Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

પૂજય જલાબાપાનું પ્રથમ જીવનચરિત્ર ૧૯૪૭માં લખાયું

જલારામ બાપાના મંદિરો વિશ્વભરમાં બન્‍યા છે. બની રહ્યા છે. પણ એ બાપાના ચરિત્રને સૌથી પ્રથમ પ્રગટ કરનાર કોણ...?

તો એ નામ છે. સૌભાગ્‍યચંદ રાજદેવ. તેમણે ઈ.સ.૧૯૪૭માં ભકત શ્રી જલારામ ચરિત્ર લખ્‍યુ હતું. જો કે એ પછી તેની નવ આવૃતિઓ થઈ છે.

સૌભાગ્‍ય મંગળજી રાજદેવ વીરપુરના વતની હતા. તેમની વીસથી બાવીસ વર્ષની ઉંમરે તેઓ કારભારી તરીકે વીરપુર રાજયમાં જોડાયા. એ સમયે વીરપુરની ગાદી ઉપર હમીરસિંહજી હતા. તેઓ સાહિત્‍યના શોખીન હતા. પોતે ‘સુકિત સુમન' નામના ગ્રંથની રચના કરતા હતા. હમીરસિંહજી, હરિકૃષ્‍ણ ભલાભાઈ, જોરાવરસિંહજી અને લુણાવડના કવિ ભલાભાઈ આ બધા બેસીને આ વિજયની ચર્ચા કરે. પછી હમીરસિંહજી આ બધુ લખાવે. પણ એ લખે કોણ? તે વિચાર્યુ કે કયા કારભારીના અક્ષરો સારા છે? તે બધાની પરીક્ષા થઈ. તેમાં સૌભાગ્‍યચંદજીના અક્ષરો ખૂબ સારા હતા. એટલે તેમને આ ચર્ચામાં બેસાડવાનું નક્કી થયું. ત્રણ વર્ષ સુધી રોજ બપોરે ૩ થી ૬ વિદ્વાનો અને કવિઓની સાથે રાજવી ચર્ચા કરે અને તેમાં સૌભાગ્‍યચંદ બેસે. બધુ સાંભળે. પછી હમીરસિંહજી લખાવે તેમ લખે. માત્ર તેમના અક્ષરો સારા હતા તેમ જ નહિં પણ તેઓ વહીવટમાં પણ બાહોશ હતા. એ પછી તેઓ રાજકોટ રાજયમાં નોકરી કરવા લાગ્‍યા. ભારત આઝાદ થતાં રાજયના કારભારીઓને સરકારી નોકરીમાં શમાવી લેવામાં આવ્‍યા.

વીરપુરના નિવાસ દરમિયાન સૌભાગ્‍યચંદભાઈએ બાપા વિશે ખૂબ માહિતી એકઠી કરી હતી. અનેક લોકોને તેઓ મળ્‍યા. તેમની વાતો સાંભળી અને તેમણે પૂજય બાપાનું જીવન ચરિત્ર તૈયાર કર્યુ. સવારે સાડા ત્રણે ઉઠીને તેઓ લખવા બેસી જતા તે સાડા સાત સુધી એક આસને બેસીને લખે. ગાંધીજીની જેમ તેઓ મૌન શકિતમાં માનતા હતા. તેથી સોમવારથી રવિવાર સુધીમાં દરરોજ ૪ કલાકથી ૯ કલાક સુધી મૌન રાખતા. મૌન દરમિયાન તેમનો રૂમ બંધ રહેતો. અંદર જાય, વાંચન કે બીજા કામો ચાલતા રહે. તેઓ રામાયણ અને ગીતાનો અભ્‍યાસ કરતા. તેમને વિનોબા, સંત તુકારામ, સ્‍વામી માધવાતીર્થ વગેરેનું સાહિત્‍ય પ્રિય હતું. તેમને હઝરત મહંમદ સાહેબ વિશે પણ વાંચવુ ગમતુ હતું.

સૌભાગ્‍યચંદે કેવળ જલારામ ચરિત્ર લખ્‍યુ એટલુ જ નહિં, તેઓ જલારામમય બની ગયા હતા. જલારામ ટ્રસ્‍ટ, શ્રી જય જલારામ ટ્રસ્‍ટ, શ્રી જલારામ (વીરપુર) પ્રશસ્‍તિ ટ્રસ્‍ટ, શ્રી જલારામ ઉચ્‍ચ કેળવણી મંડળ કે માતુશ્રી વીરબાઈમા મહિલા કોલેજ હોય એ બધાનો વહીવટ કરે. તેના હિસાબો લખે.

ભારતના તત્‍કાલીન વડાપ્રધાન ઈન્‍દીરા ગાંધી જયારે રાજકોટમાં આવ્‍યો ત્‍યારે તેમણે માતુશ્રી વીરબાઈમા મહિલા કોલેજની મુલાકાત લીધી હતી. ત્‍યારે સ્‍ટેજ ઉપર સૌભાગ્‍યચંદે તેમનું સન્‍માન કર્યુ અને ત્‍યાં ગોઠવાયેલી સભામાં સ્‍વાગત પ્રવચન કર્યુ. તેમણે પોતાના પ્રવચન જય જલારામ કહીને કર્યો. તેમના શ્વાસોશ્વાસમાં જલાબાપા હતા.

સૌભાગ્‍યચંદભાઈનું જીવન ખૂબ સાદુ સીધુ હતું. જમવામાં તેઓ ચાર વસ્‍તુઓ જ લેતા હતા. શાક, રોટલી, છાશ અને અથાણુ. દાળ - ભાત કોઈ વખત મહેમાન આવે ત્‍યારે જ બને. તે સમયે છાશ અને અથાણુ નહિં લેવાના. આખા વર્ષ દરમિયાન બે જોડી જ કપડા તેઓ સીવડાવતા. એનાથી ચલાવી લેતા. તેમનું જીવન આડંબર વગરનું સત્‍યનિષ્‍ઠ હતું. એટલે તેઓ કોઈ શ્રીમંત કે ગમે તેવી મોટી વ્‍યકિતની શેહમાં આવતા ન હતા.

