Gujarati News

Gujarati News

News of Thursday, 14th May 2020

બે વિઘામાં ડુંગળીનો પાક નિષ્ફળ જતા ખેડૂતનો આપઘાત

ભાવનગર જિલ્લાના ઈસરો ગામે ભૂપતભાઈ શંભુભાઈ જેઠવાએ ગળેફાંસો ખાઈ મોત મીઠુ કરી લીધુ

ભાવનગર, તા. ૧૪ :. ભાવનગર જિલ્લામાં ખેડૂતને ડુંગળીના પુરતા ભાવ ન મળતા અને માર્કેટીંગ યાર્ડ સુધી ડુંગળી વેચવા માટે લઈ જવાના પૈસા ન હોવાથી ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે.

પ્રાપ્ત માહિતી મુજબ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ઈસરો ગામે રહેતા ખેડૂત ભૂપતભાઈ શંભુભાઈ જેઠવાએ પોતાની વાડીમાં ડુંગળીનું વાવેતર કર્યુ હતું. બે વિઘામા ડુંગળીનું ઉત્પાદન કર્યા બાદ પુરતા ભાવ મળતા ન હતા અને ડુંગળી લઈને વેચવા માટે જવાના પૈસા પણ ન હોવાથી આ ખેડૂત ગુમસુમ રહેતા હતા.

ત્યાર બાદ ખેડૂત ભૂપતભાઈ શંભુભાઈ જેઠવાએ ડુંગળીનો પાક ઘેટા-બકરા સહિતના પશુઓને ખવડાવી દીધો હતો.

ત્યાર બાદ આજે બપોરે ખેડૂત ભૂપતભાઈ શંભુભાઈ જેઠવાએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે લોકડાઉનને કારણે લોકો-ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે અને ડુંગળીના ભાવો પણ ગગડી જતા ખેડૂતોને રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે. તેવા સમયે ખેડૂતે આપઘાત કરી લેતા સમગ્ર ભાવનગર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

(1:42 pm IST)