Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

કાલે સૌરાષ્ટ્ર-કચ્છમાં શનિદેવ મહારાજ જયંતિ ઉજવાશે

ઉપાસના-સાધના માટે શ્રેષ્ઠ દિવસઃ અમાસ, મંગળવાર અને શનિદેવ મહારાજની જયંતિથી અનોખો સંયોગ

રાજકોટ તા.૧૪ : કાલે તા.૧૫ ને મંગળવારે શનિદેવ મહારાજ જયંતિ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં ધામધૂમથી ઉજવાશે. ઉપાસના અને સાધના માટે આ દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે.

કાલે અમાસ, મંગળવાર અને શનિદેવ મહારાજની જયંતિથી અનોખો સંયોગ સર્જાયો છે. કાલે વહેલી સવારથી શનિદેવ મહારાજના મંદિરોમાં પૂજન-અર્ચન માટે ભાવિકોની લાઇનો લાગશે.

આ શનિ જયંતિએ સૂર્યસંક્રાંતિ પણ થઇ રહી છે ત્યારે આખો દિવસ મૌન ધારણ કરીને 'ઓમ્ શં શનૈશ્વરાય નમઃ' અથવા 'હનુમાન ચાલીસા' કે 'સુંદરકાંડ'નું પઠન ઉત્તમ ફળદાયીબની રહે છે. સુર્યાસ્ત બાદ જરૂરિયાતમંદોને અન્નદાન પણ કરાવી શકાય છે. આ ઉપરાંત, આ દિવસે કાળા વસ્ત્ર, લોખંડ, કાળા અડદ, સરસીયાના તેલનું દાન કરવું જોઇએ. તેમજ ધૂપ, દિપ, નૈવેદ્ય, કાળા પુષ્પથી શનિ મહારાજની પૂજા કરવી જોઇએ. સાથે જ જેમને શનિની પનોતી ચાલતી હોય તેમણે સવિશેષ દાન - પુણ્ય કરવું જોઇએ, જેનાથી શનિની અશુભ અસરમાંથી રાહત મળતી જોવા મળી શકે છે.

અગાઉ સન ૧૯૯૯માં શનિવારે શનિજયંતિ આવી હતી, ત્યારે પણ કૃતિકા નક્ષત્ર હતું. જયારે ૧૫મેના રોજ મંગળવાર અને કૃતિકા નક્ષત્ર છે. હવે પછી સન ૨૦૭૩માં શુક્રવારે વૃષભસંક્રાંતિના કૃતિકા નક્ષત્રમાં આવશે. આ ત્રણેય શનિજયંતિ ભાગીતિથી અને કૃતિકા નક્ષત્ર સાથે સંયોગ છે.

વૈશાખ વદ અમાવસ્યા અને ૧૫ મેએ શનિદેવની જન્મજયંતી અને મંગળવારનો યોગ શુક્રના સ્વામીત્વની વૃષભ રાશીમાં સુર્યની સંક્રાંતિ સાથે આવી રહ્યો હોવાથી શનિજયંતી શુભદાયી રહેશે. આ દિવસે કરાયેલી હનુમાનજી કે શનિદેવની આરાધના જન્મના નીચના શનિ, ગોચરના વક્રી શનિ અને બીજા અશુભ યોગોમાં લાભદાયી રહેશે. મંગળવારે હોવાથી હનુમાનજીની આરાધના ઉચ્ચના મંગળના શુભ પરિણામોમાં વધારો કરશે.

આ વર્ષે સુર્યપુત્ર શનિદેવની જન્મજયંતીએ મંગળવાર અને સુર્યની વૃષભસંક્રાંતિનો સંયોગ સર્જાયો છે. સુર્યની સંક્રાંતી સાથે શનિદેવનો જન્મદિન શુભફળ આપશે. ૧૫ મેના રોજ સુર્યોદય પહેલા સવારે ૫-૦૪ કલાકે સુર્યના શુક્રના સ્વામીત્વની વૃષભરાશીમાં પ્રવેશ સાથે સંક્રાંતિ થશે. તેનો પુણ્યકાળ બપોરે ૧૨-૩૫ કલાક સુધી હોવાથી ગરીબોને અન્ન કે વસ્ત્રદાન વક્રી શનિની નકારાત્મક અસરો દૂર કરશે.

