Gujarati News

Gujarati News

News of Thursday, 14th May 2020

COVID-19 અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લા કંટ્રોલ રૂમની કામગીરી તથા જિલ્લા કોવિડ ટીમની કામગીરી ચકાસવા જિલ્લા કલેકટર કે. રાજેશ બન્યા અરજદાર

 સુરેન્દ્રનગર  :  ‘‘ગાયત્રી પાર્ક સોસાયટી ૮૦ ફુટ વઢવાણ-સુરેન્દ્રનગરમાં રાજસ્થાનથી આશરે ૧૫ લોકો આવેલા છે, જેની કોઈ તપાસ થતી નથી કે ક્વોરોન્ટાઇન કરતા નથી. ’’ સુરેન્દ્રનગર જિલ્લાના કલેકટરશ્રી કે. રાજેશે આજે એક અરજદાર તરીકે સુરેન્દ્રનગર જિલ્લા કંટ્રોલ રૂમ નંબર ૧૦૭૭ ઉપર અન્યના નામે ફોન કરી ફરિયાદ કરી હતી.

            વાત એવી છે કે, સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરશ્રી કે. રાજેશે કોરોના વાઈરસની મહામારીના સમયમાં સુરેન્દ્રનગર જિલ્લા કન્ટ્રોલ રૂમની કામગીરી ચકાસવા અને એક અરજદાર તરીકે  કરેલી ફરિયાદનો કન્ટ્રોલ રૂમ તરફથી કેવો પ્રતિભાવ આવે છે ?  તથા આ બાબતમાં કોવિડ અંતર્ગત જોડાયેલ ટીમ શુ કાર્યવાહી કરે છે ? તેની તપાસણી અર્થે સુરેન્દ્રનગરના એક સામાન્ય નાગરિક તરીકે તેમણે સુરેન્દ્રનગર જિલ્લા કન્ટ્રોલ રૂમની સાથે રાજય કન્ટ્રોલના હેલ્પ લાઈન નંબર  ૧૦૪ ઉપર પણ ફોન કરી જણાવ્યું હતુ કે, સુરેન્દ્રનગરના ગાયત્રી પાર્ક સોસાયટીમાં રાજસ્થાનથી ૧૫ જેટલા લોકો આવી ગયા છે અને તેની કોઈ તપાસ પણ થતી નથી.

            કન્ટ્રોલ રૂમને મળેલ ફરિયાદ સંદર્ભે તાત્કાલિક સુરેન્દ્રનગર જિલ્લાની કોવિડ ટીમ સાથે જોડાયેલા જિલ્લા કન્ટ્રોલ રૂમ, જિલ્લા આરોગ્ય તંત્ર, તાલુકા હેલ્થ ટીમ, પોલીસ ટીમ દ્વારા તાત્કાલિક ગાયત્રી પાર્ક સોસાયટી, ૮૦ ફુટ રોડ, વઢવાણ-સુરેન્દ્રનગરના લખાવેલ સરનામે ત્વરિત પહોંચી જઈ વિગતો મેળવવા પરેપુરા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. પરંતુ આ બાબતની કોઈ જ પ્રકારની માહિતી ટ્રેસ થતી ન હોવાથી આ ટીમ દ્વારા ફોનથી વારંવાર અરજદારના મોબાઈલ ઉ૫ર સંપર્ક કરવામાં આવ્યા હતા, અંતે આ પ્રકારના કોઈ વ્યક્તિ ન મળી આવતા તંત્રે અને ટીમોએ હાશકારો અનુભવ્યો હતો. જિલ્લા કલેકટરશ્રીએ એક અરજદાર તરીકે તેમણે કરેલ ફરિયાદ બાબતે કોરોના અંતગર્ત જોડાયેલ ટીમ દ્વારા થયેલ ત્વરિત કામગીરીને બિરદાવી હતી.

(8:40 pm IST)