વીરપુરના રાજવીઓ હમીરસિંહજી, સૂરસિંહજી અને નરેન્‍દ્રસિંહજીના તેઓ જમણા હાથ હતા. સંત, મહાત્‍મા, ઉદ્યોગપતિઓ, નેતાઓ કે આઈએએસ ઓફીસરોને તેઓ પોતીકા લાગતા હતા. તેમને આજીવન માત્ર જલાબાપાને જ સેવ્‍યા. સમાજમાંથી અને અન્‍ય સંસ્‍થાઓમાંથી કે બીજી જગ્‍યાએથી તેમને પદ માટે સન્‍માન માટે કે માનપત્ર આપવા માટે ઓફર થતી ત્‍યારે તેમનો જવાબ રહેતો હતો કે શંકર વાંહે પોઠીયો પૂજાય છે. તેમાં પોઠીયાની નહિં, શંકરની શકિત છે. તેમ હું તો બાપાનો પોઠીયો છું. મારામાં કાંઈ આવડત નથી. મારૂ પાવર હાઉસ પૂજય બાપાનો ઢોલીયો છે. પાવર હાઉસ એક જ હોય. આમ કહીને પદનો, સન્‍માનનો, માનપત્રનો આદરપૂર્વક અસ્‍વીકાર કરી દેતા.

જલારામ બાપા પછી વીરપુરનો વહીવટ હરીરામબાપાએ સંભાળ્‍યો. એ પછી ગીરધરરામ બાપા એ ગાદી પર આવ્‍યા. ગીરધરરામ સૌભાગ્‍યચંદને ‘ભાઈ' કહીને જ સંબોધતા. બંને જાણે સગા ભાઈ હોય તેવા સંબંધ ! ગીરધરરામ બાપા પોતાનું હૈયું સૌભાગ્‍યચંદભાઈ પાસે ખોલતા હતા. સૌભાગ્‍યચંદભાઈની અનન્‍ય જલાભકિત જોઈને ગીરધરબાપાએ સંવત ૨૦૧૪ની ગુરૂપૂર્ણિમાને દિવસ (તા.૧-૭-૧૯૫૮)ના રોજ પૂજય જલારામબાપા જે માળા ફેરવતા હતા તે માળાનો એક મણકો પ્રસાદીરૂપે સૌભાગ્‍યચંદભાઈને આપ્‍યો હતો. તેમણે જ આ મહામુલી પ્રસાદીને પૂજામાં પધરાવી. તેઓ કહેતા હતા કે આ મારૂ પાવર હાઉસ છે.

એક આઈએસ ઓફીસરે સૌભાગ્‍યચંદભાઈને પૂછેલુ કે રજવાડાનું કારભારૂ એ તો મુત્‍સદભરી અને વ્‍યવહારીક દૃષ્‍ટિએ ચતુરતાનો વિષય છે પણ તમારામાં આ અધ્‍યાત્‍મ શકિત કેવી રીતે આવી?

તેમણે જવાબ આપ્‍યો કે પૂજય જલાબાપાની પ્રસાદી અને સદ્દગુરૂદેવના આર્શીવાદથી એ થયુ છે.

સદ્દગુરૂ રણછોડદાસ મહારાજે રાજકોટ આશ્રમમાં સમિષ્‍ટ પ્રવચન દરમિયાન કહેલુ કે નિષ્‍ઠા સૌભાગ્‍યચંદભાઈ જૈસી હોની ચાહીયે. પ્રખર ઉદ્યોગપતિ નાનજી કાલીદાસ મહેતાએ કહેલુ કે તમે તો જલાબાપાને ગળે બાંધીને કરો છો એટલે સફળતા પ્રાપ્‍ત થાય તે દેખીતુ છે.

સૌભાગ્‍યચંદભાઈએ પૂજય બાપા વિશે એટલી ઝીણી માહિતી આપી છે કે જે વાંચતા આપણને આヘર્ય થાય. પૂજય બાપાના દેવલોક થયા પછી શ્રી હરીરામજીએ બાપાની પછવાડે સંતમેળો કરેલો. સંવત ૧૯૩૮ના વૈશાખ સુદ - ૧૫ (ઈ.સ.૧૮૬૨) તે સંતમેળામાં જે જે ખાદ્ય સામગ્રી વપરાઈ હતી તેનું લીસ્‍ટ જોતાં જ એ સંતમેળાની મહાનતા સમજાઈ જાય. તેમાં એક હજાર મણ ખીચડી, સો મણ ઘી બે હજાર બસો મણ લાડવા વપરાયેલા. પધારેલા સંતો, મહાત્‍મા, મહંતો, તપસ્‍વીઓ વગેરેને રિવાજ મુજબ રોકડ ભેટ આપવામાં આવેલી.

સૌભાગ્‍યચંદભાઈએ બાપુનું ચરિત્ર લખ્‍યા પછી બાપાએ જોયેલા હોય તેવા કેટલાક ભકતોની મુલાકાત લીધેલી અને તેમાં તેમને ખૂબ માહિતી મળી તે સમયાંતરે ઉમેરતા ગયા. નવમી આવૃતિ એમના દિકરી કોકીલાબેને ઈ.સ.૨૦૧૦માં પ્રગટ કરી હતી. હવે તેઓ દસમી આવૃતિ પ્રગટ કરવા જઈ રહ્યા છે.

કનુ આચાર્ય

(11:45 am IST)