Gujarati News

Gujarati News

News of Thursday, 14th May 2020

કચ્‍છના ગાંધીધામમાં ઉશ્‍કેરાયેલા શ્રમિકોનો પથ્‍થરમારો

સંકલનના અભાવે ટ્રેન રદ્દ થતાં શ્રમિકો ઉશ્‍કેરાયા : ટિકિટના પૈસા લીધા પછી સતત બીજી વખત ટ્રેન રદ્દનો બનાવઃ કચ્‍છમાં અધિકારીઓ વચ્‍ચે સંકલનના અભાવે પોલીસ ઉપર સતત દબાણ : શ્રમિકોને સમજાવવા માટે નીરસતા?

ભુજ તા. ૧૪ : કચ્‍છમાં આમ તો ચાર શ્રમિક ટ્રેન રવાના થઈ ચૂકી છે. તંત્ર અત્‍યારે તેનો જશ લઈને પોતાની કામગીરી દર્શાવે છે. પણ, ગઈકાલે સાંજે ગાંધીધામમાં ઉશ્‍કેરાયેલા પરપ્રાંતીય શ્રમિકોએ રસ્‍તા ઉપર ઉતરી પથ્‍થરમારો કરી પોતાનો ઉકળાટ દર્શાવીને ફરી એક વાર કચ્‍છમાં તંત્ર વચ્‍ચે ચાલી રહેલા સંકલનના અભાવની પોલ પાધરી કરી દીધી છે.

શ્રમિકોના ઉશ્‍કેરાટનું કારણ બિહાર જતી ટ્રેન રદ્દ થઈ હોવાનું ચર્ચાય છે. જોકે, કચ્‍છમાં વહીવટીતંત્ર આવી કોઈ પણ માહિતી મીડીયા સુધી પહોંચાડતું ન હોઈ મોટે ભાગે શ્રમિકો સુધી સાચી માહિતી પહોંચે ત્‍યાં સુધી મોડું થઈ જતું હોઈ તેઓ જાણકારીના અભાવે હેરાન થાય છે. અત્‍યારે જયારે કેન્‍દ્ર અને રાજય સરકાર તમામ જરૂરી વ્‍યવસ્‍થાઓ કરી શ્રમિકોને ઉપયોગી બની રહી છે. ત્‍યારે કચ્‍છમાં કલેકટરતંત્રએ એક વિશ્વસનીય માહોલ ઉભો કરવાની જરૂરત છે. પણ, કચ્‍છનું કલેક્‍ટરતંત્ર સાંધીપુરમમાં થયેલ ધમાલ બાદ પણ નીરસ હોઈ ગાંધીધામ, ભીમાસર, અંજાર અને ફરી ગાંધીધામ એમ શ્રમિકોના ઉશ્‍કેરાટના બનાવો સતત વધ્‍યા છે.

જોકે, શ્રમિકોના ઉશ્‍કેરાટનો ભોગ મોટેભાગે પોલીસને ઝીલવો પડે છે, સાંધીપુરમ, ભીમાસર, અંજાર પ્રાંત કચેરી પછી ગઈકાલે ગાંધીધામમાં પણ પોલીસને જ દોડવું પડ્‍યું હતું. અહીં સવાલ કલેક્‍ટરતંત્રની સક્રિયતા સામે છે. અત્‍યારે કદાચ ક્‍યાંય અવરોધ આવે ત્‍યારે ઉશ્‍કેરાયેલા શ્રમિકોને સમજાવવા માટે તંત્રએ વ્‍યવસ્‍થિત આયોજન કરી તેમનામાં વિશ્વાસ, ભરોસો જગાવવો જોઈએ. તેના બદલે જવાબદારીની ફેંકાફેકી થાય એ દુઃખદ છે, તેમ જ સરકારની પ્રતિષ્ઠા માટે પણ નુકસાનકારક છે.

ગાંધીધામમાં ગઈકાલે સદ્દભાગ્‍યે કોઈ વધુ મુશ્‍કેલી ન સર્જાઈ અને ઘટના સ્‍થળે દોડી આવેલા ડીએસપી પરીક્ષિતા રાઠોડે દોઢ કલાક ધીરજ સાથે શ્રમિકોને સમજાવ્‍યા. પણ, ત્‍યાર પછીયે કલેક્‍ટરતંત્ર દ્વારા આ અંગે કોઈ પણ વધુ અધિકારિક જાણકારી આપવા પ્રયાસ ન કરાયો.

(11:09 am IST)