Gujarati News

Gujarati News

News of Thursday, 14th May 2020

વતન જવા ટ્રેનની ટિકિટ માટે નોંધણી કરાવવા ગયા, રસ્તામાં પડી જતાં જિંદગીની સફરનો અંત

એસટી વર્કશોપ પાછળ ખોડિયારનગરમાં રહેતાં મુળ યુપીના યાસીનઅલી પોલીસ મથકમાંથી મેસેજ આવતાં ટિકિટની તપાસ કરવા ગયા'તાઃ પુનિતનગર ટાંકા પાસે પડી જતાં મોત

રાજકોટ તા. ૧૪: ગોંડલ રોડ એસટી વર્કશોપ પાછળ ખોડિયારનગરમાં રહેતાં અને સદર બજારમાં આવેલી દૂકાનમાં નોકરી કરતાં મુળ ઉત્તરપ્રદેશના યાસીનઅલી બોનેઅલી (ઉ.વ.૪૬) ગોંડલ રોડ ચોકડીથી પુનિતનગર ટાંકા વચ્ચે ઝૂપડપટ્ટી પાસે ફૂટપાથ પર ચાલીને જઇ રહ્યા હતાં ત્યારે અચાનક પડી જતાં બેભાન થઇ જતાં સાથેના બીજા હમવતની ઇરફાન અંસારી સહિતે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

યાસીનઅલી ઘણા સમયથી રાજકોટ રહી મટનની દૂકાનમાં કામ કરતાં હતાં. તેમને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે જે યુપી રહે છે. હાલમાં લોકડાઉનમાં વતન જવાની મંજૂરી મળી રહી હોઇ તેમણે વતન જવા માલવીયાનગર પોલીસ મથકમાં નોંધણી કરાવી હતી. ગઇકાલ ટિકિટ માટેનો મેસેજ આવતાં તેઓ યુપીના બીજા મજૂરો સાથે તપાસ કરવા ગયા હતાં. નોંધણી બાદ ટિકિટ કન્ફર્મ થવાને વાર હોવાનું કહેવાતાં પરત ખોડિયારનગરમાં પગપાળા જઇ રહ્યા હતાં ત્યારે રસ્તામાં પડી ગયા હતાં. હાર્ટએટેકથી મૃત્યુ થયાની શકયતા દર્શાવાઇ હતી. બનાવથી સાથી મજૂરોમાં શોક છવાઇ ગયો હતો.

(11:30 am IST)