Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

ખાંભા શિકાર કેસ : નાસતા ફરતા બે શિકારીઓ જબ્બે

દસ દિવસની મહેનત બાદ વન વિભાગને સફળતા : ચિંકારા શિકાર કેસમાં કુલ ચારની ધરપકડ : ત્રણ શિકારી વિરૂધ્ધ વન્ય પ્રાણી જીવન અધિનિયમના હેઠળ કાર્યવાહી

અમદાવાદ,તા. ૧૪ : અમરેલીના જિલ્લાના ખાંભા તાલુકાના ભાડ ઇગોરાલાની સીમમાં થોડા દિવસ પહેલાં રાત્રિના સમયે ત્રણ જેટલા શિકારીઓ દ્વારા આરક્ષિત વન્ય પ્રાણી ચિંકારાનો શિકાર કરવાના ચકચારભર્યા પ્રકરણમાં વનવિભાગે નાસતા ફરતા બે શિકારીઓને ઝડપી લીધા હતા. આમ, આ કેસમાં ત્રણેય શિકારીઓ આખરે ઝડપાઇ ગયા છે. વનવિભાગના અધિકારીઓએ આરોપી શિકારીઓ ધર્મેન્દ્ર જેલવારિયા અને અરવિંદ ચિતાપરીયાની ધરપકડ કરી તેઓની વિરૂધ્ધ વન્ય પ્રાણી જીવન અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. અમરેલીના જિલ્લાના ખાંભા તાલુકાના ભાડ ઇગોરાલાની સીમમાં દસેક દિવસ પહેલાં રાત્રિના સમયે ત્રણ જેટલા શિકારીઓએ રાત્રિના અંધકારનો લાભ લઇ આરક્ષિત અને શિકાર માટે પ્રતિબંધિત એવા દુર્લભ ચિંકારાનો શિકાર કર્યો હતો. શિકારીઓએ ચિંકારાના શિકાર માટે બંદૂકનો ઉપયોગ કરાયો હોવાનું સામે આવતાં ભારે ખળભળાટ મચી ગયો હતો. જો કે, સમગ્ર ઘટના અંગે વનવિભાગના અધિકારીઓને જાણ થઇ જતાં તેઓ તાત્કાલિક હરકતમાં આવ્યા હતા અને ઘટનાસ્થળેથી એક શિકારીને ઝડપી લીધો હતો પરંતુ બે શિકારીઓ ભાગી છૂટવામાં એ વખતે સફળ રહ્યા હતા. ભાગી છૂટેલા આ બે શિકારીઓને ઝડપી પાડવા તુલસીશ્યામ રેન્જની નજીકની બોર્ડરને લગતી રેન્જના સ્ટાફને એલર્ટ કરી દેવાયો હતો. વનવિભાગના અધિકારીઓએ સ્થાનિક પોલીસની મદદથી પકડાયેલા શિકારીની આકરી પૂછપરછ શરૂ કરી હતી. ત્રણેય શિકારીઓ સાવરકુંડલા મિતિયાળા ગામના હોવાનું જાણવા મળ્યું હતું. વનવિભાગના અધિકારીઓએ છેલ્લા દસેક દિવસથી સતત જારી રાખેલી તપાસ અને સઘન પેટ્રોલીંગના અંતે આખરે ચિંકારા શિકાર પ્રકરણમાં આખરે નાસતા ફરતા બે શિકારીઓને ઝડપી લીધા હતા અને તેઓને પકડી જેલહવાલે કર્યા હતા. તેઓની વિરૂધ્ધ વન્ય પ્રાણી જીવન અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ   ધરાઇ છે.

(7:12 pm IST)