Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

કચ્છમાં અપૂરતા વરસાદ બાદ પશુઓ સાથે બહાર નીકળી ગયેલા માલધારીઓ માટે પાણી અને ઘાસચારાની વ્‍યવસ્‍થા

મોરબી :કચ્છ જિલ્લામાં ગત વર્ષે વરસાદ ઓછો થયો હોવાથી મોટાભાગના માલધારીઓ પોતાના ઢોરને લઈને કચ્છમાંથી બહાર નીકળી ગયા હતા અને જ્યાં પણ ચારો તેમજ પાણીની વ્યવસ્થા મળે છે, ત્યાં તે રોકાણ કરતા હોય છે. આવી જ રીતે કચ્છ જીલ્લાના આડેસરથી હિજરત કરીને નીકળી ગયેલા પરિવારો તેની 25૦ જેટલી ગાયોને લઈને મોરબી નજીકના નાની વાવડી ગામે આવ્યા હતા. તેઓએ ગ્રામજનોને ગૌ વંશ માટે ચારો તેમજ પાણીની વ્યવસ્થા કરી આપવા માટે આજીજી કરી હતી. જેથી નાની વાવડી ગામના લોકો દ્વારા નિસ્વાર્થ ભાવે માલધારીઓની ગાયો માટે પાણી અને ચારાની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. તેમજ આગામી ચોમાસા સુધી તેઓને માલઢોર સાથે ત્યાં સાચવવાની આ ગામના ગૌપ્રેમીઓ દ્વારા તૈયારી બતાવવામાં આવી છે.

કચ્છ જિલ્લામાં માલધારીઓના માલઢોર માટે પૂરતા પ્રમાણમાં ચારો અને પાણીની વ્યવસ્થા ન હોવાથી ઘણા માલધારી પરિવારોએ કચ્છમાંથી હિજરત કરી છે. જે પૈકીના આડેસર બાજુના કેટલાક માલધારીઓ થોડા સમય પહેલા મોરબી પંથકમાં આવ્યા છે. આ દરમિયાન આડેસરના સાત માલધારી પરિવારો તેની 250 જેટલી ગાયોને લઈને મોરબી નજીકના નાની વાવડી ગામે ગત એપ્રિલ મહિનામાં પહોચ્યા હતા. પરંતુ તેઓની ગાય ચાલીને કચ્છથી નાની વાવડી સુધી પહોંચવામાં બહુ જ અશક્ત હતી. અને જો ચારો તેમજ પાણી ન મળે તો મૃત્યુ પામે તેવી પરિસ્થિતિમાં હતી. જેથી ચારો અને પાણી માટે માલધારીઓએ ગ્રામજનોને આજીજી કરી હતી. ગ્રામજનોએ ગૌ વંશને કપરા સમયમાં ટકાવી રાખવા માટે યથાશક્તિ દાન આપતા આજની તારીખે માલધારીઓની ગાયને જીવન મળ્યું છે. એટલું જ નહિ, આગામી ચોમાસા સુધી આ ગાયનો નિભાવ ગામના સહકારથી કરવામાં આવશે. જેના માટેની તૈયારી આ ગામના લોકો દ્વારા કરી લેવામાં આવી છે તેવું નાની વાવડીના સરપંત જયંતીભાઈ પડસુબીયાએ જણાવ્યું હતું.

રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ઓછો વરસાદ ,છે જેથી રાજ્ય સરકાર દ્વારા ઓછો વરસાદ પડ્યો હોય તેવા જિલ્લા-તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. જો કે, માનવી તો પાણી ન મળતું હોય તો સરકાર સામે બાંયો ચઢાવીને પણ પાણી માંગી લેશે, પરંતુ અબોલ જીવનું શું તે સૌથી મોટો પ્રશ્ન છે. આવા સમયે મોરબી નજીકના નાની વાવડી ગામના ગૌપ્રેમીઓ દ્વારા હાલમાં 250 ગૌ વંશ માટે ચારો અને પાણીની વ્યવસ્થા કરી દેવામાં આવી છે અને આ માલધારી પરિવારના લોકો તેના માલ-ઢોરની સાથે રહી શકે તેના માટે નાની વાવડી ગામની બાજુમાં આવેલ ઈશ્વરીય મહાદેવ મંદિરની પાસે ખાસ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. ન માત્ર ગ્રામજનો પરંતુ આ ગામની આજુબાજુમાં આવેલ ગૌશાળાના સંચાલકો દ્વારા પણ કચ્છના માલધારી પરિવારના ગૌવંશને બચાવવા માટે સહકાર દેવામાં આવી રહ્યો છે.

ઉલેખનીય છે કે, ગૌપ્રેમીઓ દ્વારા માલધારી તેમજ તેના અબોલજીવને સાચવવા માટેની જેમ નેમ ધરવામાં આવી છે, તે સરાહનીય છે. મોરબી તાલુકામાં ઓછો વરસાદ હોવાથી સ્થનિક જળાશયો ખાલી છે. તેમ છતાં પણ અહીના ગૌપ્રેમીઓ દ્વારા ગૌ વંશો માટે ચારો અને પાણીની વ્યવસ્થા કરી દેવામાં આવી છે, જેથી કચ્છ જિલ્લાના આડેસર તરફથી ગાય સહિતના તેના માલ-ઢોરને લઈને નીકળેલા માલધારીઓના અબોલ જીવ દુષ્કાળ જેવા કપરા સમયમાં ટકી ગયા છે. સૌરાષ્ટ્ર માટે એવું કહેવાય છે કે, “એક વાર તું ભૂલો પડ ભગવાન તને સ્વર્ગ ભૂલવું શામળા” આ ઉક્તિને મોરબીના નાની વાવડી ગામના લોકો સાર્થક કરી રહ્યા છે.

(5:32 pm IST)
  • રાજકોટમાં ૩૯.૬ ડિગ્રી : ૨૦ કિ.મી.ની ઝડપે ફૂંકાતા પવન access_time 3:33 pm IST

  • બોલવાની મનાઈ :સતત ભાષણો આપવાને લીધે નવજોતસિંઘ સિદધુના ગળાની નસ પકડાય ગઈ: વોકલ કોર્ડને ફરી ઇજા થતાં સ્ટીરોઇડ દવાઓ શરૂ કરવી પડી: બોલવાની મનાઈ કરાઈ છે access_time 12:58 am IST

  • અલાસ્કામાં બે વિમાનો દુર્ઘટનાગ્રસ્તઃ ૧૦ લોકો લાપતા : અમેરિકાના અલાસ્કામાં બે વિમાનો દુર્ઘટનાગ્રસ્ત થતાં ૧૦ લોકો લાપતા થયા છે : બે વિમાનમાં કુલ ૧૬ લોકો સવાર હતા : મીડીયા રિપોર્ટ અનુસાર દક્ષિણ પૂર્વ અલાસ્કાના કેટચિકાન નજીક અમેરીકી તટગાર્ડે બચાવ અભિયાન શરૂ કર્યુ છે access_time 1:12 pm IST