Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

ઉપલેટામાં ખાતર મુદ્દે કૃષિમંત્રીના રાજીનામાની માંગ : ઝાલાવાડમાં ડેપો બંધ

ઓછુ ખાતર નીકળતા ખેડૂતોમાં રોષ યથાવત : ખાતરની ખરીદી માટે આવતા ખેડૂતો મુશ્કેલીમાં

પ્રથમ તસ્વીરમાં ઉપલેટામાં કિશાન સભા દ્વારા આવેદન તથા સુરેન્દ્રનગર જીલ્લામાં ખાતરનો ડેપો બંધ હાલતમાં નજરે પડે છે.

રાજકોટ, તા. ૧૪ : ખાતરના બાચકાઓમાં ઓછું ખાતર નીકળતા ઠેર-ઠેર રોષ વ્યાપી ગયો છે અને ખેડૂતો દ્વારા રોષભેર આવેદનપત્ર પાઠવીને પગલા ભરવા માંગણી કરવામાં આવી રહી છે. ત્યારે ઉપલેટામાં કિશાન સભા દ્વારા કૃષિમંત્રીના રાજીનામાની માંગણી કરવામાં આવી છે.

ઉપલેટા

ઉપલેટા : તાજેતરના સમયમાં જીએસએફસીએના રાસાયણીક ખાતરમાં દીઠ ૪૦૦થી ૬૦૦ ગ્રામ ઘટ એ કોઇ નાની સુની ઘટ નથી. સુનોયિજીત અને લાંબા સમયથી ખાતર વજન ચોરીએ ખેડૂતો એ પકડી પાડી છે. ગુજરાતમાં છેલ્લા ૧૦ વર્ષમાં ભાજપ નેતૃત્વની રાજય સરકારના કાર્યક્રમમાં નકલી બિયારણ ખાતર જંતુનાશક દવાઓના કૌભાંડો પકડી પાડવામાં આવ્યા છે.

આ ઘટનાઓના જવાબદારોને સરકાર કોઇ સજા કરાવી શકી નથી તેથી રાજયભરમાં કૌભાંડીયાઓ બેફામ બન્યા છે. મગફળી, તુવેર, ખાતર કૌભાંડ સહિત અનેક ઘટનાઓના ભોગ ખેડૂતો બન્યા છે. ગુજરાત કિશાનસભાએ જીએસએફસી ખાતર ઘટના કૌભાંડની નૈતિક જવાબદારી રાજય સરકારની થાય છે ત્યારે કૃષિમંત્રીએ પોતાની જવાબદારી સ્વીકારી રાજીનામુ આપવું જોઇએ એવી માંગ કરી છે.

રાજયભરમાં કિશાનસભા દ્વારા આવેદનપત્ર આપવામાં આવેલ છે. જેના ભાગરૂપે રાજકોટ જીલ્લા કિશાનસભા દ્વારા મુખ્યમંત્રી સંબોધીને એક આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ ઉપલેટા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં યોજવામાં આવેલ. આ કાર્યક્રમમાં ગુજરાત કિશાનસભાના પ્રમુખ ડાયાલાલ ગજેરા, લખમણભાઇ પાનેરા, રમણીકભાઇ ઝાલાવડીયા, લખમણભાઇ બાબરીયા, ગોરધનભાઇ સિંહોરા, દેવેનભાઇ વસોયા, ચંદુભા ચુડાસમા, સહિતના આગેવાનો ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં.

વઢવાણ

વઢવાણ : ઝાલાવાડના ખેડૂતોને વિવિધ કંપનીઓના બે લાખ ટન ખાતરની જરૂરીયાત ઉભી થઇ છે, ત્યારે ઝાલાવાડમાં ખેડૂતો ખાતરની ખરીદીમાં જાગૃત બન્યા છે. જેમાં ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ઉલટી ગંગા વહી રહી છે જેમાં ખાતરના ડેપોમાં ખેડૂતોએ વજન કરાવતા વજન ઘટવાને બદલે વધ્યો છે.

વઢવાણ માર્કેટીંગ યાર્ડમાં સરદાર વગેરે ખાતરની થેલીઓમાં પ૦૦ થી ૬૦૦ ગ્રામ વધુ વજન થતાં મુંઝવણ શરૂ થઇ છે. ત્યારે આ વજનમાં કાંટાની કરામત છે કે કંપનીની તે અંગે ખેડૂતોમાં અનેક વિર્તવિતર્કો ફેલાયા છે. બીજી તરફ મુળી સહિતના તાલુકાઓમાં વજન ઘટયો હતો. આમ ખાતરની થેલીઓમાં વજનની વધ ઘટની રામાયણ વચ્ચે બે દિવસ ખાતર ડેપો બંધ રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ૪૦૦ વિતરકો ખાતરનું વેચાણ કરી રહ્યા છે, પરંતુ બે દિવસ સુધી વેચાણ બંધ રહ્યું છે.

ખાતરની ખરીદી માટે આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. આ અંગે ડેપો મેનેજર પાંચાણીભાઇ અને મહેશભાઇએ જણાવ્યું કે દરેક કંપની વજન કરીને જ ખાતરનું વિતરણ કરે છે. ખેડૂતોએ વજન કરીને જ ખાતરની ખરીદી કરે તો સમસ્યા કે ફરીયાદ ઉઠે નહીં હાલ શનિવાર અને રવિવાર બે દિવસ ખાતર ડેપો બંધ રાખવા ઉચ્ચકક્ષાએથી જ આદેશો થયા છે.(૮.૯)

(11:35 am IST)