Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

પૂ.જલારામબાપા ‘દેખત સબમે રામ' વાકયને તેમના જીવનમાં સાર્થક કરતુ

થાનગઢ : પૂ.જલારામબાપા રામ નામનો હંમેશા જાપ કરતા હતા. સર્વ માનવ તથા પ્રાણી માત્રમાં રામજીના દર્શન કરતા હતા. વિનય તથા વિવેક સાથે અન્‍નક્ષેત્રના માધ્‍યમથી ભગવદ સેવા કરતા હતા.

કારતક સુદ ૭ ના પવિત્ર દિવસ એટલે જલારામ બાપાની જન્‍મ જયંતિ લોહાણા કુળમાં જન્‍મ ધારણ કરેલો પરંતુ સૌને તેમના માટે પૂજય ભાવ છે. કારણ કે સંતો હંમેશા નાતજાતથી પર હોય છે. તેમના વંશજોએ પણ બાપાએ શરૂ કરેલા અન્‍નક્ષેત્ર રૂપી ગંગધારાનો પ્રવાહ ચાલુ છે અને ભવિષ્‍યમાં પણ રહેશે. તેમના વંશજો ઉચ્‍ચ પરંપરાઓ જાળવી રાખી છે. મંદિરમાં પણ ભેટ પૂજા લેવાની સપ્રેમ મનાઇ કરી છે.

પૂ.જલારામબાપાએ અનેક લોકોના દુઃખ તથા દર્દ દૂર કર્યા હતા. તેમની જયારે કોઇ ભકતો બાપાની જય બોલાવતા ત્‍યારે બાપા વિવેકથી કહેતા આ તો બધો ઠાકરનો પ્રભાવ છે. માટે ભગવાનની જય બોલાવતા. બાપાના જીવન તથા કાર્યમાં અભિમાનનો અંશ પણ હતો નહી. તેઓ હંમેશા ભગવાનના સેવક તરીકે સત્‍કર્મો તથા સેવા કરતા હતા. એક વાર બપોરના સમયે એક ઘોડેશ્વાર આવ્‍યા હતા. પેલા ભાઇએ પ્રસાદ લીધો અને મુસાફરીના થાકને કારણે ખાટલામાં ઘસઘસાટ ઉંઘવા લાગ્‍યા. ત્‍યારે બાપાએ સેવક સાથે ઘોડા માટે લીલો ચારો મંગાવ્‍યો અને ઘોડાને ગરમ પાણીથી તેના પગ ઉપર છંટકાવ કર્યો જેથી ઘોડાને પણ આરામ મળે તથા તેને પાણી તથા લીલો ચારો પણ ખવડાવ્‍યો. ‘દેખત સબમે રામ' આ વાકયને તેમના જીવનમાં સાર્થક કરતા હતા.

બાપાના જીવનમાં ભકિત તથા સેવાની ભાવનાને અનુરૂપ તેમની જન્‍મજયંતીની ઉજવણી કરવાથી જલારામ બાપા રાજી થાય છે. આર્થિક રીતે નબળા હોય તેમના માટે પ્રસાદ આપવો જોઇએ. અબોલ જીવોની પણ સેવા કરવી જોઇએ.

સંકલન નટુભાઇ ઠક્કર (થાનગઢ)

(11:45 am IST)