Gujarati News

Gujarati News

News of Thursday, 14th May 2020

જામકંડોરણા તાલુકામાંથી ૧પ૧ પરપ્રાંતિય શ્રમિકો માદરે વતન જવા રવાના કરાયા

શ્રમિકોને ખોડલધામ સમિતિ દ્વારા ભોજન જલારામ સ્મૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ફુડ પેકેટ અપાયા

જામકંડોરણા તા. ૧૪: પર પ્રાંતમાંથી તેમના પરિવાર વતનથી દુર થઇ જામકંડોરણા તાલુકામાં પેટીયું રળવા આવેલા મજુરો તાલુકાના જુદા જુદા ગામોમાં મજુરી કામ કરતા હતા કોરોના વાઇરસની મહામારીમાં તેઓ પોતાના વતનમાં જવા માંગતા હતા સરકારશ્રીની મંજુરી રાજકોટ જીલ્લા કલેકટર રેમ્યા મોહનની સુચનાથી અને ધોરાજી પ્રાંત અધિકારી જી. વી. મિયાણીના માર્ગદર્શન હેઠળ જામકંડોરણા વહીવટી તંત્ર દ્વારા આ તાલુકાના અલગ અલગ ગામોમાં રહી મજુરી કામ કરતા મધ્ય પ્રદેશ પ્રાંતના વિવિધ જીલ્લાઓના કુલ ૧પ૧ શ્રમિકોને જામકંડોરણા મામલતદાર પી.એસ. ખરાડી, તાલુકા વિકાસ અધિકારી બી. આર. બગથરીયા તથા સ્ટાફની હાજરીમાં જામકંડોરણા બસ સ્ટેશનથી એસ.ટી.ની બસમાં મેડીકલ ચેકઅપ કરી રાજકોટ રવાના કરવામાં આવ્યા હતા.

રાજકોટથી તેઓ ટ્રેન મારફત મધ્ય પ્રદેશ જવા રવાના થયા હતા આ શ્રમિકોને જામકંડોરણામાં ખોડલધામ સમિતિ દ્વારા ભરપેટ ભોજન કરાવવામાં આવ્યું હતું તેમજ જલારામ સ્મૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ફુડ પેકેટ આપી રવાના કરવામાં આવ્યા હતા.

આ સમયે ખોડલધામ સમિતિના અરવિંદભાઇ વાડોદરીયા, હીતેશભાઇ દોંગા, કલ્પેશભાઇ દેશાઇ સહિતના કાર્યકરો તેમજ જલારામ સ્મૃતિ ચેરીટેબલ ટ્રસ્ટના અનિલભાઇ આડતીયા સહિતના કાર્યકરોએ હાજરી આપી હતી.

(11:26 am IST)