Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

જામકંડોરણા-ગોંડલ રોડ ઉપર ફોફળ નદીનો પુલનો એક ભાગ ધરાશાયી

એક જ દિવસમાં ૧૦ ઇંચ વરસાદથી સર્વત્ર પાણી-પાણીઃ મોજ ખીજડીયામાં ઘરોમાં પાણી ઘુસ્યાઃ ગુંદાસરીમાં મકાન પડયુ

(મનસુખ બાલધા દ્વારા) જામકંડોરણા તા. ૧૪ :.. જામકંડોરણામાં રવિવારની રાત્રીથી અવિરત મેઘસવારી ચાલુ રહેતા ગઇકાલે સોમવારે સાંજ સુધીમાં જામકંડોરણામાં દશ ઇંચ વરસાદ વરસી ગયો હતો આ એક જ દિવસમાં દશ ઇંચ વરસાદ પડતા સમગ્ર પંથકમાં નદી નાળા ચેક ડેમો છલકાઇ ગયા હતાં. નદીઓ ગાંડુતુર  બની હતી સમગ્ર પંથકમાં આ સારા વરસાદના પરિણામે જામકંડોરણાના ફોફળ ડેમમાં એક જ દિવસમાં સાડા સતર ફુટ નવા પાણીની ધીંગી આવક થતાં જામકંડોરણાનો ફોફળ ડેમ સંપૂર્ણ ભરાઇને કાલે સાંજના પાંચ વાગ્યે ઓવરફલો થઇ ચૂકયો છે.

જામકંડોરણા તાલુકાના મોજખીજડીયા, જામદાદર, માત્રાવડ, ગુંદાસરી સહિતના ગામોમાં ૧પ ઇંચ જેટલો વરસાદ પડતા આ ગામોમાં નીચાણવાળા વિસ્તારના મકાનોમાં પાણી ભરાયા હતાં. જામકંડોરણા મામલતદાર વી. આર. મુળીયાસીયા તથા તાલુકા વિકાસ અધિકરી ડી. ડી. પટેલે સ્થળે પહોંચી મોજખીજડીયા માંથી ચિત્રાવડની શાળમાં  લોકોનું સ્થળાંતર કરવામાં આવેલ હતું.

જામકંડોરણા તાલુકાના ગુંદાસરીમાં ભારે વરસાદથી ગામમાં બે મકાનો ધરાશાયી થવા પામ્યા છે તેમણજ ઘણા ઘરોમાં ઘર વખરીનો સામાન પલળી ગયો છે તેમજ સહકારી મંડળીના મકાનમાં પાણી ઘુસી જતાં ખાતર તથા સસ્તા અનાજનો જથ્થો પલળી ગયો છે તેમજ દૂધ મંડળીના મકાનમાં પાણી ઘુસી જતાં દૂધ મંડળીના કોમ્પ્યુટર તેમજ અન્ય વસ્તુઓને નુકસાન થવા પામ્યું છે. અન્ય કોઇ જાનહાની નથી.

જામકંડોરણા ગોંડલ હાઇવે રોડ પર ફોફળ નદી પરનો પુલનો અમુક ભાગ ફોફળ નદીમાં જોરદાર પૂર આવવાના કારણે ધરાશાયી થઇ ગયો છે. જેથી જામકંડોરણાથી ગોંડલનો વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. કાલે સાંજે આ ફોફળ નદીના ભયંકર પુરને કારણે પુલ ઉપરથી પાણી વહી રહયું હતું.  આ જોરદાર પાણીની આવકને લીધે ગઇકાલે રાત્રે જામકંડોરણાનો ફોફળ ડેમ દશ ફુટ સુધી ઓવરફલો થયો હતો જયારે હાલ પાંચ ફુટે ઓવરફલો થઇ રહ્યો છે.

(11:45 am IST)