Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

જૂનાગઢના મયુર બોખાણીનું જર્મનીમાં એરોસ્પેસ એન્જીનિયર થવાનું સપનું સાકાર

વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે સરકાર દ્વારા અપાતી ૧૫ લાખની લોન સહાય આશિર્વાદ સમાન

જૂનાગઢના અનુસુચિત જાતિ પરીવારના  મયુર ગોવિંદભાઇ બોખાણીનું જર્મનીમાં દુનિયાની ટોપમાં  આવતી યુનિવર્સીટીમાં એરોનોટીક-એરોસ્પેસ એન્જીનીયર બનવાનું સપનું રાજય સરકારની વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે આપવામાં આવતી રૂ.૧૫ લાખની  લોન સહાયની યોજના થકી સાકાર થયું છે.

જૂનાગઢના શિતલનગર વિસ્તારમાં રહેતા બીલખામાં શિક્ષક તરીકેની સેવા આપી નિવૃત થયેલા ગોવિંદભાઇ પમાભાઇ બોખાણીને બે દીકરી અને એક પુત્ર મયુર છે. મયુરમાં નાનપણથી જ દેશ સેવા અને સંઘર્ષ કરીને આગળ વધવાની તમન્ના હતી. ડો. બાબા સાહેબ આંબેડકર અને ડો. એ.પી.જી. અબ્દુલ કલામના વિચારો  આત્મસાત કરીને જીવનમાં સફળતા મેળવવાની તેમનામાં લગની હતી. ધો. ૧૨ સુધી બાલાચડી જામનગર સૈનિક સ્કુલમાં ઉચ્ચ આદર્શો સાથે રાષ્ટ્ર પ્રેમી નાગરિક બનવાના સંસ્કારો મેળવીને તેમને એરોનેટીક અને સ્પેશ એન્જીનીયર તરીકે કારર્કીદી બનાવવાની ઇચ્છા થઇ હતી. આ ઉચ્ચ અભ્યાસ જર્મનીની સારામાં સારી યુનિવર્સીટીમાં કરવાની ઇચ્છા હતી. મોટી બહેન બિંદિયાનો તબીબી અભ્યાસક્રમ ચાલે છે અને એવી સ્થિતિમાં વિદેશમાં અભ્યાસ માટે મોટી રકમની જરૂર પડે તે સ્વાભાવિક છે.મયુરના પિતા ગોવિંદભાઇ અને માતાએ તેમના પુત્રનું સપનુ સાકાર થાય તે માટે પ્રયાસો શરૂ કર્યા તેમાં ખ્યાલ આવ્યો કે રાજય સરકાર અનુસુચિત જાતિના યુવાનોને ઉચ્ચ અભ્યાસ માટે રૂ.૧૫ લાખની લોન સહાય આપે છે. આ યોજના વિશે જૂનાગઢ અનુ.જાતિ કલ્યાણ કચેરીમાંથી વિગતો મેળવી તો ગોવિંદભાઇને થયું કે ખરેખર રાજય સરકાર સંવેદનશીલ છે અને નાણા વગર અનુસુચિત જાતિનો એકપણ  યુવાન કે દીકરી  ઉચ્ચ શિક્ષણથી વંચિત ન રહે તે માટે ચિંતિત છે. આ યોજનામાં અભ્યાસ પુર્ણ ન થાય ત્યાં સુધી લોન પરત કરવાની થતી નથી અને  અગાઉ જે ૧૫ થી ૧૮ ટકા વ્યાજમાં લોન લેવી પડતી હતી તેને બદલે માત્ર ૪ ટકા વ્યાજ  આ લોન સહાય મળે છે તે જાણીને પરિવારમાં ખુશી છવાઇ ગઇ.

જૂનાગઢ જિલ્લા અનુસુચિત જાતિ કલ્યાણ કચેરીના નાયબ નિયામક શ્રી સી.એન.મિશ્રાએ જણાવ્યું હતું કે જિલ્લામાં અનુસુચિત જાતિના પરિવારોના કલ્યાણ માટે વર્ષ ૨૦૧૭માં ૧૯૯૬૩ લાભાર્થીઓને રૂ.૨૫.૫૬ કરોડની સહાય આપવામાં આવી છે.વંચિતોના વિકાસને સાર્થક કરતી આ એક મોટી ફળશ્રુતિ છે.

આલેખન : નરેશ મહેતા, જુનાગઢ

(12:45 pm IST)