Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

વાંકાનેરમા ચાંદીના રથ સહિત ૧૧ રથ સાથે જળજાત્રાનો ભવ્ય વરઘોડો (શોભાયાત્રા)નિકળી

(નિલેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા.૧૪ : ૮ દિવસના પર્યુષણ પર્વનો સંવત્સરીનો દિવસ પર્વાધિરાજ છે. પુર્વ પુણ્યના યોગે મળેલો મનુષ્યભવ અને જિનશાસન દ્વારા પરમાત્માની ભકિત સાથે આજે પુણ્યનું પોષણ અને પાપનું શોષણ કરવાનો તથા આત્મ જાગૃતિથી, પ્રાયશ્ચિત કરવાનો દિવસ છે. સર્વજીવોની ક્ષમા માંગી આપણા આત્માને નિર્મળ બનાવીએ, એમ સાધ્વીજી ભગવંતો મૈત્રીદર્શિતાશ્રીજી અને સમકિતરત્નાશ્રીજીએ બારસાસુત્રના વાંચન દરમિયાન જણાવ્યું હતુ.

સર્વજીવોની ક્ષમાપના કરવાથી આત્મા વિષય કષાયોથી મુકત થતા સ્વભાવ સરળ બને છે. મન નિર્મળ બને છે. આરાધના આત્મલક્ષી બને છે. જે મનુષ્યભવને કર્મોની નિર્જરા કરાવતા મનની જીવનની અને પરિવારની શાંતિ આપે છે એમ વ્યાખ્યાનમાં સાધ્વીજી ભગવંતોએ જણાવ્યુ હતુ.

જળ જાત્રાના વરઘોડા માટે ચાંદીના રથમાં પ્રભુજીને લઇ બેસવા સાથે ચાંદીના પારણા, મેરૂ પદ્મસરોવર છડી, ૧૪ સ્વપ્નોની ઉછામણીમાં લાભ લેનારા ભાગ્યશાળી કુટુંબો શણગારેલા વાહનોમાં જોડાયા હતા. જૈન શ્રાવક શ્રાવિકાઓની વિશાળ સંખ્યામાં આ વરઘોડામાં બંને સાધ્વીજી ભગવંતો સાથે જોડાઇ હતી.

ભાદરવા સુદ પાંચમનો ભગવાનનો આ વરઘોડો સૌથી વધારે આકર્ષક, ભકિતભાવથી છલકાતો અને પર્યુષણપર્વને યાદગાર બનાવે છે.

જૈનસંઘના પ્રમુખ પ્રવિણભાઇ દોશી,  મંત્રી રાજુભાઇ મહેતા, પુર્વ સાંસદ લલીતભાઇ મહેતા, ટ્રસ્ટી પ્રવિણભાઇ શાહ, ડો.અમીનેષ શેઠ, ભૂપતભાઇ મહેતા, નિતીસુરી મહિલા મંડળના નિલાબેન દોશી, જયશ્રીબેન દોશી તથા સામુહિક મંડળ સ્નાત્ર મંડળના શ્રાવિકાઓ જોડાયા હતા.

વાંકાનેર શહેરના મુખ્યમાર્ગો પર ફરી વરઘોડો દેરાસરજી પહોચ્યો ત્યા સુધી ચાંદીના રથને જૈન યુવાનોએ જ ખેંચી ચલાવ્યો હતો તેમજ ભગવાનની ચાંદીની પાલખી પણ આ યુવાનોએ જ ઉપાડી હતી. ભગવાનને પાંચ પોખણાથી વધાવી આ વરઘોડો દેરાસરજીએ પુરો થતી વખતે પ્રભાવના તથા સ્વામિવાત્સલ્ય જમણ જોડાયા હતા.

જળયાત્રાના વરઘોડામાં ૧૧ રથ, ૯ અશ્વ,  ર બેન્ડપાર્ટી સાથેની ભવ્ય શોભાયાત્રા રાજમાર્ગો ઉપર ફરી દરબારગઢ રોડ ઉપર આવેલ દેરાસર પહોચી હતી જયા ભગવાનના પોખણા સાથે પુર્ણ થઇ હતી.

(12:04 pm IST)