Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

મોરબીમાં છાશવારે આખલા યુદ્ધ : લોકો ભયભીત:શનાળા બાયપાસ નજીકના વિસ્તારમાં આખલા યુદ્ધ થતા વાહનોને નુકસાન

લોકોને ખુંટીયાના ત્રાસમાંથી મુક્તિ આપવા નક્કર કાર્યવાહીની માંગ

મોરબી : મોરબીમાં હમણાંથી રસ્તે રઝળતા ઢોરનો આતંક વધ્યો છે. વરસાદી વાતાવરણને પગલે માર્ગો તેમજ અનેક વિસ્તારો ઢોરવાડામાં ફેરવાયા હોય એમ જ્યાં જુઓ ત્યાં રખડતા ઢોરનો અંડીગો જોવા મળી રહ્યો છે. આથી છાસવારે આખલા યુદ્ધથી લોકો ભયભીત બની ગયા છે. તેમાંય આજે શનાળા બાયપાસ નજીકના વિસ્તારમાં આખલા યુદ્ધ થતા વાહનોને નુકસાન થયું હતું.
મોરબીમાં લાંબા સમયથી રઝળતા ઢોરનો ત્રાસ છે. તેમાંય હમણાંથી વરસાદી વાતાવરણને પગલે મોટાભાગના ઢોર ખુલ્લામાં એટલે જાહેર રસ્તાઓ અને રહેણાક વિસ્તારમાં આવી જઈને નિવાસસ્થાન બનાવી દેતા લોકોની હાડમારી વધી છે. જાહેર રોડ કે રહેણાક વિસ્તારમાં બેસેલા કે ઉભેલા રખડતા ઢોર વચ્ચે ક્યારે લડાઈ થાય તે નક્કી જ નથી હોતું. ગમે ત્યારે આખલા યુદ્ધ થાય છે. આ ખૂટીયાઓ જાહેરમાં લડી ઝઘડી પડીને ટ્રાફિકને બાનમાં લઈ ભારે આંતક મચાવે છે. તેમજ વાહનોને અને લોકોને પણ નુકશાન પહોંચાડે છે. આખલા યુદ્ધને કારણે લોકોના જીવ પણ ગયાના બનાવો બન્યા છે.
દરમિયાન આજે તો ખુટિયાઓએ હદ કરી નાખી હતી. જેમાં મોરબીના શનાળા બાયપાસ નજીક આવેલ.લાયન્સનગર પ્રાથમિક શાળા પાસે બે ખુટિયાઓએ દંગલ મચાવ્યું હતું અને બન્ને ખુટિયાઓએ આ જાહેર રોડ પર સમાસમા શિંગડા ભરાવીને દંગલ મચાવતા આ વિસ્તારમાં રહેલા નાના મોટા વાહનોને નુકશાન કર્યું હતું. આથી આ વિસ્તારના લોકો ભયભીત બની ગયા હતા. આ વિસ્તારમાં ઘણા જ ખુટિયાઓ રખડતા હોય અને આખલા યુદ્ધ થતા હોવાથી વહેલી તકે ઢોર પકડ ઝુંબેશ શરૂ કરવા આ વિસ્તારના સામાજિક કાર્યકર અબ્દુલભાઈ બુખારીએ નગરપાલિકાના ચીફ ઓફિસરને રજુઆત કરી છે.

(7:26 pm IST)