Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

તળાવ ઉંડુ ઉતાર્યા વગર ૧૧.૪૫ લાખ ખર્ચાઇ ગયા : સાંસદ મોહનભાઇએ ભાંડો ફોડયો

મોરબીના પાનેલી ગામે તળાવ ઉંડુ ઉતરી ગયુ.. રૂપિયા ખર્ચાઇ ગયા પરંતુ સરપંચ - તલાટી અજાણ : સિંચાઇ વિભાગ સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ : સાંસદ કુંડારિયાએ ગ્રામ પંચાયતને પત્ર મોકલ્યો અને કૌભાંડનો પર્દાફાશ થયો

મોરબી તા. ૧૪ : જિલ્લામાં પાનેલી ગામે તળાવ ઉંડુ ઉતારવાના નામે રૂ. ૧૧.૪૫ લાખનું જબરૂ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો પર્દાફાશ સાંસદ મોહનભાઇ કુંડારિયાએ કરતા ખળભળાટ મચી ગયો હતો.

આ અંગેની વિગતો મુજબ  સિંચાઈ વિભાગ મોરબી દ્વારા વર્ષ ૨૦૧૮-૧૯ માં તળાવ ઊંડા ઉતારવાની કામગીરી કરવામાં આવી હોય જેમાં પાનેલી ગામમાં તળાવ ઊંડું ઉતાર્યાની કામગીરીથી ગામના સરપંચ અને તલાટી જ અજાણ છે તો ૧૧.૭૪ લાખનો ખર્ચ થયો તે પણ ખબર ના હોવાનો ઘટસ્ફોટ થયો છે. સાંસદ મોહનભાઈ કુંડારિયાએ પાનેલી ગ્રામ પંચાયતના સરપંચને પત્ર લખ્યો છે જેમાં ગામમાં તળાવ ઊંડા ઉતારવાનું કામ રૂ. ૧૧.૭૪ લાખના ખર્ચ થયો છે તે ખર્ચ ખરેખર થયો છે કે કેમ ? તેનો વિગતવાર અહેવાલ મોકલી આપવા જણાવ્યું છે તો આ મામલે ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી મંત્રી જ આ ખર્ચથી અજાણ છે અને સાંસદનો પત્ર મળ્યા બાદ તેને તળાવ ઊંડું ઉતારવાની કામગીરી અંગે જાણવા મળ્યું હતું તેમજ ગામમાં તળાવની કોઈ કામગીરી પણ થઇ ના હોય તો ખર્ચ કોને ચોપડે ચડાવી દીધો તે તપાસનો વિષય છે અને અગાઉ તળાવ ઊંડા ઉતારવાની કામગીરીમાં ભ્રષ્ટાચારના થયેલા આક્ષેપો થયા હતા તો આ પ્રકારના કિસ્સા પણ સામે આવી રહ્યા છે આ મામલે ગામના તલાટી મંત્રી રામાનુજ ભાઈ સાથે સંપર્ક કરતા તેમને જણાવ્યું હતું કે તળાવ કામગીરી બાબતે તેઓ અજાણ છે અને કોઈ જાતની માહિતી તેમની પાસે નથી.

રવિવારે જિલ્લા આહિર કર્મચારી મંડળનો સરસ્વતી સન્માન સમારોહ

મોરબી જીલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા તા. ૧૬ને રવિવારે બપોરે ૨.૩૦ કલાકે મહેન્દ્રસિંહજી ટાઉન હોલ મોરબી ખાતે નવમો સરસ્વતી સન્માન સમારોહ યોજાશે. જેમાં મોરબી જીલ્લા વિસ્તારના સમસ્ત આહીર સમાજના વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવશે. સરસ્વતી સન્માન સમારોહમાં અધ્યક્ષસ્થાને મોરબી આહીર સમાજના પ્રમુખ લાખાભાઈ જારીયા, મહંત જગન્નાથ મહારાજ, રજીસ્ટ્રાર ગુજરાત રેવન્યુ ટ્રીબ્યુનલ ગાંધીનગરના જયશ્રીબેન કુંડારિયા, મહંત ભાવેશ્વરીબેન, ચંદુભાઈ હુંબલ, વાંકાનેર સીટી પીઆઈ બી. ટી વાઢીયા, આપાભાઈ કુંભરવાડિયા અને દેવાભાઈ અવાડીયા, સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે સમારોહને સફળ બનાવવા મોરબી જીલ્લા આહીર કર્મચારી મંડળના પ્રમુખ અજયભાઈ ડાંગર અને મંત્રી મયુરભાઈ ગજીયા સહિતના હોદેદારો અને કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે.