ત્યારબાદ સુર્યના સ્વામીત્વનું કૃતિકા નક્ષત્ર છે. આમ સુર્યોદય સમયે મંગળવારના રોજ શુક્રની રાશિ અને શુક્રનું નક્ષત્ર એક વિશિષ્ટ યોગ સર્જી રહ્યો છે. આ સમયે મંગળ ઉચ્ચ રાશિ મકરમાં છે. આથી આ દિવસે કરવામાં આવેલી શનિદેવ અને હનુમાનજીની ઉપાસના વિશેષ ફળદાયી થશે. જેમની જન્મકુંડળીમાં ચોથે કે આઠમે મંગળ કે શનિ હશે તેમને આ ઉપાસના રાહત આપશે. ગોચરના ભ્રમણમાં વક્રી શનિના અશુભ પરિણામોમાં પણ રાહત આપશે. આ દિવસે ગરીબ, વૃદ્ધ અને દિવ્યાંગોને આપેલુ દાન વિશેષ ફળ આપશે. હૃદયરોગ હોય તેમણે લોખંડના પાત્રમાં તેલ દાન આપવું. સાથે અડદ, ગોળ કે લાલ મરચું પણ દાનમાં આપી શકાય. જેમને માનસિક અશાંતિ હોય તેમણે શનિદેવ કે હનુમાનજીની ઉપાસના અને દાન કરવાની રાહત થશે.

સુર્યપુત્ર શનિની જયંતી એટલે વૈશાખી અમાસ છે. રોગ, સંકટોનો નાશ કરવા માટેનો ઉત્તમ દિવસ છે. તેમાં પણ વક્રી શનિના ભ્રમણમાં અને તેમા પણ સુર્યસંક્રાંતિ આ જ દિવસે થઇ રહી છે. ત્યારે સાધના, ઉપાસના માટે આ આગામી તા. ૧૫મી મે, ૨૦૧૮નો દિવસ મહત્વનો સાબિત થશે. સાથે જ ઋણમુકિત માટે પણ શનિદેવની કૃપા મળી શકે છે.

વૈશાખી અમાસ, મંગળવારે આવી રહી છે, તેમાં પણ આ વર્ષની શનિ જયંતિ એટલા માટે વિશેષ બની રહેશે કેમ કે શનિ મહારાજ ધન રાશિમાં વક્રી ભ્રમણ કરી રહ્યા છે અને આ જ દિવસે સુર્યસંક્રાંતિ પણ થઇ રહી છે. આ સંક્રાંતિના પુણ્યકાળમાં સાધના, ઉપાસના, દાન - પુણ્ય સવિશેષ ફળદાયી બની રહેશે. તેમાં પણ આરોગ્ય પ્રાપ્તિ માટેના તથા શનિ મહારાજની કૃપા મેળવવાના પ્રયોગ પણ આ સમયગાળા દરમિયાન થઇ શકે છે. જયારે શનિ જયંતિના એક દિવસ પૂર્વે જ શુક્રનું રાશિ પરિવર્તન પણ થાય છે. જે મિથુન રાશિમાં પ્રવેશ કરે છે. જયારે સુર્ય વૃષભ રાશિમાં ભ્રમણ કરશે. જયારે વૈશાખી અમાસ બાદ સુર્યસંક્રાંતિ ન થવાથી અધિક માસનો તા.૧૬ મેથી પ્રારંભ થશે. જયારે મંગળવારે વક્રી શનિમાં જ અમાસ અને ગોચરની સ્થિતિ ગરમીના પ્રકોપમાં વધારો કરી શકે છે.

આ દિવસે ભરણી નક્ષત્ર શાંતિ પણ થઇ શકે છે. ખાસ કરીને જેમને શનિ દોષ હોય અથવા શનિ નબળો હોય તેમણે આ દિવસે શનિ મહારાજને પ્રસન્ન કરવા માટે વિશિષ્ટ ઉપાસના કરવી આવશ્યક બની રહે છે. આ દિવસે શનિ હવન પણ થતા હોય છે. તેમાં પણ ભાગ લઇ શકાય છે. ખાસ કરીને આ દિવસે લોખંડ, કાળી વસ્તુનું દાન કરી શકાય છે. જયારે આરોગ્ય પ્રાપ્તી માટે આ દિવસે મહાદેવજીના મંદિરમાં જઇને કાળા તલ અને ગાયના દૂધ મિશ્રિત જળનો પણ અભિષેક કરી શકાય છે.

ઋણમુકિત કે બંધનમુકિત માટે પણ શનિદેવની ઉપાસના કરવામાં આવતી હોય છે. ખાસ કરીને 'સુંદરકાંડ'નું પઠન અથવા ૧૨ વખત 'હનુમાન ચાલીસા'નું પઠન ઉત્તમ ફળદાયી બની રહે છે.(૪૫.૩)

(12:11 pm IST)