Gujarati News

Gujarati News

News of Thursday, 14th May 2020

દુષ્કર્મની ફરીયાદ ન લેવાતા જસદણની યુવતીનો પોલીસ મથકમાં આપઘાતનો પ્રયાસઃ રાજકોટ ખસેડાઇ

ફૈબાના દિકરા મનોજ સહિત ૪ શખ્સોએ અપહરણ કરી મૈત્રી કરારમાં સહી કરાવી લીધી બાદમાં મનોજ એક વર્ષ સુધી દુષ્કર્મ ગુજારતો રહ્યોઃ મહિનાઓ સુધી ફરીયાદ ન લેવાતા કંટાળી ફિનાઇલ ગટગટાવ્યું

જસદણ તા. ૧૩: દુષ્કર્મનો ભોગ બનેલી જસદણની યુવતીની મહિનાઓ સુધી પોલીસ ફરિયાદ ન લેવાતા પોલીસ મથકમાં ફિનાઇલ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરતા પોલીસ બેડામાં ચકચાર જાગી છે આપઘાતનો પ્રયાસ કરનાર યુવતીને પ્રથમ જસદણ બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાઇ છે.

જસદણના લોહિયાનગરમાં રહેતી યુવતીએ ગત તા. રર-૪-ર૦ર૦ના રોજ અને ગત તા. ૬-પ-ર૦ર૦ના રોજ જસદણ પોલીસ મથકમાં મનોજ વિક્રમભાઇ જાદવ, વિક્રમભાઇ મનજીભાઇ જાદવ, અનકભાઇ માધાભાઇ જાદવ, જગાભાઇ મેઘાભાઇ જાદવ અને આર. એ. દાફડા વિરૂદ્ધ દુષ્કર્મની લેખિતમાં ફરિયાદ આપી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, બાબરા તાલુકાના ત્રંબોડા ગામે રહેતો તેનો સગા ફૈબાનો દિકરો મનોજ વિક્રમભાઇ જાદવ જસદણમાં આઇ.ટી.આઇ.ના અભ્યાસ માટે અપડાઉન કરતો હોવાથી અવારનવાર તેના ઘરે આવતો જતો હતો. બાદમાં મારા ફૈબાએ મને ત્રંબોડા આવવાનું કહેતા હું ત્યાં આંટો મારવા ગઇ હતી. જયાં મનોજની દાનત બગડતા તારે મારી સાથે લગ્ન કરવા પડશે તેમ જણાવતા મેં ઇન્કાર કરી દીધો હતો અને હું જસદણ મારા ઘરે પરત આવી ગઇ હતી. જેથી મારા ફૈબાની દીકરી દક્ષા અમારા ઘરે આવી હતી અને મને એકાંતમાં બોલાવી મારો ભાઇ મનોજ તારી સાથે પ્રેમ સબંધ બાંધવા માંગે છે. તેવું દબાણ કરવા લાગેલ. છતાં મનોજ મને વારંગવાર મોબાઇલથી પ્રેમ સબંધ બાંધવા હેરાન કરતો રહ્યો હતો. જેથી મેં તેને કીધું કે હું તારી સાથે કયારેય લગ્ન સંબંધતથી જોડાઇ શકું તેમ નથી. બાદમાં મારી સગાઇ રાજકોટના બેડી ગામે નકકી થતા તેની જાણ મનોજને થતા તે ગત તા. ર-૧૧-ર૦૧૮ના રોજ રાત્રીના મારા ઘરે આવી મને ઘરની બહાર બોલાવી મનોજ વિક્રમભાઇ જાદવ, વિક્રમભાઇ મનજીભાઇ જાદવ, અનકભાઇ માધાભાઇ જાદવ અને જગાભાઇ મેઘાભાઇ જાદવે મારૃં બળજબરીથી અપહરણ કરી મને ઉપાડી ગયા હતા અને ગાંધી રાખી હતી.

