Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

ઉના-ગીર ગઢડામાં ૪ થી ૪ાા ઇંચઃ મચ્છુન્દ્રી ડેમ ઓવરફલો

ડેમના હેઠાણવાસના ગામોના લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરીઃ રાવલ ડેમના ર દરવાજા અર્ધો ફુટ ખોલ્યા

(નવીન જોષી દ્વારા) ઉના, તા., ૧૪: ઉના અને ગીર ગઢડા તાલુકામાં આજે સવારે છેલ્લા ર૪ કલાક સુધીમાં સરેરાશ ૪ થી ૪ાા ઇંચ વરસાદ વરસી ગયો હતો.

ઉનાની જીવાદોરી સમાન મચ્છુન્દ્રી ડેમ ગઇકાલે ૯૮ ટકા ભરાય ગયા બાદ ડેમમાં પાણીની આવક ચાલુ રહેતા આજે સવારે  મચ્છુન્દ્રી ડેમ ઓવરફલો થઇ ગયેલ છે. રાવલ ડેમમાં ઉપરવાસથી પાણીની આવક સતત ચાલુ રહેતા લેવલ જાળવવા બે દરવાજા અર્ધો ફુટ ખોલવામાં આવ્યા છે. મચ્છુન્દ્રી ડેમના હેઠાણવાસના ગામોને સલામત સ્થળે ખસેડવા તથા લોકોને નદીના પટ્ટમાં નહી જવા ચેતવણી અપાઇ રહી છે.

ઉના ગીરગઢડા તાલુકાના રાવલડેમ ઉપર ઉપરવાસ જંગલમાં વરસાદ વરસતા ડેમમાં પ્રતિ કલાક ૧ર૪ર કયુસેક પાણીની આવક આવતા ૧૯ મીટરનું લેવલ જાળવવા બે દરવાજા ૧પ સે.મી. (અડધો ફુટ) ખોલાતા રાવલ નદીમાં ઘોડાપુર આવેલ હતું. ડેમના હેઠાણવાળા ૧૪ ગામોને સાવચેત કરાયા છે. મચ્છુન્દ્રી ડેમમાં ઉપરવાસ જંગલમાં વરસાદ વરસતા ૪૦ સે.મી. પાણીની આવક થતા ગઇકાલે રાત્રે ૯.૭૦ મીટર ભરાયો છે. ૯૮ ટકા ડેમ ભરાયો છે અને આજે સવારે મછુન્દ્રી ડેમ ઓવરફલો થયો છે. મછુન્દ્રી નદી હેઠાણવાળા ગીર ગઢડા અને  ઉના તાલુકાના હેઠાણવાસના ગામોમાં લોકોને ગઇકાલે સાવચેત કરાયા બાદ  આજે લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહેલ છે.

ઉના તાલુકાના ગ્રામ્ય પંથક ખાપટ, ભાચા, કંસારી, હેમવાડા, નવા બંદર, સામતેર, સીમર, સનખડા વિગેરે ગામોમાં ૧ થી બે ઇંચ વરસાદના અહેવાલ મળેલ છે. ઉનાનો મોસમનો કુલ ર૦ ઇંચ વરસાદ થયો છે.

(11:44 am IST)