Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

કોરોનાના કહેર વચ્ચે કચ્છમાં નવી હોસ્પિટલ સુવિધા વધારવા : રિપોર્ટ ન આવે ત્યાં સુધી ફરજીયાત કવોરન્ટાઇન રહેવા તંત્રનો નિર્ણય

અત્યારે ત્રણ ચાર દિવસે મળતા રિપોર્ટ વચ્ચે એક દિ'માં રિપોર્ટ આપી શકાય તે માટે કવાયત

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૪ : કચ્છ જિલ્લામાં કોરોના સંક્રમણ અટકાવવા અને દર્દીઓની ઝડપી અને અસરકારક સારવાર માટે રાજયમંત્રી વાસણભાઇ આહિરના અધ્યક્ષસ્થાને જી.કે.જનરલ હોસ્પિટલમાં સમીક્ષા બેઠક યોજાઇ હતી.

સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રી વાસણભાઇ આહિરે જિલ્લા કલેકટર પ્રવિણા ડી.કે.ની સાથે જિલ્લા વહીવટી તંત્રની સાથે યોજેલી બેઠકમાં આરોગ્ય, વહીવટી અને પોલીસ તંત્રના સંકલનથી જિલ્લામાં કોરોના સંક્રમણ નાથવા લેવાયેલા પગલાં વિશે સમીક્ષા કરવામાં આવી હતી.

જે મુજબ કચ્છમાં કોવીડ-૧૯ની લેબોરેટરીની ક્ષમતા વધારીને ૨૪ કલાકમાં રિપોર્ટ મળે તેવી વ્યવસ્થા કરવી. ભુજ, આદિપુર અને ગાંધીધામ ખાતે અલાયદી ટેસ્ટીંગ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. કોવીડ-૧૯ના આરટીપીસીઆર કે અન્ય સેમ્પલના રીઝલ્ટ ન આવે ત્યાં સુધી વ્યકિતએ ફરજીયાત હોમ કવોરેન્ટાઇન રહેવા હુકમ કરાશે. ગોપાલપુરી, કેપીટી, ગાંધીધામને કોવીડ-૧૯માં હોસ્પિટલ તરીકે માન્યતા આપવા હુકમ કરાશે.

આ બેઠકમાં કોવીડ-૧૯ માટેની જરૂરી દવા સુનિશ્ચિત કરાઇ રહી છે. તેની ચર્ચા કરાઇ હતી.

અન્ય ભૌતિક ઈન્ફ્રાસ્ટ્રકચર જેમ કે સમસર હોસ્ટેલમાં ૨૦૦ જેટલી પથારીઓ સાથે કોવીડ-૧૯ની સારવાર અર્થે હોસ્પિટલ ઉભી કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

વૈશ્વિક મહામારી જાહેર કરાયેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ માટે એપેડેમીક એકટ-૨૦૨૦ હેઠળ યોજાયેલ આ બેઠકમાં સાંસદ વિનોદભાઇ ચાવડા, ભુજ વિધાનસભા ધારાસભ્ય ડો. નિમાબેન આચાર્ય, કલેકટર પ્રવિણા ડી.કે., જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા, મદદનીશ કલેકટર અને પ્રાંત અધિકારી મનીષ ગુરવાની, મુખ્ય જિલ્લા તબીબી અધિકારી કશ્યપ બુચ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જનક માઢક, ડિઝાસ્ટર મામલતદાર સી.આર.પ્રજાપતિ અને જી. કે. જનરલ હોસ્પિટલના કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા.

(11:37 am IST)