Gujarati News

Gujarati News

News of Thursday, 14th May 2020

ભાવનગરમાં કોરોના પોઝિટિવ મહિલાની સફળ પ્રસુતિ કરાવતી મેડિકલ ટીમ

નવજાત શિશુનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતાં પરિવારમાં ખુશીની લાગણી ફેલાઇ

ભાવનગર,તા.૧૪:ભાવનગરમાં કોરોનાની શરૂઆતથી લઈ આજદિન સુધીની ભાવનગરની સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ દ્વારા કરવામાં આવી રહેલ કામગીરી અનન્ય, અભૂતપૂર્વ રહી છે.આ હોસ્પિટલની મેડીકલ ટીમે ૯૨ વર્ષ,૯૦ વર્ષ તેમજ ૧૮ માસના બાળકને કોરોનામુકત કરી પોતાની કાર્યદક્ષતા પુરવાર કરી છે.તો આજ મેડિકલ ટીમે બે બે કોરોના પ્રસુતાઓની સમયસૂચકતા વાપરી તાત્કાલિક પ્રસુતિ પણ કરાવી છે.

ગઈતા.૧૨ ના રોજ સમાબેન મોહમ્મદરજા નયાણી રહે, સવાઇગરની શેરી, કણબીવાડ, ભાવનગરનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવેલ. જેથી રાત્રે તેઓને સર ટી. હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં શિફ્ટ કરાયેલ. તેઓને પૂરા મહિનાનો ગર્ભ હોય, મોડી રાત્રે તેઓને પ્રસૂતિનો દુઃખાવો થતાં સર ટી. હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં ઊભું કરવામાં આવેલ.

ઓપરેશન થિયેટરમાં જ તેઓના સિઝેરિયનની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. ગાયનેક વિભાગના વડા ડો. કનકલતાબેન નકુમના માર્ગદર્શન હેઠળ ગાયનેક વિભાગના તબીબ ડો. દિશા અને ડો. ધન્યા દ્વારા સફળતાપૂર્વક સિઝેરિયન કરવામાં આવ્યુ હતું.અને રાત્રીના ૦૨:૧૯ કલાકે સમાબહેને સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો.

જેને સર ટી. હોસ્પિટલના બાળરોગ વિભાગના વડા ડો. મેહુલ ગોસાઈ અને તેઓની ટીમ દ્વારા નવજાત બાળકની સંપૂર્ણ તપાસ કરી તેનું પણ કોરોનાનું સેમ્પલ લીધું હતું જેનો રિપોર્ટ નેગેટિવ આવેતા સમાબહેન તેમજ તેમના પરિવારજનોમાં ખુશીની લાગણી છવાઈ હતી.

આમ સર ટી. હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. વિકાસ સિંહા, હોસ્પિટલના એડમિનિસ્ટ્રેટર હાર્દિક ગાથાણીઙ્ગ અને હોસ્પિટલની તમામ ટીમે બીજા કોરોના પોઝિટિવ દર્દીની સફળતાપૂર્વક સિઝેરિયન કરી પ્રસૂતિ કરવામા સફળતા મેળવી હતી.

(11:33 am IST)