રાજ્યની ડીજી વિજીલન્સ ટીમમાં મોરબીના પોલીસ જવાનનો સમાવેશ

રાજયના ડીજી વિજીલન્સ ટીમમાં તાજેતરમાં છ પોલીસ કર્મચારીઓનો કરાયેલો સમાવેશની યાદી મુજબ પંચમહાલ ગોધરાના મહેશકુમાર નરવતસિંહ, મોરબીના જયસુખભાઈ પ્રવીણભાઈ વશીયાણી, મહેસાણાના રહેમતુલ્લાખાન આજમખાન, મહેસાણાના મહેશકુમાર લવજીભાઈ, બનાસકાંઠાના મુકેશકુમાર ડાયાલાલ અને અમદાવાદના કિશોરભાઈ બાબુભાઈનો સમાવેશ કરવામાં આવ્યો છે.

મોરબીના નાની વાવડી ચાર રસ્તાને 'અટલ' ચોક નામ આપવાની માંગ

મોરબી તા. ૧૪ : વિજયશ્રી માનવ સેવા ટ્રસ્ટના ચેરમેન દ્વારા મોરબી-કચ્છ બાયપાસ રોડ ઉપર આવેલ નાની વાવડી ચાર રસ્તાને 'અટલ ચાર રસ્તા' (અટલચોક) નામ આપવા અંગે જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી છે.

ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અને 'ભારત રત્ન' અટલબિહારી વાજપેયીજીનું દુઃખદ અવસાન તા. ૧૬-૦૮-૧૮ ના રોજ થયું હતું જેમની પ્રથમ માસિક પુણ્યતિથી તા. ૧૬-૦૯-૧૮ઙ્ગ ના રોજ આવી રહી છે ત્યારે દેશની ૧૨૫ કરોડથી વધુ લોકોના પ્રિય અટલબિહારી વાજપેયીજી આપણાં 'અટલજી'ના અવસાનથી દેશને ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. પરમ શ્રદ્ઘેય અટલજીને શ્રદ્ઘા સુમન અર્પણ કરવા તેઓની પ્રત્યેની આત્મીયતા અનુસંધાને મોરબી જિલ્લા મથક ખાતે તા. ૧૨-૦૯ ના રોજ વિજયશ્રી માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સર્વ ટ્રસ્ટી મંડળ તથા સભ્યોની ઉપસ્થિતિમાં સર્વ સંમતિથી ઠરાવ કરવામાં આવ્યો હતો કે મોરબી-કચ્છ બાયપાસ રોડ ઉપર આવેલ નાની વાવડી ચાર રસ્તાને 'અટલ ચાર રસ્તા' (અટલચોક) નામ આપવામાં આવે. તેથી સમગ્ર ટ્રસ્ટ પરિવારના સભ્યો દ્વારા કરવામાં આવેલ માંગણી અનુસંધાને વિજયશ્રી માનવ સેવા ટ્રસ્ટનાઙ્ગચેરમેન વિજયભાઇ લોખીલ દ્વારા મોરબી જિલ્લા કલેકટર આર.જે. માકડિયાને લેખિત રજૂઆત કરવામાં આવી છે કે મોરબી-કચ્છ બાયપાસ રોડ ઉપર આવેલ નાની વાવડી ચાર રસ્તાને 'અટલ ચાર રસ્તા' (અટલચોક) નામ આપવામાં આવે.

(3:45 pm IST)