Gujarati News

Gujarati News

News of Thursday, 14th May 2020

અમરેલી જીલ્લામાં માત્ર ૧ કોરોના પોઝીટીવ હોવાથી હજુ ગ્રીન ઝોન યથાવતઃ આયુષ ઓક

અમરેલી, તા.૧૪: અમરેલી જિલ્લામાં લોકડાઉનના અંદાજે ૫૦ દિવસ બાદ ગઇકાલે સૌપ્રથમ કોરોનાનો એક પોઝિટિવ કેસ નોંધાયો હતો. આ અંગે વધુ વાત કરતા જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકએ જણાવ્યું હતું કે ગઈકાલે સવારના ૧૧ વાગ્યા આસપાસ સુરતથી આવેલી એસ.ટી. બસમાં ૨૭ જેટલા મુસાફરો પૈકી સુરતના સના રોડ વિસ્તારના ૬૭ વર્ષીય વૃદ્ઘાને ચાવંડ ચેકપોસ્ટ ખાતે ચેક કરવામાં આવતા તાવ-શરદી જેવા લક્ષણો જણાયા તાત્કાલિક અમરેલી તાલુકા કોરન્ટાઇન ફેસિલિટી ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા. ત્યાં એમની સદ્યન તપાસ કર્યા બાદ વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી બપોરે ૧.૩૦ કલાકથી જ શંકાસ્પદ કેસ તરીકે માની સારવાર કરી દેવામાં આવી હતી. ગઈ કાલે રાત્રે જ એમને ઓકિસજન પર રાખવામાં આવ્યા છે અને એમના સેમ્પલ્સ ભાવનગર ખાતે મોકલવામાં આવ્યા હતા. આજે સવારે ૧૧ કલાકે એમનો રિપોર્ટ પોઝિટિવ આવેલો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જયારે પણ અમરેલી જિલ્લામાં શંકાસ્પદ કેસો સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ થાય છે ત્યાર થી જ આગોતરા પગલાં લઈને એમનું કોન્ટેન્ટ ટ્રેસીંગ અને કોરન્ટાઇનની કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવે છે. આ ઉપરાંત ગ્રીન ઝોન અમરેલીમાં જિલ્લાની અંદરથી વાયરસ ફેલાવાની કોઈ દ્યટના બની નથી જેથી અમરેલી હજુ ગ્રીન ઝોનમાં જ યથાવત રહેશે

જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકની અધ્યક્ષતામાં અને જિલ્લા પોલીસ વડા શ્રી નિર્લિપ્ત રાય અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેજસ પરમારની ઉપસ્થિતિમાં અમરેલી જિલ્લાના તમામ તાલુકાઓના મામલતદારશ્રીઓ, ચીફ ઓફિસરશ્રીઓ, આરોગ્ય વિભાગના કર્મીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજવામાં આવી હતી.

આ કોન્ફરન્સમાં કલેકટરશ્રી દ્વારા તાજેતરમાં નિશ્યિત કરાયેલી ત્રિસ્તરીય વ્યવસ્થા વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. જેના દ્વારા હોમકોરેન્ટાઇન રહેલા વ્યકિતઓ ઉપર ખાસ નજર રાખવામાં આવશે. કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા બહારથી જિલ્લા આવેલા લોકો પોતાના દ્યરની બહાર ન નીકળે એ ખૂબ જ જરૂરી છે. એ માટે તેમના પર ખાસ નજર રાખવા સમિતિઓ તેમજ સ્કવોડની રચના કરવામાં આવી છે.

આ તકે કલેકટરશ્રી એ વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, તાલુકા કક્ષાએ રચવામાં આવેલી સ્કવોડમાં તમામ વિભાગના લોકોને સામેલ કરવામાં આવ્યા છે. આ સ્કવોડનું કામ હોમ કોરેન્ટાઇનમાં રહેલા વ્યકિતઓ નિયમોનો ભંગ નથી કરતા એ જોવાનું છે. ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ બનાવવામાં આવેલ કમિટિ પર દેખરેખ રાખવાનું કામ પણ આ સ્કવોડ કરશે. આ સ્કવોડને રોજેરોજ ગામો ફાળવવામાં આવશે. જયાં જઈ તેણે પુરી તપાસ કરવાની રહેશે. 

ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ રચાયેલી કમિટીને બહારથી આવેલાં લોકોની યાદી બનાવવાનું કામ સોંપવામાં આવ્યું છે, તેની પણ ચકાસણી કરવામાં આવશે. આ બેઠકમાં વહીવટી તંત્ર, આરોગ્ય તંત્ર અને પોલીસ તંત્રના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

(1:19 pm IST)