Gujarati News

Gujarati News

News of Wednesday, 14th September 2022

જસદણમાં શિક્ષીકાને બુટથી માર મારી બે ભાઇઓએ ધમકી આપીઃ ધરપકડ

સ્‍કુલમાં બાળકની ગેરહાજરી અંગે પૂછતા તૂટી પડયા

રાજકોટ તા. ૧૪: જસદણમાં સ્‍કુલમાં બાળકની ગેરહાજરી અંગે પૂછનાર શિક્ષીકાને બે ભાઇઓએ બુટથી મારમારી પતાવી દેવાની ધમકી આપ્‍યાની પોલીસમાં ફરિયાદ થતા પોલીસે બન્‍ને ભાઇઓની ધરપકડ કરી હતી.

પ્રાપ્‍ય વિગતો મુજબ જસદણમાં રહેતા અને જસદણ ગંગાભુવન ખોડીયાર મંદિરની બાજુમાં આવેલ ન્‍યુ એરા સ્‍કુલમાં શિક્ષીકા તરીકે ફરજ બજાવતા રીટાબેન હિતેશભાઇ રામાણી એ જસદણ ચિતલીયા રોડ લાભ વાટીકા સોસાયટીમાં રહેતા નરેન્‍દ્ર વિષ્‍ણુભાઇ લશ્‍કરી અને જયદેવ વિષ્‍ણુભાઇ લશ્‍કરી સામે જસદણ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. ફરીયાદમાં જણાવ્‍યા મુજબ આરોપીનું બાળક સ્‍કુલમાં અભ્‍યાસ કરતું હોય અને તે બે દિવસથી ગેરહાજર હોય જે બાબતે ફરીયાદી શિક્ષીકાએ આરોપીઓને બાળક કેમ ગેરહાજર હતું તેમ પૂછતા આરોપીઓએ કહેલ કે અમારા બાળકોને કાંઇ નહિં કહેવાનું જે કહેવાનું હોય તે અમને કહો તેમ કહી ઉશ્‍કેરાઇ જઇ આરોપી જયદેવે પહેરેલ બુટ કાઢી ફરીયાદી શિક્ષીકાને મારેલ તેમજ આરોપી નરેન્‍દ્રએ ફરીયાદી શિક્ષીકાનું ગળુ પકડી ધકો મારી પતાવી દેવાની ધમકી આપી હતી.આ ફરીયાદ અન્‍વયે જસદણ પોલીસે ઉકત બંન્‍ને સામે ગુન્‍હો દાખલ કરી ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્‍યું હતું.

(2:24 pm IST)