Gujarati News

Gujarati News

News of Sunday, 14th July 2019

ગીર ગાય દૂધ હરિફાઇમાં મોરબીના પશુપાલકની ગાય પ્રથમ :સરકાર દ્વારા 51,000નું ઇનામ જીતી

દૂધ હરિફાઈમાં રાજકોટ વિભાગમાં મોરબી જિલ્લાના 20 પશુપાલકોએ ભાગ લીધો

મોરબી :ગીર ગાય દૂધ હરીફાઈમાં મોરબીનાપશુપાલકની ગીર ગાયએ પ્રથમ સ્થાન મેળવી ૫૧ હજારનું ઈનામ જીતી છે સરકાર દ્વારા આ ઇનામ એનાયત કરવામાં આવ્યા છે.

  રાજ્યમાં પશુપાલનના વ્યવસાયને વેગ મળે અને સારી ઓલાદના પશુઓ બાબતે પશુપાલકોમાં જાગૃતિ આવે તેવા ઉદ્દેશ સાથે રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ત્રીસ વર્ષથી દૂધ હરિફાઈની યોજના અમલમાં મૂકી છે સમગ્ર રાજ્યમાં વિવિધ વિભાગોમાં યોજવામાં આવેલ દૂધ હરિફાઈમાં રાજકોટ વિભાગમાં મોરબી જિલ્લાના 20 પશુપાલકોએ ભાગ લીધો હતો.જેમાં ગીર ગાયની હરિફાઈમાં મોરબી શહેરના પશુપાલક મહિપાલસિંહ પૃથ્વીસિંહની ગીર ગાય સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાને આવતા તેમને રાજ્ય સરકાર વતી મોરબી જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.એમ.ખટાણાએ રૂપિયા 51000/- નો ચેક પુરસ્કાર રૂપે અર્પણ કર્યો હતો.
રાજકોટ વિભાગની દૂધ હરિફાઈમાં પ્રથમ આવ્યા બાદ મોરબી શહેરના પશુપાલકશ્રી મહિપાલસિંહ જાડેજા એ આનંદિત સ્વરે જણાવ્યું હતુ કે, આ પહેલા પણ 2013-14ના વર્ષમાં યોજાયેલ ગીર ગાયની દૂધ હરિફાઈમાં મે ભાગ લીધો હતો ત્યારે મારી ગાય 23 કિ. ગ્રામ દૂધ સાથે બીજો નંબર આવ્યો હતો. પરંતુ આ વખતે મારી ગીર ગાયનું કુલ 28.66 કિ. ગ્રામ એટલે 31 લિટર.400 મિલી ગ્રામ દૂધ ઉત્પાદન નોંધાતા પ્રથમ નંબર મળ્યો છે.
₹ તેમણે ગીર ગાયની માવજત અને દૂધ ઉત્પાદન બાબતે જણાવ્યું હતુ કે, મારી પાસે હાલ એક ગાય અને બે વાછરડી છે. તેના માટે પશુ ડોકટરશ્રીઓ સમયાંતરે મારે ત્યાં વિઝીટે આવે છે, અને જરૂર પડે ત્યારે આ પશુઓનું રસીકરણ પણ કરવામાં આવે છે. પશુપાલન વિભાગ દ્વારા આ માટે પુરતુ માર્ગદર્શન પણ મને મળ્યું છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, રાજ્યના પશુપાલકો સારી ઓલાદના પશુપાલન થકી આર્થિક રીતે સક્ષમ બને અને પશુપાલનના વ્યવસાયને વેગ મળે તે માટે રાજ્યના પશુપાલન વિભાગ દ્વારા વિવિધ કાર્યક્રમોની સાથે પશુ આરોગ્ય મેળાઓ અને જાગૃતી શિબિરો યોજવામાં આવે છે.

(6:32 pm IST)