Gujarati News

Gujarati News

News of Thursday, 14th May 2020

મુળીના કૂકડા ગામ નજીક રિક્ષા ચાલક સહિતે પરપ્રાંતિય મુસાફરને બાંધી ઘુસ્તાવી લૂંટી લીધો

રાધનપુરથી સુરેન્દ્રનગર પહોંચેલા સંતરાજકુમારે મુળી જવા રિક્ષા ભાડે કરી'તીઃ સારવાર માટે રાજકોટ ખસેડાયો

રાજકોટ તા. ૧૪: સુરેન્દ્રનગરના મુળી નજીકના કૂકડા ગામ અને ગોદાવરી ગામ નજીક રિક્ષાચાલક અને સાથેના શખ્સે પરપ્રાંતિય મુસાફરને બાંધી મારકુટ કરી રોકડ અને પર્સ લૂંટી લીધાનો બનાવ બન્યો છે. સારવાર માટે આ યુવાનને રાજકોટ ખસેડાયો હતો.

મુળ ઉત્તરપ્રદેશનો સંતરાજકુમાર કુલારેકુમાર કોૈલ (ઉ.૨૦) રાધનપુરમાં રહી મજૂરી કરતો હતો. લોકડાઉનમાં તે ગઇકાલે મુળી રહેતાં તેના ભાઇની પાસે આવવા નીકળ્યો હતો. સુરેન્દ્રનગર કોઇ વાહન મારફત પહોંચી ત્યાંથી મુળી જવા માટે રૂ. ૨૦૦માં ભાડે રિક્ષા કરી હતી. જેમાં બીજા શખ્સો પણ હતાં. રિક્ષા કૂકડા-ગોદાવરી ગામ વચ્ચે પહોંચી ત્યારે ચાલક સહિતનાએ રિક્ષા ઉભી રાખી સંતરાજકુમારને જે હોય તે આપી દેવા કહેતાં તેણે આનાકાની કરતાં મારકુટ કરી બાંધી દેવાયો હતો. બાદમાં તેની પાસેની રોકડ પડાવી લેવાઇ હતી. તેમજ પર્સ કાઢી લેવાયું હતું. મોબાઇલ ફોન પણ પડાવવા મારકુટ કરતા હતાં ત્યારે કોઇ રાહદારી પસાર થતાં તે બચાવવા દોડી આવતાં રિક્ષાચાલક સહિતના મોબાઇલ ફોન મુકી ભાગી ગયા હતાં. સંતરાજકુમારને સુરેન્દ્રનગર સારવાર અપાવી રાજકોટ ખસેડાયો છે. આ વિગતો તેના ભાઇ નિરજે જણાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:27 am IST)