દિવાળીનો તહેવાર હોઇ એમના જ ઘરમાંથી મીઠાઇ મંગાવી એમાંથી બે ટુકડા એ મહિલાઓએ ચાખીને બીજા બે મીઠાઇના ટુકડા પર સ્પ્રે છાંટીને રમેશભાઇની પત્ની અને દિકરી કે જે બ્યુટી પાર્લરનો વ્યવસાય કરે છે. એને ખવડાવીને વશીકરણ કરી એમના કબાટમાં રાખેલુ સાડા ત્રણ તોલાનું સોનાનું મંગળસૂત્ર અને પાકીટમાં રાખેલા રોકડા રૂ.૨૦,૦૦૦ કુલ રૂ.દોઢ લાખનો મુદામાલ સેરવી રમેશભાઇ ઠાકોર અને એના પુત્રને આવજો કરી પલાયન થઇ ગઇ હતી. દશ મીનીટ બાદ માતા-પુત્રી ભાનમાં આવ્યા બાદ પરીવારના સભ્યોને ઘટના અંગે જાણ કરતા મહિલાઓનો કોઇ જ પત્તો લાગ્યો નહોતો. પાટડી પોલીસે જાણવાજોગ લઇ તપાસ હાથ ધરી છે.ઙ્ગ

પાટડી થોડા સમય અગાઉ સુરક્ષા સેતુ અંતર્ગત પાટડી પોલિસ અને નગરપાલિકાના સંયુકત ઉપક્રમે રૂ.૧૦ લાખના ખર્ચે ૩૦ જેટલા સીસીટીવી કેમેરાઓ લગાવેલા છે. પરંતુ હાલમાં આ તમામ સીસીટીવી કેમેરાઓ રીપેરીંગના બહાને બંધ હાલતમાં હોવાથી તસ્કરોને કાયમ મોકળું મેદાન મળી જાય છે.ઙ્ગ

આ બન્ને અજાણી મહિલાઓએ ઘરમાં માતા-પુત્રીને વશીકરણ કર્યા બાદ ઘરના પુરૂષોને નીચે જઇને જાણ કરશો તો સાંજ સુધીમાં તમારા ઘરના પુરૂષ સભ્યના મોતના સમાચાર આવશે એવુ કહીને આ મહિલાઓ ધુણવા લાગતા માતા-પુત્રી ડઘાઇ ગયા બાદ અર્ધબેભાન થયા હતા.

(12:18 pm IST)