ત્યારબાદ ગત તા. ૩-૧૧ન્-ર૦૧૮ના રોજ અમરેલી મુકામે આ આરોપીઓ બળજબરીથી વાહનમાં બેસાડી લઇ ગયા હતા અને મારી પાસે સ્ટેમ્પ પેપરમાં બળજબરીથી સહીઓ કરાવી લીધી અને બાદમાં મને ત્રંબોડા ગામે જઇ ઘરમાં પુરી દીધી હતી. ત્યારબાદ મનોજે મારી ઉપર જોર જુલમ કરી બળજબરીથી મારી ઇચ્છા વિરૂધ્ધ બળાત્કાર ગુજાર્યો હતો. મારા અપહરણ અંગે મારા પરિવારજનોએ ગત તા. ર-૧૧-ર૦૧૮ના રોજ મનોજ વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા આરોપીઓએ મને ધાકધમકી આપી આપેલ કે તારે પોલીસમાં અમારા વિરૂદ્ધ જુબાની આપવાની નથી અને જો આપીશ તો તને જીવતી રહેવા નહીં દઇએ જેથી હું ડઘાઇ ગઇ હતી. બાદમાં પોલીસ મારૃં નિવેદન લીધું ત્યારે હું કંઇ બોલી શકી ન હોવાથી પોલીસે મારૃં નિવેદન લઇ મને આરોપીઓને સોંપી દીધી હતી. બાદમાં મને ખબર પડી કે આરોપીઓએ મૈત્રી કરારમાં મારી સહીઓ લઇ લીધી હતી આમ મારી સાથે આરોપી મનોજ એક વર્ષ સુધી અવારનવાર મારી ઇચ્છા વિરૂદ્ધ બળાત્કાર ગુજારતો રહ્યો હતો.

ગત તા. ૧૭-૪-ર૦ર૦ના રોજ ઉપરકોતના ચાર આરોપીઓએ મને અસહ્ય મારમારી ઘરમાં પૂરી દઇ મારા માતા-પિતાને ફોન કરીને રાતોરાત તેડાવતા મારો ભાઇ મને ત્રંબોડા તેડવા આવ્યો હતો. ત્યારે આરોપીઓ મારા ભાઇ સાથે અસભ્ય વર્તન કરવા લાગ્યા હતા અને ગાળો આપવા લાગ્યા હતા. ત્યારે આરોપીઓએ મારા ભાઇને કહ્યું કે તારી બહેનને તું લઇ જા અને આ બાબતે કોઇપણ જગ્યાએ ફરિયાદ કરીશ તો જોયા જેવી થાશે ચતેવી ધમકીઓ આપી હતી. બાદમાં મારો ભાઇ મને જસદણની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયો હતો અને આરોપીઓ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી. છતાં કોઇ કાર્યવાહી ન થતા મેં જસદણ પોલીસ સ્ટેશનમાં ગત તા. રર-૪-ર૦ર૦ના રોજ લેખિતમાં ફરિયાદ આપી હતી. છતાં આજદિન સુધી આરોપીઓ વિરૂદ્ધ જસદણ પોલીસ દ્વારા કોઇ ફરિયાદ લેવામાં આવી ન હતી. જેથી આગામી પ દિવસમાં ઉપરોકત તમામ આરોપીઓ વિરૂદ્ધ ગુન્હો દાખલ કરી આરોપીઓની ધરપકડ કરવામાં નહીં આવે તો મારે આ કામે મને ન્યાય નહીં મળે તો હું આત્મવિલોપન કરવાની ફરજ પડશે અને તે કામે સઘળી જવાબદારી જેતે અધિકારીની રહેશે તેવું જણાવ્યું હતું.

આ અંગે દુષ્કર્મ પીડિતાના પિતા સુરેશભાઇ જેઠાભાઇ પરમારે જણાવ્યું હતું કે, અમારી દીકરી સાથે દુષ્કર્મ ગુજારનાર આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ કરવા અમે અમારી દીકરી સાથે અનેકવાર જસદણ પોલીસ સ્ટેશને ગયા હતા. એક મહિના સુધી અમોએ જસદણ પોલીસ સ્ટેશને ફરીયાદ કરવા માટે ધકકા ખાધા હતા છતાં અમને ન્યાય મળ્યો ન હતો. આ બનાવ અંગે જસદણ પોલીસ઼ે કોઇ ગંભીરતા ન લઇ મારી દીકરીની ફરિયાદ ન લેતા અમારી દીકરીને નાછુટકે આ પગલું ભરવું પડયું હતું.

આ અંગે જસદણ પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ કે. આર. રાવતએ જણાવ્યું હતું કે, આ ગુન્હો બાબરા પોલીસ સ્ટેશનની હદનો છે. જેથી અમે તેમને કીધું કે તમારે ત્યાં જ ફરિયાદ થશે અને તમારે ત્યાં જ ફરિયાદ કરવા જવાનું હોય છે. તમારે ત્યાં જ ઝઘડો થયો છે એટલે તમારે ત્યાં જ ફરિયાદ કરવાની હોય છે એવું અનેકવાર કહ્યું હતું. આ બનાવે જસદણ પંથકમાં ભારે ચર્ચા જગાડી છે.(

(1:29 pm IST)