Gujarati News

Gujarati News

News of Wednesday, 14th September 2022

કેશોદની આંગણવાડી વર્કર અને હેલ્‍પર બહેનો ત્રણ દિવસની હડતાળ પર ઉતરી

આંગણવાડી મંડળના પ્રમુખે સમસ્‍યા ઉકેલી શકે નહીં તો ખુરશી છોડવા લલકાર કર્યો

 (સંજય દેવાણી દ્વારા) કેશોદ,તા.૧૪ : સમગ્ર રાજ્‍યમાં આંગણવાડી કેન્‍દ્રો પર ફરજ બજાવતાં વર્કર બહેનો અને હેલ્‍પર બહેનો છેલ્લાં આઠેક માસથી વિવિધ પ્રશ્‍નો અંગે સરકાર માં રજુઆત કરી વિરોધ પ્રદર્શન કરી રહી છે ત્‍યારે સાંત્‍વના આપી નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી ત્‍યારે સમગ્ર રાજ્‍યમાં આપવામાં આવેલ એલાન મુજબ કેશોદ શહેર તાલુકામાં આવેલ તમામ આંગણવાડી કેન્‍દ્રો પર ફરજ બજાવતાં વર્કર બહેનો અને હેલ્‍પર બહેનો તારીખ તેરમી સપ્‍ટેમ્‍બર થી ત્રણ દિવસ સરકારી કામકાજ થી દુર રહી વિરોધ પ્રદર્શન કર્યું હતુ. કેશોદ આંગણવાડી મંડળના પ્રમુખ હંસાબેન ઝાલાએ સરકારને પડકાર ફેંકયો હતો કે બહેનોને યશોદા એવોર્ડ નહીં આપો તો ચાલશે પણ અમારી સમસ્‍યાઓ અને માંગણીઓ ઉકેલી શકાય તેમ ન હોય તો ખુરશી છોડવા લલકાર કર્યો છે. કેશોદના શરદચોક વિસ્‍તારમાં થી સુત્રોચ્‍ચાર સાથે રેલી સ્‍વરૂપે મુખ્‍ય માર્ગો પર નીકળી હતી ત્‍યારે વિરોધ પક્ષના રાજકીય આગેવાનો ઉપસ્‍થિત રહીને સમર્થન આપ્‍યું હતું. રાજ્‍ય સરકાર દ્વારા મોબાઈલ ફોન દ્વારા એપ્‍લિકેશન ડાઉનલોડ કરી સમગ્ર પધ્‍ધતિ નું ડીઝીટલાઈજેશન કરવાનું નક્કી કર્યું છે જેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. છાશવારે આંગણવાડી કેન્‍દ્રો પર ગેરરીતિઓનાં કિસ્‍સા પ્રકાશમાં આવતાં હોય છે ત્‍યારે રાજ્‍ય સરકાર દ્વારા પારદર્શકતા લાવવા પ્રયત્‍ન કર્યો છે ત્‍યારે વિરોધ ઉઠતાં શું વર્કર અને હેલ્‍પર બહેનોની માંગણી સબબ સરકારશ્રી ધ્‍વારા આવનારા દિવસોમા યોગ્‍ય ન્‍યાય મળશે? તેવુ ચર્ચાઇ રહ્યું છે.

(2:15 pm IST)