Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

ઓઝત નદી પરના ડેમનાં દરવાજા ખોલવામાં આવતા ધેડ પંથકના પાળા તૂટવાની સાથે ખેતરોમાં પાણી ફરી વળ્યા

(કિશોરભાઈ દેવાણી દ્વારા) કેશોદ,તા. ૧૪:  કેશોદ પંથકમાં ગાજવીજ સાથે શરૂ થયેલો વરસાદ ગઈકાલ સાંજે સુધી ચાલુ રહેતાં ચાર ઈંચ વરસાદ સાથે મોસમનો કુલ ૨૯ ઈંચ વરસાદ નોંધાયો છે. કેશોદ શહેરમાં આવેલી નદીઓ માં પુર આવતાં પાણી વહેતાં થયાં હતાં.

કેશોદ તાલુકાના દ્યેડ વિસ્તારમાં થી પસાર થતી સાબળી નદી અને ઓઝત નદી માં પુર આવ્યાં હતાં. ઓઝત નદીનાં બાંધવામાં આવેલ ડેમ માં ઓઝત ડેમ શાપુર નાં ૮ દરવાજા ખોલવામાં આવતાં ૩૬૧૦૬ કયુસેક પાણી છોડવામાં આવ્યું હતું અને ઓઝત ડેમ વંથલીનાં બાર દરવાજા ખોલવામાં આવતાં ૩૬૧૬૫ કયુસેક પાણી છોડવામાં આવ્યું હતું જેનાં કારણે કેશોદ તાલુકાનાં બામણાસા, બાલાગામ સહિતના દ્યેડ વિસ્તારમાં પાણી ફરી વળતાં ઠેર-ઠેર જળબંબાકાર થઈ ગયો છે. કેશોદના દ્યેડ વિસ્તારમાં બનાવવામાં આવેલ પાળા તુટવાની સાથે ખેતરોમાં પાણી ફરી વળ્યા છે અને બામણાસા નજીક બનાવવામાં આવેલ પાળા ઉપરથી પાણી વહેતાં થયાં હતા.

કેશોદ તાલુકાના નિચાણવાળા વિસ્તારોમાં વસવાટ કરતાં લોકોને સલામત સ્થળે ખસી જવાની અપીલ તાલુકા વિકાસ અધિકારી દ્વારા કરવામાં આવી છે. કેશોદના બામણાસા બાલાગામ સહિતના વિસ્તારોમાં પાણી ફરી વળતાં બચાવ કામગીરી માટે હોડીની માંગણી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા ત્રણ દિવસ વરસાદ પડવાની સંભાવના દર્શાવી છે ત્યારે કેશોદ વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ ને પહોંચી વળવાનું આયોજન કર્યું છે. કેશોદ શહેરમાં જીલ્લા કક્ષાનું ફાયર સ્ટેશન ફાળવવામાં આવેલ છે ત્યારે ફાયર સેફ્ટી ની કામગીરી જ કરવા અને દંડવા બનાવવામાં આવ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. કેશોદ શહેર તાલુકામાં સરેરાશ ધીમીધારે વરસાદ પડતાં ખેડૂતો માં ખુશી વ્યાપી ગઈ છે. 

(1:32 pm IST)