Gujarati News

Gujarati News

News of Thursday, 14th May 2020

વાંકાનેર ખેડૂતોનો કપાસ રીઝેકટ કરાય છેઃ સીસીઆઈ દ્વારા ખરીદાતો નથી

વાંકાનેર, તા. ૧૪ :. કપાસ વાંકાનેર વિસ્‍તારનો મુખ્‍ય પાક છે અને આ વર્ષે વાંકાનેર વિસ્‍તારમાં કપાસનું મોટાપાયે ઉત્‍પાદન થયુ છે. કેન્‍દ્ર સરકાર દ્વારા ટેકાના ભાવે કપાસની ખરીદી માટે સી.સી.આઈ. (કોટન કોર્પોરેશન ઓફ ઈન્‍ડીયા)ને જવાબદારી સોંપાઈ છે.

પરંતુ વાંકાનેર વિસ્‍તારના ખેડૂતોની મોટાપાયે ફરીયાદ છે કે વાંકાનેર સી.સી.આઈ. કેન્‍દ્ર ખાતે મોટાભાગના ખેડૂતોનો કપાસ સી.સી.આઈ. મારફત નક્કી કરેલા ગુણવત્તાના માપદંડ પ્રમાણે રીઝેકટ કરવામાં આવે છે અને મોટાભાગના ખેડૂતોનો કપાસ સી.સી.આઈ. મારફત ખરીદાતો નથી.

હાલ કપાસનો બજાર ભાવ ટેકાના ભાવથી ખૂબ જ નીચો હોય, મોટાભાગના ખેડૂતોએ પોતાનો કપાસ ખુલ્લા બજારમાં વેચ્‍યો નથી અને સી.સી.આઈ. મારફત સરકાર પણ તેમનો કપાસ ખરીદતી નથી. મોટાભાગના ખેડૂતોનો કપાસ વેચાયા વગરનો પડેલ છે, પરિણામે હાલ લોકડાઉન સમયે કપાસના ખેડૂતો આર્થિક સંકળામણ અનુભવી રહ્યા છે.

ખેડૂતોના આ પ્રશ્ન અંગે વાંકાનેરના ધારાસભ્‍ય મહંમદ જાવેદ પીરઝાદા, એ.પી.એમ.સી. ચેરમેન શકીલ એહમદ પીરઝાદા, તાલુકા પંચાયત પ્રમુખ ફાતુબેન યુનુસભાઈ શેરસીયા, મોરબી જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ગુલામભાઈ પરાસરા, જીલ્લા પંચાયત સદસ્‍ય જમનાબેન નવઘણભાઈ મેઘાણી અને જિલ્લા પંચાયત સદસ્‍ય પ્રભુભાઈ વિંઝવાડીયાએ તા. ૧૩-૫-૨૦૨૦ના રોજ વાંકાનેર મામલતદારશ્રી મારફત, મોરબી કલેકટરશ્રી સમક્ષ લેખીત રજૂઆતો કરેલ છે. તેમજ આ રજૂઆતો સંબંધે સરકારશ્રીમાં યોગ્‍ય રીપોટીંગ કરી સી.સી.આઈ. દ્વારા નક્કી કરેલા માપદંડથી ઓછી ગુણવત્તાના કપાસની પણ યોગ્‍ય એમ.એસ.પી. નક્કી કરી ખરીદી કરવામાં આવે તેવી માંગણી કરેલ છે.

(10:18 am IST)